Columns

કોન્ડોમ વાપરતાં પહેલાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાતો

આજના આ સમયમાં મોટાભાગનાં કપલ કોન્ડોમનો યુઝ કરતા હોય છે. કોન્ડોમ યુઝ કરતી વખતે અનેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. પ્રેગનન્સી સમય પહેલાં ના રહી જાય તેના માટે કોન્ડોમ યોગ્ય સાઈઝનું હોવું જરૂરી છે તેમ જ તેનો વપરાશ પણ યોગ્ય રીતે કરવો પણ અગત્યનો છે. જો કે કોન્ડોમને ખરીદવામાં, જાળવવામાં અને યુઝ કરતી વખતે નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો જાણો કોન્ડોમનો યુઝ કરતી વખતે શું રાખશો ખાસ ધ્યાન?

– અનુકૂળ અને આરામદાયક કોન્ડોમ મળવો રાહતની વાત છે. જો તે સમાગમ વખતે ફાટી જતો હોય તો તમે છેવટે કંટાળીને તેનો વપરાશ બંધ કરી દેશો તે સ્વાભાવિક છે. કોન્ડોમનો ઉપયોગ બંધ કરવાથી અવાંછિત ગર્ભ કે જાતીય ચેપી રોગો જેવી અનેક સમસ્યાઓ સર્જાવાનું જોખમ રહે છે. કોન્ડોમ નીકળી કે ફાટી જવાની ફરિયાદ ઘણાં યુગલો કરતા હોય છે. જો કે સંશોધનો અનુસાર આવી ઘટનાઓ 10%થી પણ ઓછી હોય છે. જે મહદ્અંશે ખોટી રીતે કોન્ડોમ પહેરવાને કારણે, અયોગ્ય જગ્યાએ તેનો સંગ્રહ કરવાથી અથવા તો એક્સપાયર્ડ ડેટનો કોન્ડોમ ઉપયોગમાં લેવાને કારણે સર્જાય છે.

– ઘણા પુરુષોને કોન્ડોમ પાકીટમાં રાખવાની આદત હોય છે. જો તમે પણ કંઇક આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. કોન્ડોમને ક્યારે પણ પાકીટમાં રાખવા જોઇએ નહીં. પાકીટમાં રાખવાથી ગરમીના કારણે કોન્ડોમની ક્વોલિટી ઉપર વિપરીત અસર પડે છે અને ઘણી બધી વાર આવા કોન્ડોમ સમાગમ વખતે ફાટી જવાની શક્યતા રહેતી હોય છે. – જેમ દરેક વસ્તુમાં એક્સપાયરી ડેટ હોય છે તેમ કોન્ડોમમાં પણ એક્સપાયરી ડેટ હોય છે. ખરીદતા પહેલાં ચોક્કસ આની એક્સપાયરી ડેટ તપાસો. એક્સપાયર્ડ કોન્ડમ વાપરશો તો એ પણ ચાલુ સમાગમમાં ફાટી જવાની શક્યતા રહેશે.

– કોન્ડોમ ખરીદવા એ પણ એક પડકારથી કમ નથી. હાલમાં બજારમાં ઉપલબ્ધ અનેક દેશી-વિદેશી બ્રાન્ડ્સમાંથી અનુકૂળ બ્રાન્ડની પસંદગી કરવી મુશ્કેલ છે. દરેક બ્રાન્ડની પોતાની સ્ટાઈલ અને કદ હોય છે. મોટાભાગે કોન્ડોમ લેટેક્સમાંથી તૈયાર કરવામાં આવે છે પરંતુ કેટલાંક કોન્ડોમ પોલિયુરેથેનમાંથી અથવા અન્ય મટીરિયલ્સમાંથી તૈયાર કરવામાં આવે છે અને તેને તબીબી ઉપકરણ તરીકે વર્ગીકૃત કરાયા હોવાથી તે ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટાન્ડર્ડાઈઝેશન (ISO) જેવા નિર્ધારિત નિયમનકારી જૂથના માપદંડો અનુરૂપ હોય તે આવશ્યક છે. ઉદાહરણ તરીકે, ISO કોન્ડોમને એર બર્સ્ટ અને ઈલેક્ટ્રિકલ ટેસ્ટ્સમાંથી પસાર કરે છે, જેથી કોન્ડોમમાં કાણાં નથી કે તે ફાટી નથી જતા તે સુનિશ્ચિત થઈ શકે. આ ઉપરાંત ISO દ્વારા તેની જાડાઈ અને તેના આયુષ્ય માટેના માપદંડ પણ નિર્ધારિત કરાયા છે.

આમ છતાં મોટાભાગના કોન્ડોમ માટે એક સર્વસામાન્ય ફરિયાદ તેની ચુસ્તતા અંગેની હોય છે. અંદાજે 50 % જેટલા પુરુષોના મતે તેમના દ્વારા ઉપયોગમાં લેવાતાં કોન્ડોમ તેમને યોગ્ય ફીટ થતાં નથી. – તાજેતરના એક સર્વેમાં પુરુષોને તેમના કોન્ડોમના ફિટિંગ અંગેની ફરિયાદ અંગે પૂછવામાં આવ્યું હતું. આશરે એક તૃતીયાંશ જેટલા લોકોએ જણાવ્યું હતું કે તેમના કોન્ડોમ અત્યંત ફિટ હતા. કેટલાંકના મતે તે વધુ પડતાં લાંબા, વધુ પડતાં ટૂંકા અથવા તો વધુ પડતાં ઢીલા હતા. કેટલાક પુરુષોને કોન્ડોમથી અન્ય સમસ્યાઓ પણ નડે છે. જેમ કે કેટલાક પુરુષોને કોન્ડોમ પહેર્યા પછી સેક્સ કરવાનો પૂરતો આનંદ નથી આવતો. કેટલાકને તેનાથી ખંજવાળ અથવા તો શિશ્નોત્થાન જાળવી રાખવાની સમસ્યા સતાવે છે, તો કેટલાકને સેક્સ દરમિયાન કોન્ડોમ શુષ્ક બની જતો હોવાની સમસ્યા નડે છે.

કોન્ડોમની યોગ્ય સાઈઝ શું છે?
શિશ્નની સરેરાશ લંબાઈ 5 થી 7 ઈંચ અને તેનો ઘેરાવો 3.5થી 6 ઈંચ જેટલો હોય છે. જો કે તેમાં વધઘટ હોવી સામાન્ય છે. કોન્ડોમના કદની વાત કરીએ તો ISO દ્વારા કોન્ડોમની લંબાઈ 6.3 ઈંચ નિર્ધારિત કરાઈ છે. મોટાભાગના કોન્ડોમની લંબાઈ 7 ઈંચ હોય છે, વધારે લંબાઈ વીર્યસ્ત્રાવના સંગ્રહ માટે રખાય છે. કેટલાક ઉત્પાદકો વિવિધ કદના કોન્ડોમનું ઉત્પાદન કરતા હોવાથી તમારા શિશ્નના કદને ધ્યાનમાં રાખી તમારી અનુકૂળતા અને આરામદાયકતાને આધારે પસંદગી કરો. નિષ્ણાતોના મતે મોટાભાગના કોન્ડોમ દરેક પુરુષને અનુકૂળ આવે છે પરંતુ જો તમને લાગતું હોય કે તમને કોઈ કોન્ડોમ અનુકૂળ નથી આવતો તો કોન્ડોમનો સદંતર ઉપયોગ બંધ કરવાને બદલે અન્ય બ્રાન્ડના કોન્ડોમનો ઉપયોગ કરો.

Most Popular

To Top