Charchapatra

સત્તાનો મોહ સંસ્થાની પ્રગતિ માટે ઘાતક છે

કોઈ સંસ્થામાં તેના સ્થાપનાકાળથી જોડાયેલા હોદ્દેદારો સમય જતાં સંસ્થાને પ્રગતિની ઉચ્ચ રાહ પર લઈ ગયા હોય એવા અસંખ્ય દાખલાઓ છે. મોટે ભાગે એવું બને છે કે સમયની સાથે, ઉંમર વધવાની સાથે સંસ્થા પ્રત્યેનો પોતાનો લગાવ વધતો જાય છે. એમને એ વાતનો ખ્યાલ જ નથી આવતો કે આ લગાવમાં અંધ થઈને પોતે મોટી ઉંમરે પણ હોદ્દા પર ચીટકી રહ્યા છે. બીજી, ત્રીજી હરોળ તૈયાર થાય અને નવી યુવા પેઢીને સંસ્થાનું સુકાન અપાય એ જરૂરી હોય છે. ક્યાંક  વિરોધ વચ્ચે કે મજબૂરીથી હોદ્દો છોડવો પડે તો ય પેલો મોહ છૂટતો નથી.

પરિણામે નવી યુવા ટીમને એમની રીતે કામ કરવા દેવાને બદલે સંસ્થાના પોતે માલિક હોય એમ નવી ટીમની સતત ટીકાઓ કરતા હોય એવું અનેક વાર જોવા સાંભળવા મળે છે. આની પાછળનું સાયકોલોજીકલ કારણ કદાચ એ હોઈ શકે કે ખુરશી છોડવાનો રંજ હજી એમના દિલોદિમાગમાં યથાવત્ છે. ખરેખર તો કોઈ પણ સંસ્થાની પ્રગતિ માટે સમયાંતરે સત્તા હસ્તાંતરણ જરૂરી છે. નવી ટીમ પર વિશ્વાસ રાખીને, જરૂર પડે ત્યાં પ્રેમપૂર્વક માર્ગદર્શન આપીને એમને તૈયાર કરવામાં આવે એટલા પૂરતી નિસબત રાખવી જોઈએ. બાકી કોઈ સંસ્થા પ્રત્યે માલિકીપણું રાખવું અને પોતે ખર્ચેલાં વર્ષોની દુહાઈ દઈ મનમાની કરવી એ સંસ્થાના અધ:પતનની દિશાનું પ્રથમ પગલું છે.
સુરત     – સુનીલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top