Columns

નીતીશકુમાર ચૂંટણી પછી ફરી વાર ગુલાંટ નહીં મારે તેની કોઈ ગેરન્ટી નથી

લોકસભાની ચૂંટણી પહેલાં બિહારના રાજકારણમાં જે ઉથલપાથલ સર્જાઈ છે તેનાથી દેશના રાજકારણમાં પણ ઉથલપાથલ થવાની સંભાવના વધી ગઈ છે. તેની અસર ૨૮ વિપક્ષોના શંભુમેળા સમાન ઇન્ડિયા ગઠબંધન પર વધુ જોવા મળી રહી છે. ગત વર્ષે વિરોધ પક્ષોને એક મંચ પર લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર બિહારના મુખ્ય મંત્રી નીતિશકુમાર પર ફરી વાર ગુલાંટ મારવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. નીતીશકુમાર પાસે વિધાનસભામાં બહુમતી ન હોવાથી મુખ્ય મંત્રીની ખુરશી ટકાવી રાખવા તેમણે ભાજપનો કે રાજદનો ટેકો લેવો પડે તે તેમની રાજકીય મજબૂરી છે. જે પક્ષ કે ગઠબંધન તેમને ટેકો દે તે કિંમત વસૂલ કરે તે સ્વાભાવિક છે. નીતીશ તેની કિંમત ચૂકવવા નથી માગતા, માટે વારંવાર ગુલાંટ માર્યા કરે છે.

ભાજપ સામે લોકસભાની ચૂંટણી લડવા માટે ૨૮ પક્ષોનું જે ઇન્ડિયા ગઠબંધન ઊભું કરવામાં આવ્યું તેના મુખ્ય શિલ્પી રાહુલ કે સોનિયા ગાંધી નહોતાં, પણ નીતીશકુમાર હતા. જે રીતે ઇન્ડિયા ગઠબંધન ઊભું થયું તે ચોક્કસપણે ભાજપ સામે પડકાર ઊભો કરી શકે તેવું હતું, કારણ કે મતબેન્કના રાજકારણનું અંકગણિત તેની તરફેણમાં હતું. નીતીશકુમારની મહત્ત્વાકાંક્ષા ઇન્ડિયા ગઠબંધનના મુખ્ય સૂત્રધાર બનવાની હતી, જે આપમેળે વિપક્ષના વડા પ્રધાનપદના ઉમેદવાર બની જતા હતા. આ બાબતમાં મમતા બેનરજી નડી ગયાં હતાં.

તેમણે બંગાળમાં કોંગ્રેસ સાથે છેડો ફાડવાની જાહેરાત કરીને ઇન્ડિયા ગઠબંધનના કોફીનમાં પહેલો ખીલો માર્યો હતો. બીજી બાજુ વિપક્ષો નીતીશને વડા પ્રધાનપદના દાવેદાર તરીકે સ્વીકારવા તૈયાર નહોતા. સોનિયા ગાંધી મગનું નામ મરી પાડતાં નહોતાં. નીતીશને સમજાઈ ગયું કે ઇન્ડિયા ગઠબંધનમાં તેમનું કોઈ ભવિષ્ય નથી અને હવે ઇન્ડિયા ગઠબંધનનું પણ કોઈ ભવિષ્ય નથી. આ કારણે તેમણે પવન જોઈને સઢ ફેરવ્યો છે. કહેવાય છે કે લાલુપ્રસાદ યાદવ જેડીયુમાં ભંગાણ પાડીને તેજસ્વીને બિહારના મુખ્ય પ્રધાન બનાવવા માગતા હતા. ભાજપ સાથે ગઠબંધન કરીને નીતીશે તે ચાલ વિફળ બનાવી છે.

