Columns

ભૌગોલિક ઘટનાને પ્રાચીનોએ કથામાં રૂપાંતરિત કરી

પિતૃઓના ઉદ્ધાર માટે જરત્કારુ પૃથ્વીના એક છેડેથી બીજા છેડા સુધી ભટકયો પણ પોતાને યોગ્ય સ્ત્રી ન મળી. એક વખત લગ્નની તીવ્ર ઇચ્છા કરીને ત્રણ ત્રણ વખત પત્ની માટે પોકાર કર્યો. તે વેળા તેની વાત નાગરાજ વાસુકિએ સાંભળી એટલે પોતાની બહેન જરત્કારુને આપવા સંમત થયા પણ જરત્કારુ તો પોતાના જ નામવાળી કન્યા મળે તો જ સ્વીકારવા માગતા હતા એટલે વાસુકિને કશો ઉત્તર આપે તે પહેલાં તેમણે નાગરાજને તેમની બહેનનું નામ પૂછયું એટલે વાસુકિએ કહ્યું – ‘મારી નાની બહેનનું નામ જરત્કારુ છે અને તમારી સાથે જ મેં એનું વાગ્દાન થાય એવો નિર્ધાર કર્યો છે.’

આગળ આપણે જોઇ ગયા કે કદ્રૂએ પોતાની આજ્ઞા ન માનનાર સાપ જનમેજયના સર્પયજ્ઞમાં બળીને ભસ્મ થઇ જશે એવો શાપ આપ્યો હતો એટલે બીજા સાપ એ યજ્ઞમાં બળીને ભસ્મ ન થઇ જાય એટલા માટે વાસુકિએ પોતાની બહેનનો વિવાહ યોગ્ય પાત્ર ન મળે ત્યાં સુધી ન કરવાનો નિશ્ચય કર્યો હતો. હવે વાસુકિએ એ બંનેના લગ્ન કરાવી દીધાં અને એ દંપતીને આસ્તિક નામનો પુત્ર જન્મ્યો.

પણ માત્ર આટલી જ વાતથી શૌનકને સંતોષ ન થયો એટલે તેમણે તો આસ્તિકની કથા પૂરેપૂરી સાંભળવાની ઇચ્છા પ્રગટ કરી. મહાકાવ્યોની આવી પરંપરા છે. રામાયણમાં પણ વિશ્વામિત્ર રામલક્ષ્મણને કેટલીક કથાઓ કહે છે પણ મહાભારત તો સાચે જ મહા છે, મહાન છે – એટલે આવી બધી કથાઓ એક કે બીજા નિમિત્તે આવ્યા જ કરવાની. એટલે હવે ઉગ્રશ્રવા શૌનક મુનિને આ કથા વિસ્તારથી કહી સંભળાવે છે.

વિસ્તાર એટલે કેટલો વિસ્તાર? તેઓ તો છેક કશ્યપ ઋષિ અને તેમની બે પત્નીઓ કદ્રૂ અને વિનતા સુધી પહોંચી જાય છે. આ બંને સ્ત્રીઓ દક્ષ પ્રજાપતિની કન્યાઓ હતી. કશ્યપ ઋષિએ પોતાની બંને પત્નીઓને વરદાન આપવાની ઇચ્છા વ્યકત કરી. કદ્રૂએ એક હજાર સુંદર નાગપુત્રો માગ્યા અને વિનતાએ નાગપુત્રોથી ચઢિયાતા બે જ પુત્ર માગ્યા અને વિનતા પોતાને વધુ પુણ્યશાળી માનવા લાગી. કશ્યપ ઋષિ તો વરદાન આપીને તપ કરવા વનમાં ચાલ્યા ગયા. પ્રાચીન કાળમાં આ બધા જ ઋષિમુનિઓ વનમાં જવાની વય ન હોય તો પણ તેઓ વનમાં જતા રહેતા હતા.

