SURAT

સુરતના ખત્રી સમાજે વર્ષો જુના રિવાજમાં આવકારદાયક પરિવર્તન કર્યું

સુરત : સુરતના સમાજોની ઓળખ ક,ખ,ગ,ઘથી થાય છે તેમાનો એક સમાજ એટલે ખત્રી સમાજ આ સમાજે છેલ્લાં પાંચ વર્ષમાં તેમના એક રિવાજમાં પરિવર્તન કર્યું છે. તે માટે સમાજના સભ્યોએ ઘણી મહેનત કરી છે. પહેલા ખત્રી સમાજના કોઇના ત્યાં અવસાન થાય ત્યારે જે-તે વ્યક્તિના તમામ સંબંધીઓ વર્ષમાં ત્રણ વખત તેમના ઘરેથી રસોઇ બનાવીને જેને ત્યાં અવસાન થયું હોય ત્યાં આપીને ઢાંકવાનો રિવાજ હતો. હવે તમામ સંબંધી નહીં, પરંતુ માત્ર કોઇપણ એક સગાવાળા રસોઇ આપી જશે તેવુ નકકી કરાયુ છે.

સમસ્ત ખત્રી સમાજના પ્રમુખ ભુપેન્દ્રભાઇ સી. તાણાવાલાએ જણાવ્યું હતું કે, ખત્રી સમાજમાં રિવાજ વર્ષોથી છે. તેમાં કોઇને ત્યાં અવસાન થાય ત્યારે તે વ્યકિતના ઘરે વર્ષમાં ત્રણ પ્રસંગો ઉત્તરાયણ, દિવાળી અને શીતળા સાતમે રસોઇ બનતી નહીં. તે વખતે જે-તે વ્યક્તિના સસરા પક્ષ, મોસાળ પક્ષ અને સગાંસંબંધીઓના ઘરથી તૈયાર રસોઇ બનાવીને આવે તેને ઢાંકવામાં આવે છે. જેને ત્યાં અવસાન થયું હોય તે ઘરના સભ્યોએ રસોઇ આરોગે છે.

જોકે, વધુ સંબંધીઓ હોવાથી રસોઇ વધી જતી અને પછી બીજા દિવસે તે રસોઇ ફેંકી દેવી પડતી હતી. તેથી છેલ્લા પાંચ વર્ષથી એવો પ્રયાસ કરવામાં આવે છે કે, જેને ત્યાં અવસાન થયુ છે. તેના તમામ સંબંધી રસોઇ બનાવીને આપશે નહીં. પરંતુ કોઇપણ એક સંબંધી રસોઇ બનાવીને ઢાંકશે. તે પણ પહેલેથી જ નકકી થશે કે ક્યા સંબંધી રસોઇ બનાવશે.

હવે લગભગ તમામ લોકો આ નવા રિવાજ મુજબ ઢાંકવાનો રિવાજ પાળે છે. આ રીવાજમાં પરિવર્તન લાવવાથી બે ફાયદા થાય છે. એક તો વધારે રસોઇ નહીં બનાવવી પડે. જેથી રસોઇનો બગાડ ન થાય. બીજુંએ કે ધણી વખત જેને ત્યાં અવસાન થયું હોય ત્યાં વધુ સભ્યો હોય તો વધારે રસોઇ બનાવવી પડે છે. ત્યારે કોઇ એવા સંબંધી એવા સંબંધી હોય કે જેમની આર્થિક સ્થિતી સારી ન હોય તો તેને આ રીવાજ પાળવા દેવુ પણ કરવું પડતું હતુ. હવે દેવું કરવું પડશે નહીં.

Most Popular

To Top