Business

રામ મંદિરનો ઉદ્ઘાટન સમારંભ સરકાર દ્વારા હાઈજેક કરવામાં આવ્યો છે

જેમ જેમ અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ આ ઘટનાને લઈને પેદા થયેલો વિવાદ જોર પકડી રહ્યો છે. તાજેતરમાં જાણવા મળ્યું હતું કે શ્રી રામ મંદિરનું બાંધકામ પૂર્ણ કર્યા વિના તેમાં પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી ચારેય શંકરાચાર્ય શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસરમાં 22 જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. તે જ સમયે રામ લલ્લાના મંદિરની વ્યવસ્થા સંભાળી રહેલા રામાનંદ સંપ્રદાયના પીઠાધીશ્વર પણ આમંત્રણ ન મળવાથી નારાજ છે. હવે અસંતુષ્ટોમાં નિર્મોહી અખાડાનું નામ પણ જોડાઈ ગયું છે.

નિર્મોહી અખાડા તરફથી કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો ત્યારે અખાડા વતી વિનંતી કરવામાં આવી હતી કે તેને મંદિરની માલિકીનો અધિકાર મળવો જોઈએ અને સાથે સાથે તેને પૂજા કરવાનો અધિકાર પણ મળવો જોઈએ. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ‘જે ટ્રસ્ટ મંદિરના સંચાલનની જવાબદારી સંભાળશે તે ઇચ્છે તો નિર્મોહી અખાડાને પૂજાનો અધિકાર આપી શકે છે.’ નિર્મોહી અખાડાનું કહેવું છે કે, તેને અયોધ્યામાં 22 જાન્યુઆરીની ઉજવણીથી કોઈ વાંધો નથી પરંતુ રામ લલ્લાની પૂજા કરવાની પદ્ધતિથી તે ચોક્કસપણે નાખુશ છે.

નિર્મોહી અખાડાનું કહેવું છે કે, પૂજાની જે પદ્ધતિ અપનાવવામાં આવી છે તે શુદ્ધ રામાનંદી પરંપરા નથી પરંતુ મિશ્ર પદ્ધતિ છે. અખાડાનું માનવું છે કે, આ પદ્ધતિ યોગ્ય નથી. તેમનું કહેવું છે કે રામ લલ્લાની રામનંદી પરંપરામાં 500 વર્ષથી વધુ સમયથી પૂજા કરવામાં આવે છે પરંતુ તેમાં એવા ફેરફારો કરવામાં આવ્યા છે જેનાથી તેઓ ખુશ નથી. નિર્મોહી અખાડાના અને રામ મંદિર ટ્રસ્ટના સભ્ય મહંત દિનેન્દ્ર દાસ કહે છે કે, રામનંદી પરંપરામાં મંદિરમાં તિલક અને ચિહ્નો સંપૂર્ણપણે અલગ છે.

મહંત દિનેન્દ્ર દાસે કહ્યું કે, ‘નિર્મોહી અખાડા ઇચ્છે છે કે સદીઓથી ચાલી આવતી પૂજાની પરંપરા ભવિષ્યમાં પણ ચાલુ રહે, પરંતુ ટ્રસ્ટ અમારી વાત સાંભળી રહ્યું નથી.’ તેમણે કહ્યું કે, ‘’અમે 22મીએ કાર્યક્રમમાં ચોક્કસ હાજરી આપીશું, પરંતુ અમારા મનમાં ચોક્કસ ટેન્શન છે. તા. 22 જાન્યુઆરીના અયોધ્યામાં માત્ર રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નથી થઈ રહી પણ બીજો મોટો ફેરફાર થઈ રહ્યો છે. તે ફેરફાર રામ મંદિરના સંચાલનમાં છે. અયોધ્યામાં જેટલાં પણ મંદિરો છે તેનો વહીવટ આજ દિન સુધી સાધુ-મહંતો દ્વારા જ કરવામાં આવી રહ્યો હતો.

