Madhya Gujarat

ખેડા જિલ્લાની 6 બેઠકો પર ટિકીટ ફાળવણીમાં જ્ઞાતિ ફેક્ટર કેન્દ્રમાં રહ્યું

નડિયાદ, તા. 2
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગણતરીના જ દિવસો બાકી છે. ચૂંટણીને પગલે ચરોતરમાં શિયાળાની કકડતી ઠંડીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની પસંદગીમાં જ્ઞાતિવાદ ખૂબ મહત્વનો ભાગ ભજવતો જોવા મળતો હોય છે. ખેડા જિલ્લાની 6 બેઠકો પર અગાઉની ચૂંટણીઓમાં અને હાલની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં જ્ઞાતિવાદ કેન્દ્રમાં જોવા મળ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે અને બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ છે. જેમાં ખેડા જિલ્લાની છ બેઠકનો સમાવેશ કરાયો છે. આ 6 વિધાનસભા બેઠકમાં ઉમેદવારોના મત વિસ્તારમાં જોવા મળતા જ્ઞાતિ ફેક્ટરના આધારે પસંદગી ઉતારી હોવાનું દેખાઈ રહ્યુ છે. છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં મહેમદાવાદમાં ચૌહાણ, ઠાસરા બેઠક પર પરમાર, નડિયાદમાં પટેલ ઉમેદવારની પસંદગી થઈ છે. આમ, ચૂંટણીમાં પક્ષ અને ઉમેદવારોની જ્ઞાતિનો પ્રભાવ મતદારો પર અસર કરતો હોવાથી જે તે પક્ષમાં ઉમેદવારોની જ્ઞાતિને વધુ મહત્વ આપવામાં આવે છે. માતર બેઠક પર ક્ષત્રિય અને પાટીદાર બંને જ્ઞાતિઓનો સરખો દબદબો હોવાથી ભાજપ દર વખતે ક્ષત્રિય ઉમેદવાર પર મહોર મારે છે, જ્યારે કોંગ્રેસે સતત ત્રીજી ટર્મ પાટીદાર ચહેરો ઉતાર્યો છે. તો મહુધા બેઠક પર ક્ષત્રિય (દરબાર)નું વર્ચસ્વ હોવાથી ત્યાં પણ ઉમેદવારની પસંદગી ક્ષત્રિય પર ઢોળાય છે. જે-તે મતવિસ્તારોમાં પક્ષ કરતા જ્ઞાતિ ફેક્ટર વધુ હોવાના કારમે ભાજપ અને કોંગ્રેસ તે જ્ઞાતિના ઉમેદવારને આગળ કરતા દેખાય છે અને પરીણામે જ મહેમદાવાદ, ઠાસરા, કપડવંજ, અને મહુધા જેવી બેઠકો પર દરબારો સિવાય અન્ય કોઈ જ્ઞાતિના ઉમેદવારો મુખ્ય પક્ષમાં દેખાતા નથી.

Most Popular

To Top