Columns

ઈન્વેસ્ટર્સ માટે ગ્રીનકાર્ડ

દિવસે દિવસે અમેરિકામાં પ્રવેશ મેળવવો અત્યંત વાટ જોવડાવવાનો બની ગયો છે. આજે જો તમારે અમેરિકાના સૌથી વધુ પ્રચલિત અને જેની માંગ સૌથી વધુ છે એ ‘B-1/B-2’ સંજ્ઞા ધરાવતા ‘બિઝનેસ વિઝિટર્સ’ વિઝા જોઈતા હોય તો એ માટે ઈન્ટરવ્યૂનો સમય મેળવવા માટે ખૂબ ખૂબ લાંબી, મુંબઈમાં તો 1000 દિવસથી વધુ લાંબી વાટ જોવી પડે છે. અમેરિકા કાયમ રહેવા જવું હોય અને એ માટે ‘ઈમિગ્રન્ટ વિઝા’ મેળવવા હોય તો તો એમ સમજો કે તમારે ખૂટે નહીં એટલી લાંબી પ્રતીક્ષા કરવાની રહે છે. ‘ઈમિજિયેટ રિલેટિવ કૅટેગરી’ હેઠળ ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે 2 વર્ષ લાગે છે. જુદા જુદા પ્રકારની ફૅમિલી પ્રેફરન્સ કૅટેગરી હેઠળ 2 થી માંડીને 50  વર્ષની વાટ જોવાનો સમય આવી ગયો છે. આવી જ મુશ્કેલી અને ઢીલ એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ પણ છે.

અમુક સ્ત્રીઓ એમના પતિની સામે ‘તેઓ અમને ખૂબ મારઝૂડ કરે છે, મારી નાખવાની ધમકી આપે છે, ઘરમાં પૂરી રાખે છે, ભૂખ્યા રાખે છે’ આવી આવી ખોટી ફરિયાદો પોલીસમાં કરીને અમેરિકામાં ‘ભારતમાં અમારા ઉપર અત્યાચાર થાય છે’ એવું જણાવીને રાજકીય આશરો માગે છે. અમુક જાતિના લોકો ‘અમારા ઉપર ધર્મના કારણે જોરજુલમ થાય છે’ એવું જૂઠાણું દર્શાવીને અમેરિકામાં અસાઈલમ માગે છે પણ રાજકીય આશરો કે અસાઈલમ એમ જૂઠાણા આચરવાથી મળી નથી જતા. એ મેળવવા માટે પણ ખૂબ લાંબી લાઈન છે.

જો અમેરિકામાં કાયમ રહેવું હોય અને એ માટે ઈમિગ્રન્ટ વિઝા મેળવવા હોય તો તમારા અંગત સગાં ત્યાં રહેતાં હોવાં જોઈએ. તેઓ તમને સ્પોન્સર કરવા રાજી હોવાં જોઈએ. અમેરિકાના માલિકો તમને નોકરીમાં રાખવા તૈયાર હોવા જોઈએ અને એ માટે લેબર સર્ટિફિકેશન કરાવીને પિટિશન દાખલ કરવાનો ખર્ચો કરવા તૈયાર હોવા જોઈએ. આ બધાનો હવે ઉત્તમ વિકલ્પ છે ‘એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ફિફ્થ પ્રેફરન્સ કેટેગરી’, જેને સૌ ટૂંકમાં ‘EB-5 ’કહે છે.  ‘EB -5 બેઝિક પ્રોગ્રામ’હેઠળ અમેરિકામાં નવા બિઝનેસમાં 10 લાખ 50 હજાર અને બિઝનેસ જો પછાત પ્રદેશમાં યા ટાર્ગેટેડ એમ્પ્લોયમેન્ટ એરિયામાં કરવામાં આવ્યો હોય તો 8 લાખ ડૉલરનું રોકાણ કરવાનું રહે છે.

10  અમેરિકનોને ફુલટાઈમ નોકરીમાં રાખવાના રહે છે. બિઝનેસ જાતે ચલાવવાનો રહે છે. ‘EB-5 પાઈલોટ પ્રોગ્રામ’માં અમેરિકાના ઈમિગ્રેશન ખાતાએ માન્ય કરેલ કંપની, જે રિજનલ સેન્ટર તરીકે ઓળખાય છે, એમાં રોકાણ કરતાં રોકાણકારને ઈમિગ્રન્ટ વિઝા મળી શકે છે. પાઈલોટ પ્રોગ્રામમાં રોકાણ કરતાં રોકાણકારે બિઝનેસ કરવાનો નથી હોતો અને રિજનલ સેન્ટર દરેક રોકાણકારદીઠ 10 અમેરિકનોને સીધી યા આડકતરી રીતે નોકરીમાં રાખી શકે છે. આ મુજબ રોકાણ કરતાં ભારતીયોને લગભગ 3-4 વર્ષ બાદ ઈમિગ્રન્ટ વિઝા મળી શકે છે.