ઇન્ડિયા ગઠબંધનમાં નીતીશકુમારની ગતિવિધિ છેલ્લા કેટલાક મહિનાઓથી ઘટી રહી હતી. ગઠબંધન અને સીટ વહેંચણીના મુખ્ય એજન્ડા અંગે નીતીશ મૌન રહ્યા હતા. મમતા બેનર્જીએ કહ્યું હતું કે અમે પશ્ચિમ બંગાળમાં એકલા હાથે લોકસભાની ચૂંટણી લડીશું. પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને પણ કહ્યું કે આમ આદમી પાર્ટી પણ પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડશે. નીતીશકુમાર અહીં પણ મૌન રહ્યા હતા. હાલમાં જ ઈન્ડિયા એલાયન્સની વર્ચ્યુઅલ મીટિંગમાં એમ.કે. સ્ટાલિને બિહારના મુખ્ય મંત્રી અને જેડીયુના વડા નીતીશકુમારનું નામ કન્વીનર પદ માટે સૂચવ્યું હતું.

આ પછી ચર્ચા આગળ વધી અને નીતીશકુમારે પોતે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. નીતીશકુમારે કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે ગઠબંધન મજબૂતી સાથે આગળ વધે. સીટ વહેંચણીની સાર્વત્રિક રીતે સ્વીકૃત ફોર્મ્યુલા અપનાવવી જોઈએ. આ પછી વર્ચ્યુઅલ મીટિંગમાં હાજર પક્ષોએ સર્વસંમતિથી મલ્લિકાર્જુન ખડગેને અધ્યક્ષ પદ સોંપ્યું હતું. રાજકીય નિષ્ણાતોએ તેને નીતીશકુમાર દ્વારા લખેલી સ્ક્રિપ્ટ ગણાવી હતી. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે વહેલા અથવા મોડા નીતીશકુમાર એનડીએમાં પરત ફરી શકે છે.

રાજકારણમાં કદી કાયમી મિત્રો કે કાયમી શત્રુ હોતા નથી; તે કહેવત ફરી વાર સાચી પુરવાર થઈ છે. થોડા સમય પહેલાં નીતીશકુમારે જાહેરમાં કહ્યું હતું કે હું મરી જઈશ, પણ ભાજપ સાથે ગઠબંધન નહીં કરું. તેવી જ રીતે ભાજપના નેતા અમિત શાહે જાહેર સભામાં ડંકાની ચોટ પર કહ્યું હતું કે ભાજપના દરવાજા નીતીશકુમાર માટે કાયમ માટે બંધ થઈ ગયા છે. તો પછી તેવું શું બન્યું કે ભાજપને અને નીતીશકુમારને પણ થૂંકેલું ચાટવાની ફરજ પડી છે? તેનો જવાબ બિહારની રાજનીતિના પલટાતા પ્રવાહમાં મળી રહ્યો છે. લાલુપ્રસાદ યાદવ અને તેમના સહયોગી છેલ્લા કેટલાક સમયથી નીતીશને ઉથલાવીને તેજસ્વી યાદવને મુખ્ય મંત્રી બનાવવાની બાજી ગોઠવી રહ્યા હતા.

તેમાં નીતીશના વિશ્વાસુ લલન સિંહ પણ લાલુની સાથે ભળી ગયા હતા. તેમણે જેડીયુના ૧૪ વિધાનસભ્યોને પક્ષપલટો કરવા તૈયાર કર્યા હતા. નીતીશને તેની ગંધ આવી ગઈ હતી. તેમણે લાલુની બાજી ઊંધી વાળી હતી, પણ મહાગઠબંધનમાં તેમનો વિશ્વાસ ઊઠી ગયો હતો. નીતીશકુમારની બીજી ચિંતા આગામી લોકસભાની ચૂંટણીને કારણે છે. જેડીયુ જ્યારે પોતાના બળ પર ચૂંટણી લડે છે ત્યારે તેને પર્યાપ્ત બેઠકો મળતી નથી. ૨૦૧૪ની ચૂંટણી નીતીશકુમાર પોતાના બળ પર લડ્યા ત્યારે તેમને રોકડી બે બેઠકો મળી હતી. ૨૦૧૯માં તેમણે ભાજપ સાથે જોડાણ કર્યું ત્યારે તેમને ૧૬ બેઠકો મળી હતી. જો ૨૦૨૪માં નીતીશકુમાર લોકસભાની ચૂંટણીમાં પોતાની તાકાત વધારવા માગતા હોય તો તેમને ભાજપનો સાથ જરૂરી છે.

