Columns

અમને શા માટે આવા દારુણ દુઃખ પ્રાપ્ત થાય છે?

જન્મ છે, તેને મરણ છે. મૃત્યુ અપરિહાર્ય છે, તેમ સૌ સ્વીકારે છે અને છતાં મનુના આ પુત્રો, માનવો મૃત્યુને ટાળવાના, મૃત્યુમાંથી મુક્ત થવાના, મૃત્યુ પર વિજય મેળવવાના પ્રયત્નો પ્રત્યેક યુગમાં કરતા જ રહ્યા છે. મૃત્યુ કોઈને જ્ઞાનીને કે અજ્ઞાનીને ગમતું નથી. તદનુસાર આ અણગમતી ઘટનાને ટાળવાના પ્રયત્નો અતિ પ્રાચીનકાળથી આજ સુધી થતા જ રહ્યા છે. વિશ્વામિત્રે મહારાજ ત્રિશંકુને સદેહે સ્વર્ગમાં મોકલવાનો અને પછી એક નવી સૃષ્ટિ રચવાનો પ્રયત્ન કર્યો છે.
સિદ્ધ પરંપરામાં અને તદનુસાર નાથ પરંપરામાં દેહને સિદ્ધદેવ બનાવવાના અર્થાત્ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવા સફળ પ્રયોગો થયા છે જ.

મહાભારતના સ્વરૂપ વિશે મહાભારતકાર ભગવાન વ્યાસ પોતે જ કહે છે –
धर्मे चार्थे च कामे च मोक्षे च भरतर्षभ ।
यदिहारित तदन्यत्र यनेहास्ति न तत् कवचित् ।।
મહાભારત, આ.૫. : 62 – 53
“હે ભરતશ્રેષ્ઠ ! ધર્મ, અર્થ કામ અને મોક્ષના સંબંધમાં જે આ ગ્રંથમાં છે, તે જ અન્યત્ર છે અને જે અહીં નથી તે ક્યાંય નથી.”
જો મહાભારત બધું જ છે તો મૃત્યુ પર વિજય મેળવવાની કથા મહાભારતમાં જ ક્યાંક હોવી જોઈએ છે? હા, છે! મહાભારતાંતર્ગત આવી કથા છે – સત્યવાન અને સાવિત્રીની કથા.

મહાભારતના વનપર્વના અધ્યાય 293થી અધ્યાય 299 સુધી આમ આ 7 અધ્યાયમાં સત્યવાન – સાવિત્રીની કથા છે.
આ કથામાં કોઈક રીતે મૃત્યુ પરના વિજયનું તત્ત્વ અનુસ્યૂત છે. પાંડવો અને પાંચાલીનો વનવાસ ચાલી રહ્યો છે. આ સમય દરમિયાન એક વાર મંદમતિ અને દુષ્ટબુદ્ધિ જયદ્રથ દ્રૌપદીના અપહરણનો પ્રયત્ન કરે છે. મહાસમર્થ ભીમ અને અર્જુન જયદ્રથને હરાવીને તથા કેદ પકડીને તેને મહારાજ યુધિષ્ઠિર સમક્ષ હાજ૨ કરે છે.

યુધિષ્ઠિર જયદ્રથને ક્ષમા આપે છે. જયદ્રથ અપમાનિત થઈને ચાલ્યો જાય છે.
તે વખતે યુધિષ્ઠિર સહિત પાંડવો મુનિમંડલની વચ્ચે બેઠા છે. મહારાજ યુધિષ્ઠિર ઋષિ માર્કંડેયજીને આ પ્રકારે પૂછે છે –
“ભગવાન! અમને શા માટે આવા દારુણ દુઃખ પ્રાપ્ત થાય છે? આ વનવાસ, આ પાંચાલીને વારંવાર અપમાન – આવા દુ:ખો અમને શા માટે? મહર્ષિજી! તમે અમારા જેવા નિરપરાધ દુ:ખી જોયા છે?”

યુધિષ્ઠિરના આવા વેદનાયુક્ત વચનો સાંભળીને ઋષિ માર્કંડેયજી તેમને ભગવાન શ્રીરામની કથા કહે છે અને તે રીતે યુધિષ્ઠિર અને સર્વ પાંડવોને આશ્વાસન આપે છે. ભગવાન રામની વનવાસસહિત કથા સાંભળીને યુધિષ્ઠિરના મનનું સમાધાન થાય છે. આમ છતાં દ્રૌપદીનું દુઃખ અને અપમાન મહારાજ યુધિષ્ઠિર ભૂલી શકતા નથી. તેથી મહારાજ યુધિષ્ઠિર પુનઃ મહર્ષિ માર્કંડેયજીને કહે છે –
नात्मानमनुशोचामि नेमान् भ्रातृन् महामुने ।
हरणं चापि राज्यस्य यथेमां द्रुपदात्मजाम् ।।
મહાભારત, વનપર્વ : 293 – 1
“હે મહામુનિ! આ દ્રુપદકુમારી માટે મને જે શોક થાય છે, તેવો તો મને મારા માટે કે મારા ભાઈઓ માટે પણ થતો નથી. અરે! રાજ્ય ચાલ્યું ગયું તે માટે પણ મને આવો શોક થતો નથી.”

द्यूते दुरात्मभिः क्लिष्टाः कृष्णया तारिता वयम् ।
जयद्रथेन च पुनर्वनाच्चापि हृता बलात् ।।
महाभारत, वनपर्व : 293-2
ધૃતરાષ્ટ્રના દુરાત્મા પુત્રોએ જુગારની વેળાએ અમને ભારે સંકટમાં નાખી દીધા હતા પરંતુ તે વખતે આ દ્રૌપદીએ અમને બચાવી લીધા. તદનંતર અહીં આ અરણ્યમાં દુષ્ટ જયદ્રથે તેનું બળપૂર્વક અપહરણ કર્યું.”

अस्ति सीमन्तिनी काचिद दृष्टपूर्वापि वा श्रुता ।
पतिव्रता महाभागा यथेयं द्रुपजात्मजा ।।
महाभारत, वनपर्व : 293-3

શું આપે આવી પરમ સૌભાગ્યવતી, પતિવ્રતા નારી ક્યારેય જોઈ કે સાંભળી છે, જેવી આ દ્રૌપદી છે.”
મહારાજ યુધિષ્ઠિરના વેદનાયુક્ત પ્રશ્ન સાંભળીને મહર્ષિ માર્કંડેયજી કહે છે –
श्रृणु राजन कुलस्त्रीणां महाभाग्यं युधिष्ठिर ।
सर्वमेतद् यथा प्राप्तं सावित्र्या राजकन्यया ।।
મહાભારત, વનપર્વ : 293-4
“રાજા યુધિષ્ઠિર ! રાજકન્યા સાવિત્રીએ કુલસ્ત્રીઓ માટે પરમ સૌભાગ્ય સ્વરૂપ જે પરમ યોગ્યતા સિદ્ધ કરી હતી, તે સર્વે હું તમને સંભળાવું છું.”
આટલી ભૂમિકા બાંધીને પછી મહર્ષિ માર્કંડેય હવે યુધિષ્ઠિર આદિ પાંડવો સમક્ષ સત્યવાન અને સાવિત્રીની કથા કહે છે.

Most Popular

To Top