SURAT

સુરત-ઓલપાડને જોડતો સરોલી બ્રિજ બનીને તૈયાર, બસ આટલું કામ થાય એટલે ખુલ્લો મુકી દેવાશે

સુરત: સુરત અને ઓલપાડને સાંકળતો જહાંગીરપુરા – સરોલી બ્રિજના ઉદઘાટનની લોકો છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. અંદાજે 60 કરોડ રૂપિયાના ખર્ચે છ લેનના બ્રિજ પૈકી એક તરફનો બ્રિજ તૈયાર થઈ ચુક્યો છે અને આ બ્રિજ સુરત ઓલપાડના નાગરિકો માટે આર્શીવાદરૂપ હોવાથી હવે આ બ્રિજનું શાસકો દ્વારા વહેલીતકે ઉદઘાટન કરવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે. મનપા દ્વારા આ બ્રિજની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે ત્યારે આ બ્રિજના લોકાર્પણ માટે મનપાએ મુખ્યમંત્રી પાસે તારીખ માંગી આવી છે અને શક્યત: આવતા અઠવાડિયે આ બ્રિજનું લોકાર્પણ કરી દેવાશે તેવું વહીવટીતંત્રએ જણાવ્યું હતું.

  • મુખ્યમંત્રી પાસે બ્રિજના ઉદઘાટન માટે તારીખ માંગવામાં આવી છે, તે મળી જતાં જ શ્રીગણેશ

જહાંગીરપુરા – સરોલીને જોડતા જુના બ્રિજને બદલે છ લેનના રેલવે ઓવરબ્રિજનું કામ 2019થી શરૂ કરવામાં આવ્યું હતું. 30 મહિનાની મુદ્દતમાં નિર્માણ કાર્ય પુર્ણ કરવાને બદલે કોરોના સહિતના કારણોસર આ બ્રિજનું કામ મંથરગતિએ આગળ વધી રહ્યું હતું અને હવે જ્યારે આ બ્રિજનો એક હિસ્સો તૈયાર થઈ ચૂક્યો છે ત્યારે યેનકેન કારણોસર ઉદઘાટનનું મુર્હૂત ન નીકળતાં વાહન ચાલકોએ હજી પણ જુના બ્રિજનો જ ઉપયોગ કરવાનો પડી રહ્યો છે. એક તબક્કે જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણના તહેવારો બાદ આ બ્રિજને ખુલ્લો મુકવામાં આવે તેવી શક્યતાઓ વચ્ચે હવે ફેબ્રુઆરી પણ ગયો, ત્યારે સ્થાનિકો અને વાહનચાલકો આ બ્રિજના લોકાર્પણની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે.

કતારગામમાં ટીપી રોડ પર આવેલી ત્રણ દુકાનનું હોબાળા વચ્ચે ડિમોલિશન
સુરત : કતારગામ વિસ્તારમાં જુના પોલીસ સ્ટેશન પાસે ટીપી રોડ પર વર્ષો જૂની ત્રણ દુકાનો હતી. જેને તોડી પાડવા માટે દુકાનદારોને દુકાન ખાલી કરવા મનપા દ્વારા અનેકવાર નોટિસ આપવામાં આવી હતી. જોકે અત્યાર સુધી દુકાનદારો દ્વારા દુકાન ખાલી કરવામાં આવી ન હતી. જેના કારણે આજે કતારગામ ઝોનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને દુકાન ખાલી કરાવી ડિમોલિશન કર્યું હતું.

શહેરના કતારગામ વિસ્તારમાં જૂનું પોલીસ સ્ટેશન આવેલું છે. ત્યાં ટીપી ૧૯માં બિઝનેસ ફેરની બાજુમાં ત્રણ કોમર્શિયલ દુકાન ટીપી રોડ પર આવેલી છે. જેથી કતારગામ ઝોન દ્વારા અવારનવાર આ ત્રણેય દુકાનદારોને નોટિસ આપી હતી અને ખાલી કરાવવા જણાવ્યું હતું. જોકે દુકાનદારોએ નોટિસનો અનાદર કર્યો હતો અને દુકાન ખાલી કરી ન હતી. જેથી આખરે આજે કતારગામ ઝોનના અધિકારીઓ અને સ્ટાફ ત્રણેય દુકાનનું ડિમોલિશન કરવા માટે પહોંચ્યા હતા. જોકે દુકાનદારોએ વિરોધ કર્યો હતો. પરંતુ કતારગામ ઝોનના અધિકારીઓએ દુકાનમાંથી તમામ સામાન બહાર કઢાવી નાખ્યો હતો. જોકે બાદમાં ત્રણેય દુકાનનું ડિમોલિશન કરી દેવામાં આવ્યું હતું.

Most Popular

To Top