Editorial

ગુજરાતમાં શિક્ષણ અને સારવારના નામે થતી લૂંટફાટ બંધ થશે તો જ સ્થાપનાદિનની ઉજવણી સાર્થક બનશે

1લી મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી, આ જ દિવસે મહારાષ્ટ્રની પણ સ્થાપના થઈ હતી. વર્ષ 1937માં કરાંચી ખાતે યોજાયેલી એક સભા દરમિયાન “મહાગુજરાત” નો વિચાર કનૈયાલાલ મુનશીએ રજૂ કર્યો હતો. વર્ષ 1956માં સ્ટેટ્સ રીઓર્ગેનાઇઝેશન એક્ટ દ્વારા રાજયોની સીમા નક્કી કરવામાં આવેલી. તે સમયે એક બોમ્બે રાજ્ય હતું, જેમાં ગુજરાતી, કચ્છી, મરાઠી અને કોંકણી ભાષા બોલનારા લોકો વસતા હતા. ગુજરાતી અને કચ્છી બોલનારા લોકોનું એક અલગ રાજ્ય હોય તેવી માંગ સાથે, મહાગુજરાત આંદોલન થયું.

અમદાવાદ ખાતે થયેલા આ આંદોલનમાં 24 વિદ્યાર્થીએ પોતાના જીવ પણ ગુમાવ્યા હતાં. આંદોલનમાં શહીદ થયેલા વિદ્યાર્થીઓની સ્મૃતિમાં લાલ દરવાજા પાસે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું હતું. ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત આંદોલનને સંભાળતા હતા. અંતે પ્રેસિડેન્ટ રાજેન્દ્ર પ્રસાદ, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂએ ગુજરાત અને મહારાષ્ટ્ર હવેથી આ બે અલગ રાજ્ય છે, તેમ ઘોષિત કરવા સંમત થયા અને 1લી મે ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્ય આ રીતે સ્થપાયા હતાં. ગુજરાત રાજ્યની રચના થઇ તેને 60 ઉપરાંત વર્ષ વિતી ગયા છે.

ગુજરાતમાં આવેલી તમામ સરકારોએ ગુજરાતનો વિકાસ કર્યો છે અને વિકાસની દ્રષ્ટીએ ગુજરાત દેશના અન્ય રાજ્યો કરતાં ખૂબ જ આગળ છે એ વાતમાં કોઇ બે મત નથી. પરંતુ જે રીતે ગુજરાતમાં શિક્ષણ અને મેડિકલ માફિયાઓ બેફામ બન્યા છે તેમના ઉપર લગામ કસાઇ તે ખૂબ જ જરૂરી છે. જુદા જુદા વિષયો ઉપર લાંબુ લચક ભાષણ આપતા અને વાયદાઓ કરતાં દરેક પક્ષના નેતાઓએ જો શિક્ષણ અને સ્વાસ્થયના ક્ષેત્રમાં થોડી ગણી પણ કામગીરી કરી નથી. ભાજપ હોય કે પછી કોંગ્રેસ શિક્ષણ અને સ્વાસ્થયમાં જે રીતે ગુજરાતીઓને લૂંટવામાં આવી રહ્યાં છે તે કોઇપણ ભોગે અટકવું જોઇએ. જો આવુ થાય તો જ ગુજરાત સ્થાપના દિનની ઉજવણી સાર્થક થશે. શિક્ષણની વાત કરીએ કેટલાક લોકોએ તેને રીતસરનો ધંધો બનાવી દીધો છે.

પહેલા એક કે દોઢ લાખમાં તો વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થઇ જતો હતો અને હવે ખાનગી શાળાઓમાં પ્રાથમિક વિભાગમાં પણ શૈક્ષણિક ફી અને ઇત્તર પ્રવૃતિના નામે વર્ષના લાખ રૂપિયા ઉઘરાવી લેવામાં આવે છે. કેટલાક શૈક્ષણિક સંકુલોમાં તો રાજકીય નેતાઓ પણ સાયલન્ટ પાર્ટનર છે એટલે કે તેઓ પણ ભાગીદાર છે. તેવી જ હાલત સ્વાસ્થય માટેની છે. પહેલા જેટલા રૂપિયામાં દર્દીની સારવાર થઇ જતી હતી તેટલા રૂપિયા તો હવે માત્ર રિપોર્ટ કઢાવવામાં જ થઇ જાય છે. એટલે ગરીબ કે મધ્યમવર્ગનો વ્યક્તિ જાય તો ક્યાં જાય? સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિના દરની વાત કરીએ તો 80 ટકા નોર્મલ ડિલિવરી થાય છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં 20 ટકા જ નોર્મલ ડિલિવરી થાય છે. આવું ખાનગી હોસ્પિટલવાળા એટલા માટે કરે છે કે તેમને ચીરફાડના રૂપિયા મળે છે.

કોરોના કે જેનું કોઇ નામ જાણતું ન હતું એટલે તેની કોઇ ટ્રીટમેન્ટ તો શોધાઇ જ નથી તે સ્વાભાવિક છે. તેમ છતાં ખાનગી હોસ્પિટલના સંચાલકોએ કોરોનાની સારવારના નામે દર્દી અને તેમના સંબંધી પાસે ચારથી આઠ લાખ રૂપિયાની ઉગાડી લૂંટ ચલાવી છે. શિક્ષણ અને મેડિકલ માફિયા આવું એટલા માટે કરી શકે છે કારણ કે, તેમને પડકાર ફેંકે તેવો એકપણ નેતા ગુજરાતમાં પાક્યો નથી. જો ગુજરાતમાં આ શિક્ષણ અને સારવારના નામે ચાલતી લૂંટ બંધ થાય ત્યારે જ સ્થાપનાદિનની સાચા અર્થમાં ઉજવણી થઇ શકશે.

Most Popular

To Top