Business

ટ્વિટરે ભારતમાં તેની 2 ઓફિસ બંધ કરી, કંપનીએ ઘરેથી કામ કરવાનો આપ્યો આદેશ

નવી દિલ્હી: ટ્વીટના (Twitter) CEO એલોન મસ્ક (Elon musk) ઘણીવાર નવા નવા નિયમોને કારણે ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ટ્વિટર ઇન્કએ તેની ભારતની ત્રણ ઓફિસમાંથી (Office) બે બંધ કરી દીધી છે અને તેના કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહ્યું છે. જો કે કંપની (Company) તરફથી હજુ સુધી આ અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

ટ્વિટરે ગયા વર્ષના અંતમાં ભારતમાં તેના અંદાજે 200 થી વધુ કર્મચારીઓમાંથી 90% થી વધુ કર્મચારીઓની છટણી કરી હતી. હવે તેણે નવી દિલ્હી અને મુંબઈની ઓફિસ બંધ કરી દીધી છે. કંપની બેંગલુરુના દક્ષિણ ટેક હબમાં ઓફિસનું સંચાલન કરવાનું ચાલુ રાખે છે, જેમાં મોટાભાગે એન્જિનિયરો રહે છે. એક રિપોર્ટ અનુસાર અબજોપતિ એલોન મસ્ક 2023ના અંત સુધીમાં ટ્વિટરને આર્થિક રીતે સ્થિર કરવાના પ્રયાસના ભાગરૂપે કર્મચારીઓને છૂટા કરી રહ્યા છે અને વિશ્વભરમાં ઓફિસો બંધ કરી રહ્યા છે. તેમ છતાં મેટા પ્લેટફોર્મ્સ ઇન્કથી આલ્ફાબેટ ઇન્ક સુધીની અમેરિકન ટેક્નોલોજી કંપનીઓ માટે ભારતને મુખ્ય વૃદ્ધિ બજાર માનવામાં આવે છે.

કંપનીએ ભારતમાં સબસ્ક્રિપ્શન સેવા શરૂ કરી છે
થોડા દિવસો પહેલા ટ્વિટરે આખરે ભારતમાં તેની પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સેવા Twitter Blue લોન્ચ કરી હતી. કંપનીએ ટ્વિટર વેબસાઈટ દ્વારા તેને એક્સેસ કરનારાઓ માટે દર મહિને રૂ. 650ના ભાવે નવું સબ્સ્ક્રિપ્શન રજૂ કર્યું છે. એન્ડ્રોઇડ અથવા આઇઓએસ એપ દ્વારા સબસ્ક્રાઇબ કરનારા યુઝર્સે 900 રૂપિયાની માસિક ફી ચૂકવવી પડશે. તમને જણાવી દઈએ કે, ટ્વિટર બ્લુને ગયા વર્ષે ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યું હતું, તે યુઝર્સને ઘણા નવા ફીચર્સ આપે છે જેમ કે બ્લુ ચેક માર્ક, ટ્વીટ એડિટ કરવાની ક્ષમતા, લાંબી વિડિયો પોસ્ટ, બુકમાર્ક્સ, કસ્ટમ એપ આઇકોન અને પ્રોફાઇલ ફોટો માં NFT નો ઉપયોગ કરવાનો વિકલ્પ છે.

12% ડિસ્કાઉન્ટ સાથે વાર્ષિક પ્લાન ઉપલબ્ધ છે
કંપની વેબસાઇટ પર વાર્ષિક સબ્સ્ક્રિપ્શન લેવા માટે ડિસ્કાઉન્ટેડ કિંમત ઓફર કરી રહી છે. જો વપરાશકર્તા તેમના સબસ્ક્રિપ્શનનું માસિક બિલ મેળવે છે, તો તેઓ 7,800 રૂપિયા ચૂકવશે, જ્યારે તેઓ વાર્ષિક ચૂકવણી કરવાનું પસંદ કરશે, તો તેઓ 1,000 રૂપિયા બચાવશે અને 6,800 રૂપિયા ચૂકવશે. તમારે વેબસાઈટ પર માત્ર ડાબી કોલમમાં ‘Twitter Blue’ પર ક્લિક કરવાનું છે. એક પોપ-અપ તમને તમારી પસંદગીની યોજના પસંદ કરવાનો અને પછી ચુકવણી કરવાનો વિકલ્પ આપશે. વાર્ષિક યોજના ફક્ત વેબસાઇટ દ્વારા જ ઍક્સેસિબલ હશે.

Most Popular

To Top