હવે રામ મંદિરનો વહીવટ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ટ્રસ્ટ દ્વારા થવાનો હોવાથી સાધુસંતો નારાજ છે. અયોધ્યાના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ભવ્ય મંદિરની ચાવીઓ સંપૂર્ણ રીતે ભગવા પહેરેલા લોકોના હાથમાં નથી. રામ મંદિરનો વહીવટ અને કબજો સાધુસંતોને બદલે સરકાર, સંઘપરિવાર, ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંલગ્ન લોકોના હાથમાં ચાલ્યો ગયો છે. નવા બંધાયેલાં રામ મંદિરનું સંચાલન ટ્રસ્ટને સોંપવાનો નરેન્દ્ર મોદી સરકારનો નિર્ણય 2019માં સુપ્રીમ કોર્ટના ચુકાદામાંથી ઉદ્ભવે છે, પરંતુ તેની સામે મુખ્યત્વે રામાનંદી સંપ્રદાયના મહંતો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે, જેનું અસ્તિત્વ મંદિરના નગર સાથે ગાઢ રીતે જોડાયેલું છે.

નિર્વાણી અખાડાના વડા ધરમ દાસે જણાવ્યું હતું હતું કે, “અયોધ્યામાં, અમારી પાસે સાધુઓની પરંપરા અને મહંતોની પ્રણાલી છે, કોઈ ટ્રસ્ટની નહીં. અયોધ્યા શહેરમાં કોઈ પણ ધાર્મિક સંસ્થા ટ્રસ્ટની તરફેણમાં નથી. નવા મંદિરના સંચાલનમાં રામાનંદી મહંતોનો ઘટી ગયેલો પ્રભાવ અયોધ્યા પરના ધાર્મિક સંપ્રદાયના અખાડાઓના વર્ચસ્વને જોખમમાં મૂકી શકે છે.’’ 15મી સદીનો રામાનંદી સંપ્રદાય ભારત અને નેપાળમાં સૌથી મોટા વૈષ્ણવ સંન્યાસી સંપ્રદાયોમાંનો એક છે. તેઓ 2 વખત જન્મેલા હિંદુઓ અથવા હિંદુ જાતિ પ્રણાલીના પ્રથમ 3 જૂથો તેમજ સ્ત્રીઓ, નીચલી જાતિઓ અને મુસ્લિમ બની ગયેલા હરિજન ભક્તોને પણ સ્વીકારે છે. રામાનંદીઓ ભગવાન રામને શાસ્ત્રીય દેવતા માને છે અને અયોધ્યાને બ્રહ્માંડનું કેન્દ્ર માને છે, જ્યાંથી તેમણે ત્રેતાયુગમાં શાસન કર્યું હતું. રામાનંદી, શૈવ અને શીખ અખાડાઓ સાથે મળીને અખાડા પરિષદની રચના કરે છે, જે કુંભ મેળાઓનું આયોજન પણ કરે છે.

નિર્મોહી અખાડાએ 1858માં બાબરી મસ્જિદ કમ્પાઉન્ડની અંદર બાંધવામાં આવેલા અને ભગવાન રામના જન્મસ્થળ તરીકે પ્રખ્યાત બનેલા એક ઊંચા મંચ પર રામ ચબૂતરાની માલિકીનો દાવો કર્યો હતો. 1949માં 22 ડિસેમ્બર અને 23 ડિસેમ્બરની વચ્ચેની રાત્રિના કલાકોમાં મસ્જિદની અંદર શિશુ રામની મૂર્તિ તેમણે જ સ્થાપિત કરી હતી. તે દિવસથી રામ લલ્લાની પૂજા નિર્વાણી અખાડાના મહંતો દ્વારા કરવામાં આવતી હતી.

નૂતન રામ મંદિર હવે ટ્રસ્ટના નિયંત્રણ હેઠળ આવ્યું છે અને તેમાં નિર્વાણી અખાડાનું કોઈ પ્રતિનિધિત્વ નથી. હવે જ્યારે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે તેઓ રામાનંદી સાધુઓને ટ્રસ્ટમાં સ્થાન ન આપીને તેમને અન્યાય કરતા હોવાનું જણાય છે. રામાનંદી અખાડાઓ રામ મંદિર માટેના કાનૂની યુદ્ધમાં સફળતા મેળવવાની અણી પર હતા, કારણ કે તેઓએ 19મી સદીથી અયોધ્યામાં ચળવળને જોરદાર રીતે ટકાવી રાખી હતી પરંતુ RSS સંલગ્ન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આખી ચળવળને હાઈજેક કરવામાં આવી હતી.

