Columns

યાદોની સુગંધ

એક દિવસ દાદા પોતાનો જુનો પટારો ખોલીને બેઠા હતા.તેમાં જૂની જૂની યાદો હતી.પૌત્રીએ આવીને પૂછ્યું, ‘દાદા શું કરો છો?’ દાદાએ કહ્યું, ‘બેટા, મારા જીવનને આકાર આપવામાં મદદ કરનાર બધી નાની મોટી વસ્તુઓ મેં સાચવીને આ પટારામાં રાખી છે તે જોઇને જૂની જૂની યાદો અને તે વસ્તુએ મને શીખવેલા પાઠ યાદ કરી રહ્યો છું.આવ, તને દેખાડું અને તેનું મારા જીવનમાં મહત્ત્વ સમજાવું.’ દાદાના પટારામાં જુનું એક શર્ટ હતું.દાદાએ કહ્યું, ‘આ સિલ્કનું શર્ટ મારા પિતાજીએ મને જન્મદિવસ પર અપાવેલું પહેલું મોંઘુ શર્ટ મને યાદ છે. પિતાજીએ મને આ ગમતું શર્ટ અપાવવા ખાસ બે મહિના સુધી દિવસભરની નોકરીની સાથે ઘરે બીજાં કામ રાત જાગીને કર્યાં હતાં.આમાં મારા પિતાની લાગણી,પ્રેમ,મહેનત છે.જે મને યાદ અપાવે છે કે મારા પિતાએ મને રાજી કરવા કેટલી મહેનત અને પરિશ્રમ કર્યો હતો એટલે મારી ફરજ છે કે હું તેમને ક્યારેય દુઃખ ન પહોંચાડું.’

પૌત્રી અને દાદા બંનેની આંખોમાં પાણી હતાં. દાદાના પટારામાં જુનું વેલણ હતું.દાદાએ કહ્યું, ‘આ વેલણથી મારી મા એ રોટલી વણીને મને રોજ ગરમ ગરમ રોટલી જમાડી છે.ક્યારેય એક ઠંડી રોટલી ખાવા દીધી નથી.આ વેલણમાં મારી માતાની મમતા છે.’ પૌત્રીએ કહ્યું, ‘દાદા મને આજે એક દિવસ માટે આ વેલણ આપો. હું તમારા માટે તેનાથી રોટલી બનાવીશ. દાદાના હાથમાં એક નોટ હતી અને તેમાં એક સુકાયેલું ગુલાબનું ફૂલ ….દાદા હસ્યા અને બોલ્યા, ‘આ ફૂલ મેં તારી દાદીને સગાઈ નક્કી થતાં છુપાઈને આપ્યું હતું અને તેણે આખું જીવન સાચવી રાખ્યું.અમારા પ્રેમની પહેલી ભેટ.’ આ તારી દાદીના કાનના ઝૂમખાં…દાદીની ઘણી યાદો હતી.પછી હાથમાં લીધું એક જુનું આલ્બમ, તેમાં દાદા-દાદીના તેમનાં બે બાળકો સાથે ફોટા હતા.

દાદાએ કહ્યું, ‘આ જો આ તારી ફઈ અને આ તારા પપ્પા.’ દાદા અને પૌત્રી ફોટા જોવા લાગ્યા.દાદા દરેક ફોટા સાથેની યાદ કહેતા જતા…તેમના મોઢા પર અજબ ખુશી હતી.થોડાં રમકડાં …સંતાનોએ જીતેલાં ઇનામ …તેમનાં નાનાં કપડાં …તેમના લગ્નની કંકોતરી …આવું ઘણું બધું હતું દાદાના પટારામાં ….બપોરથી સાંજ પડવા આવી.દાદા આજે ખૂબ જ ખુશ અને આનંદિત હતા. જાણે ફરી પાછું આખું જીવન જીવી લીધું અને આગળ જીવવાનું બળ મેળવી લીધું. સાચવી રાખેલી યાદોનો ખજાનો બધા પાસે જ હોય છે.આ ખજાનાને થોડા થોડા દિવસે જોતાં રહેજો. યાદોની સુગંધ તમારા જીવનને મહેકાવશે અને આગળ જીવન જીવવાનું બળ આપશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top