Columns

ગજેન્દ્ર મોક્ષની કથા

ક્ષીરસમુદ્રમાં ત્રિકૂટ પર્વત પર એક બળવાન હાથી અનેક હાથણીઓ અને બચ્ચાં સાથે રહેતો હતો. ઉનાળાની ગરમીમાં તે એક સરોવરમાં પરિવાર સાથે જળક્રીડા કરવા ગયો. હાથી જળક્રીડામાં તન્મય છે તે સમયે પ્રારબ્ધની પ્રેરણાથી એક બળવાન મગર આવી હાથીનો પગ પકડે છે. મગરની પકડમાંથી છૂટવા ગજેન્દ્રે ઘણા પ્રયત્નો કર્યા પણ છોડાવી શક્યો નહીં. હાથી સ્થળચર છે અને મગર જળચર છે. હાથી જળમાં દુર્બળ બને છે તેથી મગર હાથીને છોડતો નથી.

આ કથાનું રહસ્ય એવું છે કે સંસાર એ સરોવર છે. આ સરોવરમાં જીવાત્મા સ્ત્રી અને બાળકો સાથે ક્રીડા કરે છે, જે સંસારમાં જીવ રમે છે તે સંસારમાં તેનો કાળ (સમય) નક્કી હોય છે. મનુષ્ય કાળને જોતો નથી પણ કાળ સાવધાન થઇ બેઠો છે તે સતત જુએ છે અને જ્યારે મનુષ્ય ગાફેલ બને છે એવો તરત તેને પકડે છે. કાળને સંસાર સરોવર અને મગર એમ બે ઉપમા આપી છે. જે કામનો માર ખાય છે તેને કાળનો માર ખાવો જ પડે છે. મનુષ્ય કહે કે હું કામને ભોગવું છું પણ તે વાત ખોટી છે, કામ મનુષ્યને ભોગવી તેની શક્તિ ક્ષીણ કરે છે.

કાળ ઘણો જ બળવાન છે તેનાથી ભયભીત થઇને જે ભગવાનના શરણે જાય છે તેને ભગવાન બચાવી લે છે. મગરે હાથીનો પગ પકડ્યો છે તે જ રીતે કાળ આવે ત્યારે પગને પહેલાં પકડે છે. પગની શક્તિ એકદમ ઓછી થાય એટલે સમજવું કે કાળ સમીપમાં છે પરંતુ ગભરાયા વગર ઈશ્વર સ્મરણમાં લાગી જવું કારણ કે કાળ જયારે પકડે ત્યારે કાળની પકડમાંથી સ્ત્રી-પુત્ર કોઈ છોડાવી શકશે નહિ કે કોઈ પ્રયત્ન કામ લાગશે નહિ.

કાળના મુખમાંથી શ્રી હરિનું સુદર્શન ચક્ર છોડાવી શકે છે. જ્ઞાનચક્ર મળે તો આ મગર (કાળ) મરે છે. હાથીને મગરથી બચાવવા હાથણીઓ અને બચ્ચાંઓએ ઘણો પ્રયત્ન કર્યો પણ કોઈ કામ લાગ્યો નહિ. મગર હાથીને ઊંડે ને ઊંડે લઇ જવા લાગ્યો. આ હવે મરશે જ એમ માનીને હાથણીઓ અને બચ્ચાંઓ તેને છોડીને નાસી જાય છે.

ગજેન્દ્ર હવે એકલો પડ્યો. એકલા પડે એટલે જ્ઞાન જાગ્રત થાય છે. જીવ નિર્બળ બને એટલે તે ઈશ્વરને શરણે જાય છે. ગજેન્દ્ર નિરાધાર થયો તેને ખાતરી થઇ કે હવે મારું કોઇ નથી એટલે ઈશ્વરને પોકાર પાડે છે. જીવ મૃત્યુ પથારીમાં એકલો છે ત્યારે ગજેન્દ્ર જેવી દશા થાય છે. અંતકાળે જીવને જ્ઞાન થાય છે પણ તે જ્ઞાન કામમાં આવતું નથી, તે વખતે શરીર એટલું બગડેલું હોય છે કે કંઈ થઇ શકતું નથી. મનુષ્ય ગભરાય છે કે “મેં કોઈ તૈયારી કરી નથી, મારું શું થશે?” જ્યાં ગયા પછી પાછું આવવાનું છે તેવી મુસાફરીની મનુષ્ય ઘણી જ તૈયારીઓ કરે છે પણ જ્યાં ગયા પછી પાછા આવવાનું નથી તેવી મોટી મુસાફરીની કોઈ તૈયારી કરતું નથી.

