Charchapatra

તલાશ અને લાશ

માનસિક વિકલાંગ પુત્ર ગૂમ થઈ જતાં પિતા મહેશ ઠાકુર અને પરિવારજનો બિહારના અહર ગામમાં વ્યથિત દશામાં યુવાન પુત્રની તલાશ કરતા રહ્યા. શોધખોળ બાદ નિરાશા જ મળી. ગરીબ માબાપ પ્રયાસ કરતા રહ્યા. અંતે પુત્રની ભાળ મળી પણ તે દુ:ખદ હતી. પુત્રના મૃત્યુના વિશ્વસનીય સમાચાર પછી લાશની માહિતી સાથે તલાશનું પરિણામ સામે આવ્યું. ત્યાં વળી દરિદ્ર પરિવારને માથે આભ તૂટી પડયું. માનવતા શરમાઈ જાય તેવો વ્યવહાર તેમની સાથે થયો. મૃત યુવાન પુત્રનું પોસ્ટમોર્ટમ પતી ગયું હતું પણ મૃત ભાવના ધરાવતા કર્મચારીઓ લાંચ અને ભ્રષ્ટાચારને રંગે રંગાયેલા હોવાથી દીન – દુ:ખી માબાપ સમક્ષ “ 50 હજાર માંગવા લાગ્યા.

જો તેટલી રકમ ચૂકવે તો જ લાશ આપવા તૈયાર હતા. માબાપે ઘણી આજીજી કરી પણ પાષાણ હૃદયી લાશના સોદાગરો જરાયે દયા ખાવા તૈયાર ન હતા. પોતાના લાડકવાયા યુવાન પુત્રને છેલ્લીવાર જોઈ લઈને અંતિમ સંસ્કાર કરવા ઈચ્છતા માબાપ વિવશ હતા. અંતે લાશ મેળવવા ઉપાયની તલાશ વિચારી અને ન છૂટકે ઘેરઘેર ભીખ માગવા નીકળી પડયા, જેનો વિડિયો પણ વાઈરલ થયો છે. દેશમાં એક તરફ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, તો બીજી તરફ મૃત માટે અમૃત તો નહીં પણ વિષ ધરવાની શેતાનિયત પણ ચાલી રહી છે. આજ સુધી તો મૃતકના કફન – દફન માટે ફાળો ઉઘરાવવાની ખબર હતી, પણ લાશ મેળવવાયે ભીખ રૂપે ફાળો ઉઘરાવવાનોય બનાવ બન્યો.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top