National

સ્કૂલમાં મુસ્લિમ વિદ્યાર્થીને થપ્પડ મારવાના મામલે SCએ યુપી સરકારને લગાવી ફટકાર

યૂપીના (UP) મુઝફ્ફરનગરમાં એક શિક્ષકની (Teacher) સૂચના પર ક્લાસના અન્ય વિદ્યાર્થીઓ (Student) દ્વારા એક મુસ્લિમ વિદ્યાર્થીને થપ્પડ (Slap) મારવાના મામલે સુપ્રીમ કોર્ટે સોમવારે ઉત્તર પ્રદેશ સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે જે ઘટના બની છે તે રાજ્યના અંતરાત્માને હચમચાવી નાંખે તેવી છે. સાથે જ નિર્દેશ આપ્યો છે કે આ મામલાની તપાસ માટે એક વરિષ્ઠ IPS અધિકારીની નિમણૂક કરવામાં આવે.

ન્યાયમૂર્તિ અભય એસ ઓકા અને પંકજ મિથલની ખંડપીઠે IPS અધિકારીને સર્વોચ્ચ અદાલતમાં અહેવાલ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો અને રાજ્ય સરકારને પ્રોફેશનલ કાઉન્સેલર્સ દ્વારા પીડિત મુસ્લિમ વિદ્યાર્થી અને કેસ સાથે સંકળાયેલા અન્ય વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ પૂરું પાડવા જણાવ્યું હતું.

ચાર અઠવાડિયામાં રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ
સુપ્રીમ કોર્ટે આ ઘટનાને ગંભીર ગણાવી હતી. એટલું જ નહીં બેન્ચે રાજ્ય સરકારને રાજ્યભરની શાળાઓમાં RTE કાયદાના અમલીકરણ અંગે ચાર અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. ઉપરાંત સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ઘટનાની તપાસ માટે વરિષ્ઠ IPS અધિકારીની નિમણૂક કરવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે ત્યારબાદ નિયુક્ત વરિષ્ઠ અધિકારી કોર્ટ સમક્ષ રિપોર્ટ દાખલ કરે.

ખંડપીઠે કહ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ આ મામલો ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા શિક્ષણ અધિકાર કાયદાની જોગવાઈઓનું પાલન કરવામાં નિષ્ફળતાનો છે. જે બાળકો માટે જાતિ, સંપ્રદાય અથવા લિંગના આધારે કોઈપણ ભેદભાવ વિના 14 વર્ષ સુધી ગુણવત્તાયુક્ત, મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ અને ફરજિયાત શિક્ષણ આપવા સાથે સંબંધિત છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આવી ઘટનાથી રાજ્યના અંતરાત્માને આંચકો લાગવો જોઈએ. જો કોઈ વિદ્યાર્થીને માત્ર તે અથવા તેણી કોઈ ચોક્કસ સમુદાયના હોવાના આધારે સજા કરવાની માંગ કરવામાં આવે તો કોઈ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકાતું નથી.

કોર્ટે રાજ્ય સરકારને એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો કે પીડિતને પ્રોફેશનલ કાઉન્સેલર દ્વારા યોગ્ય રીતે કાઉન્સેલિંગ કરવામાં આવે. ઉપરાંત જે વિદ્યાર્થીઓને બાળકને મારવાનું કહેવામાં આવ્યું હતું તેમને યોગ્ય કાઉન્સેલિંગ આપવું જોઈએ. કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર બાળક એક જ શાળામાં ભણવાનું ચાલુ રાખે તેવી અપેક્ષા ન રાખી શકે.

મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધીની અરજી પર સુનાવણી
અદાલત મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં કેસની ઝડપી તપાસની માંગ કરવામાં આવી હતી. 6 સપ્ટેમ્બરે સર્વોચ્ચ અદાલતે મુઝફ્ફરનગરના પોલીસ અધિક્ષકને આ કેસમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે પોલીસ અધિક્ષકને વિદ્યાર્થી અને તેના માતા-પિતાની સુરક્ષા માટે લેવાયેલા પગલાં વિશે માહિતી આપવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને પણ નોટિસ પાઠવી હતી અને 25 સપ્ટેમ્બર સુધીમાં જવાબ માંગ્યો હતો.

આ હતો સમગ્ર મામલો
ખુબ્બાપુર ગામની શાળામાં તૃપ્તા ત્યાગી નામની એક શિક્ષિકાએ 24 ઓગસ્ટે લઘુમતી સમુદાયના યુકેજીના વિદ્યાર્થીને પાંચનો ઘડિયો ન બોલવા બદલ તેના સહપાઠીઓ પાસે માર મરાવ્યો હતો. આ દરમિયાન જાતિ વિષયક ટીપ્પણીનો પણ આરોપ છે. ઘટના દરમિયાન પીડિત વિદ્યાર્થીના પિતરાઈ ભાઈએ વીડિયો બનાવ્યો હતો. વીડિયો વાયરલ થતાં જ દેશભરમાંથી પ્રતિક્રિયાઓ આવવા લાગી અને શિક્ષકની ધરપકડની માંગ ઉઠવા લાગી હતી. આરોપી શિક્ષક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગે આ મામલે શાળાને નોટિસ પણ મોકલી હતી.

Most Popular

To Top