પરમાત્માને રાજી કરો તો બેડો પાર છે. અંતકાળમાં હરિ લેવા આવે તેવી ઈચ્છા હોય તો આજથી જ “હાય હાય” કરવાનું છોડી દઈને “હરિ હરિ”કરવાની ટેવ પાડો. જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે. શરીર બગડ્યા પછી કંઈ નહિ થાય. ગજેન્દ્ર બહુ અકળાયો ત્યારે તે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો. પૂર્વજન્મમાં એણે જે મંત્રનો જપ કરેલો તે આ જન્મમાં યાદ આવે છે. ગજેન્દ્રની સ્તુતિનો બહુ મોટો મહિમા છે. સંસારી લોકોએ ગજેન્દ્રની સ્તુતિ નિત્ય કરવી જોઈએ. “કાળ મને પકડવા આવ્યો છે હે નાથ હું તમારે શરણે છું.”

દેવતા અને ઋષિ પણ જેના સ્વરૂપને જાણતા નથી તો બીજા સાધારણ જીવ તો તમને કેમ જાણી શકે? તમારું વર્ણન કેમ કરી શકે? એવા દુર્ગમ ચરિત્રવાળા પ્રભુ મારી રક્ષા કરો. હું પશુ છું, કાળના પાશમાં ફસાયો છું. મારા જેવા શરણાગત, પશુ-તુલ્ય, અવિદ્યાગ્રસ્ત જીવની,અવિદ્યારૂપ ફાંસીને સદાને માટે કાપી નાખવાવાળા અત્યંત દયાળુ તેમ જ દયામાં કોઈ પણ દિવસ આળસ નહિ કરવાવાળા નિત્ય મુક્ત પ્રભુને હું વંદન કરું છું. તમારા અંશથી સર્વ જીવોના મનમાં તમે અંતર્યામીરૂપથી પ્રગટ રહો છો. સર્વના નિયંતા અને અનંત એવા પરમાત્માને હું વંદન કરું છું.

ગજેન્દ્ર આ પ્રમાણે આર્દ્ર બનીને શ્રી હરિની સ્તુતિ કરે છે. કાળ પકડે ત્યારે જીવ કેવો ગભરાય છે? તે આ ગજેન્દ્રના ઉદાહરણને યાદ કરીને ગજેન્દ્રે જે ભગવાનની સ્તુતિ કરી હતી તેનો પાઠ કરજો તો અંતકાળ સુધરશે અને પરમાત્મા લેવા આવશે. ગજેન્દ્રની પ્રાર્થના સાંભળી નિરાધારના આધાર પ્રભુ દોડતા આવ્યા છે. ગજેન્દ્રે જોયું કે પરમાત્મા આવ્યા છે તો તેણે સરોવરમાંથી એક કમળ ઊંચકી પ્રભુને અર્પણ કર્યું. તુલસી અને કમળ પરમાત્માને અતિ પ્રિય છે. કમળ પરમાત્માની નાભિમાંથી નીકળ્યું છે તેમની પોતાની સૃષ્ટિનું છે. બ્રહ્માજીની સૃષ્ટિનું નથી. સુદર્શનચક્રથી ભગવાને મગરને માર્યો છે. મગર આ પહેલાં હૂહૂ નામનો ગંધર્વ હતો. દેવલઋષિના શ્રાપના લીધે તેને આ ગતિ પ્રાપ્ત થઇ હતી. અત્યારે તે ભગવાનની કૃપાથી મુક્ત થઇ ગયો.

પૂર્વજન્મમાં આ ગજેન્દ્ર ઈન્દ્રધુમ્ન નામનો રાજા હતો. તે ધ્યાનમાં બેઠો હતો તે વખતે અગસ્ત્ય મુનિ આવ્યા. રાજા ઊઠીને ઊભા થયા નહિ એટલે મુનિને લાગ્યું રાજા મારું અપમાન કરે છે તેથી તેમણે રાજાને શાપ આપ્યો કે તું જડ પશુની જેમ બેસી રહ્યો તેથી તને પશુનો અવતાર મળશે. પૂર્વજન્મમાં ગજેન્દ્રે ખૂબ ભજન કરેલું એટલે ગજેન્દ્ર યોનિમાં તેને પ્રભુ યાદ આવ્યા છે. મરણ એટલે અત્યંત વિસ્મરણ. મર્યા પછી પૂર્વજન્મ યાદ આવતો નથી. જે સંસ્કાર અતિ દ્રઢ હોય તે યાદ આવે છે.  ભગવાન કહે છે કે જે સમગ્ર જીવન દરમ્યાન મારી સ્તુતિ, પૂજા-પાઠ, સેવા સુમિરણ સત્સંગ કરે છે અને અંત સમયમાં અતિશય દુઃખના કારણે મને ભૂલી જાય છે ત્યારે હું તેને યાદ કરું છું, એનું મરણ સુધારું છું.

Most Popular

To Top