SURAT

સુરતની તાપી નદીને સુંદર સ્વરૂપ આપવા વર્લ્ડ બેંક આટલા કરોડ આપશે

સુરત : સુરત(Surat) માટે અતિ મહત્વકાંક્ષી એવો તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટ(Tapi Riverfront Project) હવે નક્કર દિશામાં આગળ વધી રહ્યો છે. આશરે 3900 કરોડના ખર્ચે સાકાર થનારા આ પ્રોજેકટ માટે વર્લ્ડ બેંક(Wold Bank) પાસેથી લોન લેવાનું નક્કી કરાયું છે. વર્લ્ડ બેંક દ્વારા પ્રથમ ફેઇઝ માટે 1500 કરોડથી વધુની લોન આપવા માટે તૈયારી પણ બતાવી દેવાઇ છે તેમજ આગામી માસમાં યોજાનારી વિવિધ દેશના રિવરફ્રન્ટની ટુર માટે મનપા કમિશનર સહીતના અધિકારીઓની ટીમને સ્પોન્સરશીપ પણ આપી દેવાઇ છે. ત્યારે હવે વર્લ્ડ બેંક દ્વારા લોનનું કન્ફર્મેશન આપતા પહેલા જરૂરી તપાસ માટે પોતાની ટીમને સુરત મોકલવાનું નકકી કર્યુ હોય આગામી 9મી મેથી 14મી મે દરમિયાન વર્લ્ડ બેંકની ટીમ સુરત આવી રહી છે.

  • તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ : 9થી 14મી મે દરમિયાન વિશ્વબેંકની ટીમના સુરતમાં ધામા
  • 3900 કરોડના ખર્ચે સાકાર થનારા આ પ્રોજેકટ માટે વર્લ્ડ બેંક પાસેથી લોન લેવાનું નક્કી કરાયું

મનપા કમિશનર દ્વારા વર્લ્ડ બેંકની ટીમને રિવરફ્રન્ટ માટે જરૂરી લોન માટે સંમતિ મળી જાય તે માટે તમામ તૈયારી કરી દેવાઇ છે તેમજ આ ટીમની સરભરા માટે સબંધીત અધિકારીઓને જવાબદારી સોંપતો આદેશ કરી દેવાયો છે. છ દિવસ માટે સુરતમાં ધામા નાંખનારી આ ટીમ સમક્ષ મનપા દ્વારા પ્રોજેકટનું પ્રેઝન્ટેશન તેમજ અન્ય પ્રોજેકટમાં મળેલી સફળતા સહીતની વિગતો રજુ કરાશે.

પહેલા ફેઝ માટે જ 2 હજાર કરોડનો ખર્ચ
વિશ્વ બેન્ક નાં 23 પ્રતિનિધિમાંથી 12 પ્રતિનિધીઓ સુરત આવશે. પહેલા ફેઝ માટે અંદાજીત 1 હજાર 991 કરોડનો ખર્ચ થશે. જે માટે સુરત મનપા વર્લ્ડ બેંક પાસેથી 1400 કરોડની લોન લેશે. મહત્વનું છે કે ફેઝ-૧માં સિંગણપોર વિયરથી કઠોર બ્રીજ સુધી તાપી નદીના બંને કાંઠા માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટનું આયોજન છે.

અગાઉ પણ રજુ કરાયું હતું પ્રેઝન્ટેશન
ઉલ્લેખનીય છે કે કેન્દ્રના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ સમક્ષ સંબંધિત તમામ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રેઝન્ટેશન કરાયું હતું. તેમજ આ વિભાગ દ્વારા રિવર ફ્રન્ટના પ્રથમ ફેઇઝ એટલે કે રૂઢથી સિંગણપોર કોઝવે સુધીના 10 કિ.મી. વિસ્તારમાં રિવર ફ્રન્ટ માટે મંજૂરી આપવામાં આવી હતી. ત્યાર બાદ આ પ્રોજેક્ટને વર્લ્ડ બેંક લોન આપે એ માટે નીતિ આયોગે પણ મંજૂરી આપી દીધી છે.

તાપી નદીની બંને બાજુ 10-10 કિ.મી. સુધી વિકાસ કરશે
જેમાં પ્રથમ ફેઇઝમાં આશરે 1991 કરોડનો પ્રોજેક્ટ થશે તેમજ તાપી નદીની બંને બાજુ 10-10 કિ.મી. સુધી વિકાસ કરાશે. જ્યારે બીજા ફેઇઝમાં 23 કિ.મી.નો એટલે કે કોઝવેથી ગાય પગલાં સુધી બંને બાજુ મળી 46 કિ.મી.ના વિસ્તારનો સમાવેશ કરાશે. તેમાં પણ આશરે 2000 કરોડનો ખર્ચ છે. જો કે, આ પ્રોજેક્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારની મદદ તેમજ વર્લ્ડ બેંકની લોનથી સાકાર થશે. તેમજ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કરીને રોકાયેલાં નાણાં પરત મેળવવાનું આયોજન પણ છે.

Most Popular

To Top