આ મામલે ભાજપની ટોચની નેતાગીરી દ્વારા બીજી ગણતરી કરવામાં આવી રહી હોવાનું જણાયું હતું. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ભાજપના ટોચનાં સૂત્રોએ કહ્યું હતું કે ‘‘બિહારમાં નીતીશકુમારને એનડીએમાં લાવવા માટે ભાજપ કોઈ પહેલ કરી રહ્યો નથી. ભાજપ ભવિષ્યમાં પણ આવા પ્રયાસો નહીં કરે. જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ અને બિનશરતી રીતે પાર્ટીમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરશે તો તેને ધ્યાનમાં લેવામાં આવશે.’’અગાઉ એવું કહેવામાં આવતું હતું કે નીતીશકુમાર માટે ભાજપના દરવાજા હંમેશા માટે બંધ છે. એ અલગ વાત છે કે બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી અને રાજ્યસભાના સાંસદ સુશીલ મોદીએ પાછળથી ફેરવી તોળ્યું હતું કે ‘‘જો નીતીશકુમાર કે જેડીયુનો પ્રશ્ન હોય તો રાજકારણમાં કોઈના માટે દરવાજો હંમેશા બંધ ન હોવો જોઈએ. જે દરવાજો બંધ રહે છે તે પણ ખૂલી શકે છે. રાજકારણ તો શક્યતાઓની રમત છે.’’

લાલુપ્રસાદ યાદવના પક્ષ આરજેડી નેતાઓએ દાવો કર્યો હતો કે ‘‘કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવાની તેમની માંગણી દાયકાઓ જૂની છે. બિહારમાં થયેલી જાતિ આધારિત વસ્તી ગણતરી બાદ જ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. તેની પાછળ આરજેડીનું દબાણ છે. જો ભાજપ સાચા અર્થમાં પછાત વર્ગોનું હિતચિંતક હોય તો બિહારમાં જાતિ આધારિત ગણતરી પછી લંબાયેલી અનામતનો વ્યાપ બંધારણની નવમી અનુસૂચિમાં સામેલ કરવો જોઈએ.’’આરજેડીના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ મનોજ ઝાએ કહ્યું છે કે ‘‘હવે અમારી માંગણી છે કે કેન્દ્ર સરકાર બિહારમાં અનામતના વધેલા વ્યાપને બંધારણની ૯મી અનુસૂચિમાં સામેલ કરે. કર્પૂરી ઠાકુરને આ સાચી શ્રદ્ધાંજલિ હશે. અન્યથા તેમને ભારતરત્ન આપવાની જાહેરાત પ્રતીકાત્મક લાગશે.’’કર્પૂરી ઠાકુરને મળેલા ભારતરત્નનો લાભ લેવા રાજકીય પક્ષોમાં હોડ જોવા મળી રહી છે.

રાષ્ટ્રીય રાજનીતિમાં એવી પણ ચર્ચા છે કે નીતીશકુમારને ગુલાંટ મારવાના બદલામાં શું મળશે? ભાજપમાં તેમના માટે વડા પ્રધાન પદ અસંભવ છે. તેમણે નરેન્દ્ર મોદીના પડછાયા તરીકે જ રહેવું પડશે. જો તેમને કેન્દ્રીય પ્રધાન મંડળમાં સ્થાન મળે તો પણ તેમનું કોઈ વ્યક્તિત્વ નહીં હોય, કારણ કે ભાજપ સરકારમાં સંરક્ષણ પ્રધાન અને નાણાં પ્રધાનની પણ કોઈ વિસાત નથી. જો નીતીશકુમાર ઇન્ડિયા ગઠબંધનમાં રહ્યા હોત તો આવી શક્યતાઓ સર્જાઈ શકી હોત. તેનો જવાબ છે કે નીતીશકુમારે ભાજપ સાથે જે ગઠબંધન કર્યું છે તે પણ કામચલાઉ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો નીતીશકુમાર આરજેડી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડે છે તો તે તેમના માટે નુકસાનકારક સાબિત થશે. માટે તેમણે ચૂંટણીમાં લાભ ખાટવા ભાજપનો હાથ પકડ્યો છે. ચૂંટણીનાં પરિણામો પછી નીતીશકુમાર ફરી વાર ગુલાંટ મારે તો નવાઈ નહીં જ લાગે.

Most Popular

To Top