રોકાણકારની સાથે સાથે એની પત્ની યા પતિ અને અવિવાહિત 21 વર્ષથી નીચેની વયનાં સંતાનોને પણ ડિપેન્ડન્ટ ઈમિગ્રન્ટ વિઝા મળી શકે છે. એ મેળવીને અમેકિામાં પ્રવેશતાં 2 વર્ષની મુદતના કન્ડિશનલ ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. 21 મહિના પછી અરજી કરીને, દેખાડી આપીને કે ઈન્વેસ્ટમેન્ટ પાછું ખેંચી નથી લીધું અને 10 વ્યક્તિઓને નોકરી આપી છે એટલે એ ગ્રીનકાર્ડ કાયમનું કરી આપવામાં આવે છે. ત્યાર બાદ જેમણે રિજનલ સેન્ટરમાં રોકાણ કર્યું હોય છે એમને રિજનલ સેન્ટર રોકાણના પૈસા પાછા આપે છે. કોઈ કોઈ રિજનલ સેન્ટર રોકાણની રકમ ઉપર થોડું ઘણું વ્યાજ પણ આપે છે. રિજનલ સેન્ટરની પૂરતી જાંચ – પડતાળ કર્યા બાદ રોકાણ કરવામાં આવે તો રોકાણની રકમ પાછી મળવામાં સંદેહ નથી રહેતો. ગ્રીનકાર્ડ મળેથી 5 વર્ષ બાદ એ રોકાણકાર અને એનું કુટુંબ અમેરિકન સિટિઝન બનવાની અરજી પણ કરી શકે છે.

EB-5 પ્રોગ્રામ હેઠળ ગ્રીનકાર્ડ મેળવવા માટે કોઈ પણ પ્રકારની લાયકાતની,અંગ્રેજી ભાષાની, અમેરિકામાં કોઈ નોકરી આપે એની કે અંગત સગાં હોય એની જરૂરિયાત નથી રહેતી. જરૂર છે ફક્ત પૈસાની. EB-5 પ્રોગ્રામ હેઠળ હવેથી ભારતીયોને કન્ડિશનલ ગ્રીનકાર્ડ મેળવવા માટે 3-4 વર્ષ વાટ જોવાની રહે છે અને રોકાણની રકમ પાછી મેળવવા માટે 8-10 વર્ષની વાટ જોવાની રહે છે. પણ જો રોકાણ માટે કાયદા દ્વારા મેળવેલા વ્હાઈટના પૈસા હોય અને એ 8-10 વર્ષ સુધી ઈન્વેસ્ટ રહે તો વાંધો આવે એમ ન હોય તો આજની તારીખમાં અમેરિકામાં કાયમ રહેવાની ઈચ્છા ધરાવતા લોકો માટે EB-5 પ્રોગ્રામ ઉત્તમ વિકલ્પ છે.

ભારતીયો હમણાં હમણાંથી સીધેસીધું અમેરિકાના EB-5 પ્રોગ્રામમાં રોકાણ કરીને ગ્રીનકાર્ડ મેળવવાને બદલે યુરોપના અમુક પછાત દેશો જેમ કે ગ્રેનેડા, સેન્ટકિટસ અને નેવીસ, ડોમિનીકા, વાનુઆટુ, લેટવીઆ, એન્ટીગુઆ અને બારબુડા, સેન્ટલુસીયા, પોર્ટુગલ, બહામા વગેરેમાં રોકાણ કરી એ દેશની સિટિઝનશીપ મેળવી અને પછી અમેરિકા જવા માટે E-2 પ્રોગ્રામ હેઠળ વિઝાની અરજી કરે છે. EB-5 પ્રોગ્રામ હેઠળ રોકાણ કરતા ભારતીયોને 3-4 વર્ષની વાટ જોવી પડે છે. ઈન્વેસ્ટમેન્ટની રકમ પાછી મેળવવા માટે 8-10 વર્ષની વાટ જોવાની રહે છે. રકમ રીજનલ સેન્ટરો પાછી આપશે કે નહીં એવું જોખમ રહેલું હોય છે એટલે આવા બધા દેશોની સિટિઝનશીપ જે તેઓ 2 થી 4 અઠવાડિયાની અંદર જ આપે છે એ મેળવવા લલચાય છે. પછી એ દેશના નાગરિક બનીને અમેરિકાના ‘E-2 પ્રોગ્રામ’ હેઠળ અમેરિકામાં પ્રવેશવા ઈચ્છા ધરાવે છે.

ભારતીયોને એ વાતનો ખ્યાલ નથી હોતો કે તેઓ અન્ય કોઈ દેશના નાગરિક બને કે એમના ભારતીય નાગરિકત્વનો અંત આવી જાય છે. અમેરિકાના E-2 વિઝા બિઝનેસ કરવા માટે જ આપવામાં આવે છે. E-2 વિઝા અમુક સમય માટે જ હોય છે. જે લોકો બિઝનેસમેન ન હોય, ભારતમાં બિઝનેસ કરતા ન હોય, જે દેશની એમણે સિટિઝનશીપ મેળવી હોય ત્યાં પણ બિઝનેસ ન કરે અને અમેરિકામાં બિઝનેસ કરવાની ઈચ્છા ન હોય એમના માટે E-2 વિઝા નથી. E-2 વિઝા મેળવવા કરતાં ભારતના નાગરિક રહીને જ આંતર કંપની ટ્રાન્સફરી L-1 વિઝા મેળવવા વધુ હિતાવહ, સહેલા અને સસ્તા છે. L-1 વિઝા પણ જો તમે ધારો તો 4 થી 6 મહિનાની અંદર મેળવી શકો છો. બધી જ બાબતોનો વિચાર કરતા જો તમારી પાસે પૈસાની સગવડ હોય, એ પૈસા વ્હાઈટના હોય, એ કેવી રીતે મેળવ્યા એ દેખાડી શકો એમ હોય તો અમેરિકાનો ઈન્વેસ્ટરો માટેનો જેના દ્વારા ગ્રીનકાર્ડ પ્રાપ્ત થઈ શકે છે એ EB-5 પ્રોગ્રામ ખૂબ જ સારો છે.

Most Popular

To Top