Vadodara

પાલિકાના બોર્ડે જ વડોદરાનું નાક કાપ્યું

વડોદરા: વર્ષ 2017માં વડોદરા મહાનગર પાલિકાના દ્વારા એક્વિઝિશન એક્ટ મુજબ જમીન માલિકોની લગભગ 40 હજાર સ્ક્વેર ફૂટ જમીન લઈ રોડ બનાવ્યો હતો અને પાંચ વર્ષ સુધી જમીન માલિકોને વળતર ન ચુકવતા કોટે પાલિકાને 90 કરોડનું વળતર ચૂકવવા અથવા તો જમીન પાછી આપવાનું ફરમાન કર્યું હતું આમ તત્કાલીન મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવના તુગલઘી નિર્ણય થી પાલિકાનું નાક કપાયું છે સાથે જ વડોદરાના ઇતિહાસમાં લોકર્પણ કરેલ રોડની જગ્યા પરત આપવાની નોબત આવી છે બીજી બાજુ હેરિટેજ બંગલોના માલિક નિકેતન કોન્ટ્રાક્ટર પાલિકા સામે 1 કરોડનો દાવો કરશે તેવું જાણવા મળ્યું છે.

વડોદરા રેલવે ગરનાળા પાસે ફરામજી કંપાઉન્ડમાં   વર્ષ 2017માં 30 મીટરનો રોડ બનાવવાનો તત્કાલીન કમિશનર વિનોદ રાવે નિર્ણય કર્યો હતો જે માટે નિકિતન કોન્ટ્રાક્ટર,મયંક પટેલ સહિત જમીન માલિકોની લગભગ 40,000 ચોરસ ફુટ જગ્યા પર  એક્વિઝિશન એક્ટની આડમાં આડેધડ બુલડોઝર ફેરવી દેવાયું હતું જેમાં 105 વર્ષ જૂના હેરિટેજ બંગલોના અમુક ભાગને પણ તોડી પાડવામાં આવ્યો હતો વળતર ચૂકવ્યા વગર જમીન એક્વિઝિશન કરનાર પાલિકા વિરૂધ્ધ જમીન માલિકોએ કોર્ટમાંથી ઘા નાંખી હતી દરમિયાન કોર્ટમાં કેસ ચાલતા નામદાર અદાલતે પાંચ વર્ષ સુધી જમીન માલિકોને વળતર કેમ ન આપ્યું તેવા વેધક સવાલો સાથે જમીનના માલિકોને 90 કરોડ રૂપિયા લેખે વળતર ચૂકવવા અથવા તો જમીન પરત કરી દેવા માટે ફરમાન કર્યું હતું.

 કોર્ટની ફટકાર બાદ પાલિકા તંત્ર હચમચી ઊઠયું હતું અને પાલિકાની તિજોરી તળિયા ઝાટક હોય 90 કરોડનું વળતર આપવાના બદલે જમીન માલિકોને તેમની જમીન પરત આપવાના ઠરાવ કરવામાં આવ્યો હતો આમ વડોદરાના ઇતિહાસમાં પહેલીવાર લોકાર્પણ કરેલ રોડની જગ્યા ને પરત આપવાનો નિર્ણય લેવાયો હતો જેને લઇ પાલિકાતંત્ર શરમજનક સ્થિતિમાં મુકાયું છે સત્તાના નશામાં બેફામ બનેલા પાલિકા તંત્રના સત્તાધીશોની અનઆવડતને કારણે પાલિકા હવે હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ ગયું છે બીજી તરફ રોડ વાઇન્ડીંગ ના ભાગરૂપે હેરિટેજ મિલકત પર બુલડોઝર ફેરવવાની મનમાની કરનાર વિનોદ રાવના વહીવટ સામે પણ આંગળીઓ ચિંધાઈ રહી છે ફરામજી કમ્પાઉન્ડમાં હેરિટેજ બંગલો ધરાવતા નિકેતન કોન્ટ્રાક્ટરે નુકસાની બદલ પાલિકા સામે એક કરોડનો દાવો કરવાનું મન બનાવી લીધું છે આ અંગે ટૂંક સમયમાં પાલિકા સત્તાધિશોએ મળી રજૂઆત પણ કરાશે.

19ના બદલે 30 મીટરના રસ્તાની જીદ નડી
ફરામજી કંપાઉન્ડમાં રેલવે સ્ટેશન પાછળ વડોદરાના લોકોની સુવિધા માટે વર્ષ 2000માં 19 મીટરના રોડની દરખાસ્ત જે તે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવી હતી જે માટે નિકેતન કોન્ટ્રાક્ટર સહિત જમીનમાલિકો વડોદરા હિતમાં પોતાની જમીન વગર વળતરે આપવા તૈયાર હતા. જોકે પાલિકાના જે તે વખતના સભાસદોએ સામાન્ય સભામાં 30 મીટરનો રસ્તો બનાવવાની દરખાસ્ત મંજૂર કરી હતી જે સાથે વિવાદ થયો હતો દરમ્યાન બળતું ઘર હાથમાં લેવા કોઈ તૈયાર થતું ન હતું. તેવામાં  2017માં તત્કાલીન મ્યુ. કમિશનર વિનોદ રાવે રોડ બનાવવાનું કામ હાથમાં લીધું અને આડેધડ તોડફોડ કરી રસ્તો બનાવી દીધો તેમજ જમીન માલિકોને વળતર પણ ન આપ્યું. જેથી કોર્ટમાં કેસ ચાલ્યો અને પાંચ વર્ષ બાદ પાલિકાને લોકોને અર્પણ કરવામાં આવેલ રોડની જગ્યા જમીન માલિકોને પરત આપવી આપવાની ફરજ પડી જો 19 મીટર રોડ બનાવવામાં આવ્યો હોત તો વિવાદ ન થાત અને પાલિકા તંત્રની આવી ફજેતી ન થઈ હોત!