વરદાન મેળવેલી કદ્રૂએ હજાર ઇંડાંને જન્મ આપ્યો અને વિનતાએ બે ઇંડાંને જન્મ આપ્યો. દાસીઓએ આ બધાં ઇંડાં વાસણોમાં મૂકી દીધાં. આ ઘટનાના 500 વર્ષ પછી કદ્રૂનાં ઇંડામાંથી હજાર પુત્રો જન્મ્યા પણ વિનતાને કશી પુત્ર પ્રાપ્તિ ન થઇ. તેણે થાકીહારીને એક ઇંડું ફોડયું પણ તે અધૂરા મહિનાવાળો હતો એટલે તેણે માને શાપ આપ્યો. ‘તું તારી શોકયની દાસી 500 વર્ષ સુધી રહીશ. તારો બીજો પુત્ર તને દાસીપણામાંથી મુકત કરાવશે પણ તું ધીરજ રાખજે. આમ કહીને તે તો આકાશમાં જતો રહ્યો, એવું સાંભળવા મળ્યું છે કે તે સૂર્યનો સારથિ બન્યો છે અને સૂર્યનું તેજ પૂરેપૂરું પૃથ્વી પર પ્રગટવા દેતો નથી. એક રીતે જોઇએ તો આ પર્યાવરણીય સંકેત છે, જો એવું ન બન્યું હોત તો પૃથ્વી સૂર્યતેજમાં બળીને ભસ્મ થઇ ગઇ હોત.

હવે વિનતા કદ્રૂની દાસી કેવી રીતે બની તેની એક નાની કથા છે. એક દિવસ બંને બહેનોએ ઉચ્ચૈ:શ્રવા નામનો ઘોડો જોયો. આ ઘોડો સમુદ્રમંથન વખતે પ્રગટયો હતો. દેવતાઓએ તેની પૂજા કરી. હવે ફરી એક બીજી કથાનો અવકાશ ઊભો થયો અને તે કથા સમુદ્રમંથનની. દેવતાઓ પણ તે કાળે તો મૃત્યુ પામતા હતા અને તેમણે અમર થવાની ઇચ્છા પ્રગટ કરી એટલે જો દેવો અને દાનવો મળીને સમુદ્રમંથન કરે તો અમૃત નીકળે. દેવતાઓ તે વેળા મેરુ પર્વત પર હતા – આ પર્વત પર સામાન્ય માનવીઓ જઇ ન શકે, તનથી પણ નહીં અને મનથી પણ નહીં. જો કે આપણે તો એવી કહેવત સાંભળી છે – જયાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ.

હવે સમુદ્રમંથન કરવા રવૈયો જોઇએ, તેમણે મેરુ પર્વતને વિનંતી કરી પણ આવો મોટો પર્વત ઉખાડાય કેવી રીતે? એટલે વિષ્ણુ ભગવાને નાગરાજ અનન્તને વિનંતી કરી, એટલે નાગરાજે બધા જ જીવજંતુ, વનસ્પતિઓ સાથે મેરુ પર્વતને ઉખાડયો. સમુદ્રે પણ આમાં હિસ્સો માગ્યો, દેવતાઓએ હા પાડી. એક કથા એવી પણ છે કે મેરુ પર્વત સમુદ્રમાં ડૂબી જતો હતો એટલે દેવતાઓએ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાને કાચબાનો અવતાર લીધો, આમ કાચબા પર મેરુ પર્વત મુકાયો અને સમુદ્રમંથન શરૂ થયું. વાસુકિ નાગનું નાતરું કર્યું.

દાનવોએ નાગરાજનું મોં પકડયું અને દેવોએ નાગરાજનું  પૂછડું પકડયું. આ પ્રસંગનું એક અદ્‌ભુત શિલ્પ અંગકોર ઘાટમાં છે. દેવતાઓ વારંવાર નાગને ખેંચતા હતા એટલે નાગના મોંમાંથી અગ્નિજવાળાઓ પ્રગટતી હતી, ઇન્દ્ર એ જવાળાઓ શાંત કરવા વરસાદ મોકલતા હતા. આ મંથનને કારણે ઘણા બધા જીવનો સંહાર થયો અને વારંવાર મથવાને કારણે પાણી દૂધ બની ગયું એટલે એક નામ આપણી સામે આવ્યું. ક્ષીર સાગર. અમરત્વની ઇચ્છાએ કેટકેટલાં પ્રાણીઓ, જીવજંતુઓ, વનસ્પતિઓનો સંહાર કરાવ્યો. વિષ્ણુ ભગવાને પોતાનું બળ દેવો, દાનવોમાં સીંચ્યું એટલે વધુ વેગથી સમુદ્રમંથન થવા લાગ્યું. ધીમેધીમે રત્નો નીકળવા લાગ્યાં – ચન્દ્રમા, લક્ષ્મી, સુરાદેવી, કૌસ્તુભમણિ, ઐરાવત, પારિજાત, સુરભિગાય, ઉચ્ચૈ:શ્રવા, ધન્વંતરી પ્રગટયા.

