National

ટામેટાના વધતા ભાવને કાબૂમાં લેવા કેન્દ્ર સરકાર ‘ટોમેટો ગ્રાન્ડ ચેલેન્જ’ હેઠળ લોકો પાસેથી મંતવ્યો મંગાવાશે

છેલ્લા કેટલાંક દિવસોમાં ટામેટાની (Tomato) કિંમતોમાં અનેક ગણો ભાવ (Price) વધારો નોંધાયો છે. દેશના કેટલાક ભાગોમાં ટામેટાંના છૂટક ભાવ રૂ. 120 પ્રતિ કિલોએ જ્યારે જથ્થાબંધ બજારોમાં ભાવ 70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. ટામેટાંના વધતા ભાવને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર (Central Govt) પણ કમર કસી રહી છે. ટામેટાના ભાવને કાબૂમાં લાવવા માટે ગ્રાહક બાબતોનું મંત્રાલય ‘ટોમેટો ગ્રાન્ડ ચેલેન્જ’ (Tomato Grand Challenge) શરૂ કરવા જઈ રહ્યું છે. ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે આ માહિતી આપી છે.

આસમાને પહોંચી રહેલા ટામેટાના ભાવને લઈને સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે કહ્યું છે કે ટામેટાના આ વધતા ભાવો હંગામી અને મોસમી છે. તેમણે ખાતરી આપી છે કે નજીકના સમયમાં ટામેટાના ભાવને કાબૂમાં લેવામાં આવશે. ટામેટાના વઘતા ભાવો અંગેનું કારણ જણાવતા તેમણે કહ્યું કે દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે જેના કારણે ટામેટાના ભાવમાં અનિયંત્રિત વધારો થયો છે.

શું છે ‘ટોમેટો ગ્રાન્ડ ચેલેન્જ’?
ટામેટાના ભાવમાં એકાએક વધારો થતાં ગ્રાહક બાબતોનું મંત્રાલય ‘ટોમેટો ગ્રાન્ડ ચેલેન્જ’ શરૂ કરવા જઈ રહ્યું છે. ‘ટોમેટો ગ્રાન્ડ ચેલેન્જ’ ની પ્રક્રિયામાં ટામેટાંના ઉત્પાદન, પ્રક્રિયા અને સંગ્રહને સુધારવા માટે નવા વિચારોને આમંત્રિત કરવામાં આવશે. નવા આઈડિયા સાથે પ્રોટોટાઈપ બનાવશે અને પછી જો યોગ્ય લાગશે તો તેને અપનાવામાં પણ આવશે.

તમિલનાડુમાં સરકારે ટામેટાંના વધતા ભાવને કાબૂમાં લેવાનું શરૂ કરી દીધું
તમિલનાડુમાં સરકારે ટામેટાંના વધતા ભાવને કાબૂમાં લેવાનું શરૂ કરી દીધું છે. ટામેટાં અહીં ફાર્મ ફ્રેશ આઉટલેટ્સ (FFO) પર વેચવામાં આવશે. FFO માં ટામેટા 68 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાશે. તમિલનાડુના સહકારી, ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી પેરિયાકરુપ્પને જણાવ્યું કે સરકારે ટામેટાંની કિંમતોને કાબૂ કરવા, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત આપવા માટે આ પગલું ભર્યું છે.

ડુંગળી માટે પણ આ તરકીબ અપનાવી હતી: રોહિત કુમાર સિંહ
રોહિત કુમાર સિંહે જણાવ્યું કે અમે છેલ્લા એક વર્ષમાં ડુંગળી માટે પણ આ તરકીબ અપનાવી હતી. ડુંગળી માટે લગભગ 600 આઈડિયા મળ્યા જેમાંથી 13 આઈડિયાને ધ્યાનમાં લઈ એક્સપર્ટ સાથે વાત કરવામાં આવી હતી અને હાલ એક્સપર્ટના માર્ગદર્શન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

ભીષણ ગરમી, ઓછું ઉત્પાદન, વરસાદ, વાવાઝોડું જેવી સમસ્યાના કારણે ટામેટાના ભાવમાં ઘરખમ વધારો થયો છે. હાલના દિવસોમાં ટામેટા સાથે અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. સરકારી આંકડાઓ પ્રમાણે વર્ષ 2022-23 માં ટમેટાંનું ઉત્પાદન 2.062 કરોડ ટન રહેવાનું અનુમાન છે જ્યારે તેના એક વર્ષ રહેલા આ 2.069 કરોડ ટન રહ્યું હતુ.

Most Popular

To Top