પાલિકાના અણઘડ વહિવટના કારણે ડિમોલિશન કરી શરૂ કરાયેલ મોટાભાગના પ્રોજેક્ટો વિવાદમાં
પાલિકાએ વિકાસના સપનાઓ બતાવી શહેરમાં આડેધડ ડીમોલેશન કરી હજારો લોકોને બેઘર અને બેરોજગાર કર્યા હતા મોટાઉપાડે ડિમોલિશનની કામગીરી બાદ શરૂ થયેલ મોટા ભાગના પ્રોજેક્ટ હાલ વિવાદોમાં જેમાં સંજયનગર, સહકાર નગર તથા જનમહેલ જેવા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ તમામ પ્રોજેક્ટો એક યા બીજા કારણસર અધ્ધરતાલ છે સંજયનગર અને સહકારનગરના લોકો આવાસો વગર રઝળી રહ્યા છે આ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર સામે પાલિકાના સત્તાધીશો જાણે નતમસ્તક હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ફરામજી કંપાઉન્ડમાં જે રીતે પાલિકાનું નાક કપાયું છે તેવા હાલ કદાચ આ પ્રોજેક્ટમાં પણ થઇ શકે તેવી ચર્ચા જોર પકડી રહી છે.

અંતિમ શ્વાસ સુધી લડીશ: નિકેતન કોન્ટ્રાકટર
અમે એક્વિઝિશન એક્ટ અને જૂના બોમ્બે રેન્ટ એક્ટનો ભોગ બન્યો છે કોર્પોરેશને રોડ બનાવવા માટે મારા બંગલાનો આગળનો ભાગ બળજબરીથી લઈ લીધો હતો. તેઓએ મને કે મારા પડોશીઓને પાંચ વર્ષ સુધી વળતરના પૈસા આપ્યા નથી. કોર્ટે તેમને 90 કરોડ ચૂકવવા કહ્યું તે પછી પાલિકા જમીન પાછી આપી રહ્યા છે મારા હેરિટેજ ઘર અને ફુવારાને તોડી,મારા બગીચાને નષ્ટ કરીને રસ્તો બનાવ્યો અને પાંચ વર્ષ માટે મફતમાં મારી જમીનનો ઉપયોગ કર્યો ત્યારે હું મારા છેલ્લા શ્વાસ સુધી લડીશ.

ફરામજી કોન્ટ્રાક્ટરના પરિવારનું ઋણ પણ ભુલાયું
સર સયાજીરાવ ગાયકવાડની જેમ ફરામજી કોન્ટ્રાક્ટરના પરિવારનું પણ વડોદરાના વિકાસમાં બહુમૂલ્ય યોગદાન છે વડોદરાના હિત માટે ફરામજી કોન્ટ્રાક્ટરે પોતાની મહામૂલી જમીનોનો મોટો હિસ્સો વડોદરાને આપ્યો હતો. રેલ્વે સ્ટેશન પાછળ લોકો અવરજવર કરી શકે તે હેતુથી પોતાની જગ્યા ખુલ્લી કરી આપી હતી પરંતુ પાલિકાનું તંત્ર ફરામજી કોન્ટ્રાક્ટરના પરિવારના ઋણને વિસરી ગયું હોય તેમ તેમના હેરિટેજ બંગલો પર બુલડોઝર ચલાવ્યા હતા જેને લઈને નિકેતન કોન્ટ્રાક્ટર સહિત પરિવાર પાલિકાની કાર્યવાહીથી દુઃખી છે.
જમીન પાછી અપાશે : મેયર
બૂલેટ ટ્રેન રેલવે સ્ટેશન પાછળથી જવાની હતી એટલે 30 મીટરનો રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ હવે બુલેટ ટ્રેન આગળના રસ્તેથી લઇ જવાશે જેથી પાછળના રસ્તા માટેના વિવાદમાં જમીન માલિકો તેમની જમીનો પાછી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ઠરાવ મુજબ કાર્યવાહી
ફરામજી કમ્પાઉન્ડમાં બનાવવામાં આવેલ રોડ વિવાદમાં હવે પાલિકા દ્વારા જમીન માલિકોને જગ્યા પરત આપવાનો ઠરાવ કરવામાં આવ્યો છે ત્યારે  વર્તમાન મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે પણ જણાવ્યું હતું કે પાલિકાના ઠરાવ પ્રમાણે માલિકોને જમીન પરત આપવામાં આવશે.
નિયમ વિરુદ્ધ તોડફોડ
પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત ભથ્થુંએ ફરામજી કંપાઉન્ડમાં તોડફોડ મામલે અધિકારીની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અધિકારીએ મનમાની કરી દીવાલો તોડી હતી. આ લોકો હવે કોર્ટમાં જીતીને આવે છે ત્યારે પૈસા કોર્પોરેશન કેમ ભરે તેવો વેધક સવાલ ઉઠાવી જેતે અધિકારી પાસે પૈસા વસૂલ કરવા જોઈએ તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top