Columns

પતંગિયા પાછળ

એક બાર તેર વર્ષની મીઠડી છોકરી નામ દીવા. તેને પતંગિયા બહુ ગમે, જયારે પણ કોઈ પણ નાનકડું ઊડતું પતંગિયું જુએ અને તેની પાછળ પાછળ દોડે અને પતંગિયું દૂર ઊડી જાય એટલે તે નાસીપાસ થઈ જાય. એક દિવસ શાળાએથી આવતાં આવતાં દીવાએ રસ્તામાં એક બગીચા પાસે સરસ મજાનું રંગબેરંગી ઊડતું પતંગિયું જોયું અને તે તેની પાછળ પાછળ દોડવા લાગી. તેને પકડવાનો પ્રયત્ન કરવા લાગી.રસ્તામાં દોડતાં દોડતાં ઠોકર વાગી અને તે પડી ગઈ. થોડું પગમાં છોલાયું અને એટલી વારમાં પતંગિયું ક્યાં ઊડી ગયું તેને ખબર પડી નહિ.તે ઉદાસ થઈ ગઈ.

ઘરે પહોંચીને પણ તે ઉદાસ જ હતી, તેમાં મમ્મી ખીજાઈ કે જોયા કર્યા વિના એમ પતંગિયા પાછળ દોડાય, કૈંક વધારે વાગી ગયું હોત તો…દીવા દુઃખી હતી, પણ આ દુઃખ ન તો તેને પગમાં વાગ્યું તેનું હતું કે ના તો મમ્મી ખીજાય એટલે હતું.તેને દુઃખ હતું પતંગિયું દૂર ઊડી ગયું એનું. દીવાનાં દાદીએ તેને કહ્યું, ‘દીકરા ચલ, મમ્મી તો ખીજાય, હવે હસ તો મારી ઢીંગલી, પણ આમ પતંગિયા પાછળ દોડવામાં તને વધારે વાગ્યું હોત તો ….હવે એમ નહિ કરતી. ચલ હવે હસ….એક સ્માઈલ આપ દાદીને …તો દાદી તને એક સરસ આઈડિયા કહેશે..’

દીવા રડમસ ચહેરા સાથે થોડું હસી અને બોલી, ‘દાદી, પણ પતંગિયું બહુ જ સુંદર અને રંગબેરંગી હતું.મને બહુ ગમ્યું એટલે તેની પાછળ દોડતી હતી.તમે કયા આઈડિયાની વાત કરો છો? એનાથી એ પતંગિયું થોડું દેખાશે?’ દાદી દીવાને હાથ પકડીને ઘરની પાછળના વરંડામાં લઇ ગયાં અને કહ્યું, ‘દીવા આપણે આજથી જ અહીં ઘણાં બધાં રંગબેરંગી ફૂલોવાળા છોડ ઉગાડીશું અને તને ખબર છે, જયાં રંગબેરંગી સુંદર ફૂલો હોય ત્યાં આપોઆપ પતંગિયાં આવે. પછી તું તેને જોયા કરજે અને અહીં તેની સાથે રમજે.’ દાદીની વાત સાંભળી દીવા ખુશ ખુશ થઇ ગઈ અને દાદી અને મમ્મી જોડે નવાં ફૂલોના છોડ વાવી તેની સંભાળ લેવા લાગી અને ફૂલો પાસે રંગબેરંગી પતંગિયાં આવતાં તેને જોઇને તે ખુશ થઇ જતી.’

આ નાનકડા દાદીના આઈડિયામાં જીવનની એક મોટી સમજ છુપાયેલી છે.જો પતંગિયાં ગમતાં હોય તો તેની પાછળ દોડવા કરતાં આપણો બગીચો રંગબેરંગી ફૂલોથી ભરી દેવાય કે જેથી પતંગિયાં આપોઆપ સામેથી આવે.તેમ જીવનમાં જે કંઈ મેળવવું હોય તેની પાછળ ગાંડાની જેમ દોડવા કરતાં જાતને તેને લાયક બનાવાય. સફળતાનાં પતંગિયાંને મેળવવા મહેનતનાં ફૂલો ખીલવવાં જરૂરી છે……અન્યનો આદર જોઈએ તો દિલમાં પ્રેમ અને વાણીમાં મીઠપ જરૂરી છે….. મનની શાંતિ જોઈએ તો સારા વિચારો ખીલવવા જરૂરી છે…….ઈશ્વરભક્તિ જોઈએ તો મનમાં શ્રધ્ધાનાં સુમન ખીલવવાં જરૂરી છે.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top