અયોધ્યા સ્થિત મહંતોએ જણાવ્યું હતું કે, તેમના પ્રત્યે સંઘ પરિવારના વલણમાં પરિવર્તનના પ્રથમ સંકેતો વિશ્વ હિન્દુ પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ અશોક સિંઘલના મૃત્યુ પછી જોવા મળ્યા હતા. 2019માં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તો મંદિરનો કબજો સંઘપરિવાર સાથે સંલગ્ન લોકો દ્વારા લઈ લેવામાં આવ્યો હતો. રામ જન્મભૂમિ આંદોલનમાં જબરદસ્ત બલિદાન આપનાર કોઈપણ જાણીતી વ્યક્તિઓને ટ્રસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું નથી. નવા ચહેરાઓને અપનાવ્યા છે અને ફક્ત તેઓની સલાહ લેવામાં આવે છે. મંદિરને લગતી મહત્ત્વપૂર્ણ બેઠકો માટે પણ તેમને જ બોલાવવામાં આવે છે. રામ મંદિર ચળવળમાં પ્રભુત્વ ધરાવતા એલ.કે.અડવાણી, ઉમા ભારતી અને સાધ્વી ઋતુંભરા જેવા તેમના સમકાલીન નેતાઓને બહાર કાઢી મૂકવામાં આવ્યા છે.

રામ જન્મભૂમિ ટ્રસ્ટના 15 સભ્યોમાંથી માત્ર 2 જ રામાનંદી અખાડામાંથી છે, જેમાં મહંત નૃત્ય ગોપાલ દાસ અને નિર્મોહી અખાડાના વડા મહંત દિનેન્દ્ર દાસ છે. કાગળ પર નૃત્ય ગોપાલ દાસ પ્રમુખ તરીકે ટ્રસ્ટના વડા હોવા છતાં જનરલ સેક્રેટરી ચંપત રાય તેનો સૌથી વધુ દેખાતો ચહેરો છે. મહંત નૃત્ય ગોપાલ દાસ અને મહંત દિનેન્દ્ર દાસ મૂંગા દર્શકો છે અને સમિતિમાં તેમનો કોઈ વાસ્તવિક પ્રભાવ નથી. બંને શારીરિક રીતે નબળા છે અને તેમની ફરજો યોગ્ય રીતે નિભાવવામાં અસમર્થ છે. તેઓ મોટા ભાગના દિવસો તેમના આશ્રમમાં વિતાવે છે અને દિલ્હીમાં ટ્રસ્ટની બેઠકોમાં હાજરી આપતા નથી. દરમિયાન, મહંત રામ દાસ, જેઓ લગભગ 3 દાયકાઓ સુધી જન્મભૂમિ ટાઇટલ સૂટ કેસમાં નિર્મોહી અખાડાનું પ્રતિનિધિત્વ કરતા હતા, તેમણે દાવો કર્યો હતો કે તેઓ ટ્રસ્ટના સભ્ય બનવા માગતા હતા પરંતુ તેમને બદલે મહંત દિનેન્દ્ર દાસ ટ્રસ્ટી બની ગયા હતા. તેઓ હવે નિર્મોહી અખાડાના એકમાત્ર પ્રતિનિધિ છે.

હનુમાનગઢી મંદિરના પ્રમુખ તેજપાલ દાસે દાવો કર્યો હતો કે ટ્રસ્ટની રચના થયા પછી રામાનંદી અખાડાના મહંતોને નવા મંદિરના કાર્યોથી દૂર રાખવાના સંઘ પરિવારના પ્રયાસો વધુ સ્પષ્ટ થઈ ગયા છે. દાખલા તરીકે, ઓગસ્ટ 2020માં ભૂમિપૂજન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા મંદિરના સમારોહમાં રામાનંદી અખાડાના કોઈ મહંતને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તેજપાલ દાસે જણાવ્યું હતું કે, તેઓ 22 જાન્યુઆરીએ ઉદ્ઘાટન સમારંભમાં જવાનું ટાળશે, કારણ કે ટ્રસ્ટે તેમના ગુરુજી પુરષોત્તમ દાસ મહારાજને આમંત્રણ આપ્યું નથી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top