SURAT

ગોડાદરા બ્રિજ પરથી ફૂલસ્પીડમાં જતા બે મિત્રોનું મોપેડ ડિવાઈડર સાથે અથડાયું, એકનું મોત

સુરત:સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આજે વહેલી સવારે એક ગંભીર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગોડાદરાથી ડીંડોલી તરફના બ્રિજ ઉતરવાના રસ્તા પર મોપેડનો અકસ્માત સર્જાયો હતો. મોપેડ પર બે મિત્રો વહેલી સવારે ડીંડોલી તરફ આવી રહ્યા હતા. દરમિયાન બ્રિજ ઉતરતા વખતે મોપેડ ચાલક દ્વારા અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દઈ ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયું હતું. જેને લઇ બંને જણા રસ્તા પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં બેમાંથી એક મોપેડ સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોતની નીપજ્યું હતું.

ગોડાદરા ડીંડોલી રોડ પર સર્જાયેલા અકસ્માતમાં મળતી માહિતી મુજબ વહેલી સવારે બંને યુવકો મોપેડ પર ઘરે પરત જઈ રહ્યા હતા. વહેલી સવાર હોવાથી રસ્તો ખાલી અને સૂમસામ હતો. જેને લઇ ફુલ સ્પીડે તેઓ મોપેડ ચલાવી રહ્યા હતા. દરમિયાન મોપેડ ચલાવનારથી સ્ટીયરીંગ પરથી અચાનક કાબુ ગુમાવી દેવાતા મોપેડ ડિવાઇડર સાથે અથડાઈ ગયું હતું.
રોડ પર અકસ્માતની ઘટના બનતા આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિક લોકો દ્વારા ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ડીંડોલી પોલીસનો કાફલો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મોપેડ સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. તેની ઉંમર 30થી 35 વર્ષ જેટલી છે. મરનાર મોપેડ સવારનું નામ શશીકાંત રામજીભાઈ પાંડે છે. તેઓ માર્કેટમાં કાપડનો વેપાર કરતો હતો. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થનાર યુવકનું નામ ઉમાકાંત ઉપાધ્યાય હોવાનું જાણવા મળ્યું છે. તેને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ઘટના અંગે વધુમાં જાણવા મળ્યું હતું કે અકસ્માતમાં મોતને ભેટનાર શશીકાંત રામજીભાઈ પાંડે પાસે બલેનો કાર છે. આ કાર લઈને તેનો મિત્ર ઉમાકાંત ઉપાધ્યાય સાથે બહાર ક્યાંક ફરવા ગયા હતા. વહેલી સવારે તેઓ સુરત આવીને ગોડાદરા પોલીસ સ્ટેશનના તેના મિત્રને ત્યાં ગયા હતા અને તેમની કાર તેને આપીને હોમગાર્ડનું મોપેડ લઈ ઘરે જવું છે એમ કહી નીકળ્યા હતા. દરમિયાન મિત્રના મોપેડનું અકસ્માત રસ્તામાં થઈ જતા શશીકાંત પાંડેનું મોત નિપજ્યું હતું.

અકસ્માતમાં મોતને ભેટનાર શશીકાંત પાંડે ડીંડોલી વિસ્તારમાં આવેલી શ્રદ્ધા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી રહે છે. પત્ની અને પાંચ વર્ષના બાળક સાથે તે સુરતમાં છેલ્લા ઘણા સમયથી રહે છે. માતા-પિતા વતનમાં રહે છે. સુરતમાં કાપડનો વેપાર કરી પત્ની અને બાળક સાથે રહેતો હતો. દરમિયાન આજે અકસ્માત થતા તેનું મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પતિના અકસ્માતની જાણ થતાં પત્ની ઘટના સ્થળે પહોંચી તેના આક્રંદથી સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. અચાનક યુવકનું અકસ્માતમાં મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું.

ડીંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ઘટના સ્થળે જ મોતને ભેટનારી યુવકને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જયારે ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર અર્થે મોકલી તેનું નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરાવી હતી. પોલીસે ઘટના અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top