ધન્વંતરીના હાથમાં અમૃતકલશ હતો; અમૃતની સાથે સાથે કાલકૂટ વિષ પણ પ્રગટયું –  આનો અર્થ એ થયો કે અમૃતની સાથે ઝેર પણ હોય – અન્ય – અસત્ય, પ્રકાશ, અંધકાર, ન્યાય – અન્યાય આ બધાં દ્વંદ્વ સાથે જ હોય. એ રીતે પશ્ચિમની એક કથા ડો. જેકિલ એન્ડ ડો. હાઇડની છે – જેકિલમાં દેવત્વ અને હાઇડમાં દાનવત્વ. પણ જે ઝેર નીકળ્યું તેનું શું? શંકર ભગવાન એ ઝેર પી ગયા. પણ એ ઝેર એમના ગળામાં જ રહ્યું એટલે તેમનું નામ નીલકંઠ પડયું. હવે દાનવોને તો અમૃત જોઇએ, લક્ષ્મી પણ જોઇએ. લક્ષ્મી તો વિષ્ણુ ભગવાન પાસે જતી રહી, હવે અમૃત વહેંચવું કેવી રીતે? પહેલેથી જ વિષ્ણુ ભગવાન દેવોના પ્રત્યે પક્ષપાતવાળા. એટલે તેમણે મોહિનીરૂપ લીધું. એક પંગત દેવોની અને બીજી પંગત દાનવોની. મોહક રૂપ ધરાવતી દેવી દેવતાઓને જ અમૃત આપે અને દાનવોને ન આપે.

મોહિની દ્વારા થતો આ પક્ષપાત રાહુ નામના દૈત્યે જોઇ લીધો એટલે તે દેવોનું રૂપ લઇને એમની પંગતમાં બેસી ગયો. મોહિનીએ તો તેને દેવ માનીને અમૃત આપ્યું. આ ઘટના ચન્દ્રે જોઇ લીધી એટલે તેણે વિષ્ણુ ભગવાનને આ રહસ્ય કહી દીધું. હવે આપણને પ્રશ્ન થાય – વિષ્ણુ ભગવાન તો ત્રિકાળ જ્ઞાની, તેમને આ વાતનો ખ્યાલ કેમ ન આવ્યો? પણ આ કથા – એટલે એમાં કેટલુંક ચલાવી લેવું પડે. ચન્દ્રે કહ્યું એટલે વિષ્ણુ ભગવાને ચક્ર વડે તેનું મસ્તક કાપી નાખ્યું, પણ તેના ગળા સુધી તો અમૃત પહોંચ્યું હતું એટલે મસ્તક અમર થઇ ગયું અને ચન્દ્રને તે દુશ્મન ગણવા લાગ્યો. જયારે જયારે તક મળે ત્યારે ત્યારે તે ચન્દ્રને ગળી જવા લાગ્યો.

આજે તો આપણે શિક્ષણમાં આગળ વધી ગયા, સૂર્ય, ચન્દ્ર અને પૃથ્વી જયારે એક સીધી રેખામાં આવે ત્યારે સૂર્યના તેજથી પૃથ્વીનો પડછાયો ચન્દ્ર ઉપર પડે -પૃથ્વી ગોળ છે એની આ એક વધુ સાબિતી – પૃથ્વીનો પડછાયો ચન્દ્ર ઉપર ગોળાકાર છે. આ ભૌગોલિક ઘટનાને પ્રાચીનોએ કથામાં રૂપાંતરિત કરી. માત્ર રાહુએ જ દેવનું રૂપ લીધું ન હતું, કેતુ નામના દૈત્યે પણ દેવનું રૂપ લીધું હતું, અને એ વાત સૂર્યે જોઇ લીધી એટલે વિષ્ણુ ભગવાને સૂર્યના કહેવાથી કેતુનું મસ્તક પણ છેદી નાખ્યું. સૂર્યગ્રહણના મૂળમાં આ કથા. પછી તો દેવ અને દાનવો વચ્ચે ભયાનક યુદ્ધ થયું. વિષ્ણુ ભગવાનના જ બે રૂપ નર અને નારાયણ – આ જ બે રૂપને પાછળથી અર્જુન અને શ્રીકૃષ્ણ તરીકે ઓળખાવવામાં આવ્યા. ભગવાને સુદર્શન ચક્ર વડે અસુરોનો સંહાર કરવા માંડયો,  પછી અસુરો સુદર્શન ચક્રથી ગભરાઇને સમુદ્રમાં ભરાઇ જવા લાગ્યા.દેવતાઓએ આ અમૃતને સુરક્ષિત સ્થળે મૂકયું અને તેની રક્ષાની વ્યવસ્થા કરી.

Most Popular

To Top