SURAT

મેટ્રો પ્રોજેકટ માટે ચારેકોર ઠોકી બેસાડેલા બેરીકેટના લીધે સુરતીઓ ત્રાહિમામ, દુકાનદારોના ઘંઘો પડી ભાંગ્યા છે

સુરત: શહેરમાં વધતી જતી વસ્તીને કારણે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વિકરાળ બનતી જાય છે. ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે હવે તંત્ર દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનની વધુ ને વધુ સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. જો કે માસ ટ્રાન્સપોર્ટેશન અને સુરત માટે મેગા પ્રોજેકટ એવા મેટ્રો રેલનું (Surat Metro Rail) કામ જે છેલ્લા બે વર્ષથી ચાલી રહયું છે. તેમાં મેટ્રો રેલ કોર્પોરેશનમાં સ્થાનિક તંત્રનો નહિવત સમાવેશ હોવાથી અને સુરતની પ્રજા સાથે સંકળાયેલા હોય તેવા કોઇ અધિકારી મેટ્રો રેલ કોર્પોરેશનમાં જવાબદાર સ્થાને નહીં હોવાથી સુરતમાં મેટ્રો રેલ પ્રોજેકટના નામે જે આડેઘડ બેરીકેટ અને ખોદકામો થઇ રહ્યાં છે, તેના કારણે કોઇ પણ વિકાસ પ્રોજેકટ માટે ભોગ આપવા માટે જાણીતા સુરતવાસીઓની સહનશકિતની પરીક્ષા મેટ્રો રેલ કોર્પેરેશન લઇ રહયું હોય તેવી પ્રતિતિ થઇ રહી છે, મેટ્રો રેલ પ્રોજેકટના પ્રથમ ફેઇઝનો પ્રારંભ ડ્રીમ સિટીથી થાય છે અને સરથાણામાં પૂરો થાય છે, આ આખા રૂટ પર હાલ એવી હાલત થઇ ચુકી છે કે, સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકો સતત ઉડતી ધુળ અને ટ્રાફિકજામથી ગળે આવી ચૂક્યાં છે, જયારે આ રસ્તા પર બાપદાદાના જમાનાથી ધંધો લઇને બેઠેલા લોકોના ધંધા-રોજગાર ઠપ્પ થઇ ગયા છે. જો કે સૌથી વધુ મોટી વાત તો એ છે કે, સુરતવાસીઓને આ હાલાકી મેટ્રોના અધિકારીઓના અણઘડ આયોજનોને કારણે થઇ રહી છે. પરંતુ એક પણ અધિકારી સુરતવાસીઓની આ યાતના મુદ્દે જવાબ આપવા તૈયાર નથી, કે જવાબદારી લેવા તૈયાર નથી.

  • ભટાર ચાર રસ્તાથી અલથાણ કેનાલ રોડ સુધી 90 મીટરનો રસ્તો છતાં, જગ્યા 10 મીટર પણ બચી નથી
  • મેટ્રો રેલ કોર્પોરેશનના એક પણ અધિકારી સુરતવાસીઓની હાલાકી બાબતે જવાબ આપવા તૈયાર નથી અને પરપીડનવૃતિનો આનંદ માણે છે

આપણે પહેલા વાત કરીયે, ડ્રીમ સિટીથી મજુરાગેટ સુધીના વિસ્તારની. જયાં હજુ મોટા ભાગના વિસ્તારોમાં કામ પણ શરું થયું નથી છતાં બેરીકેટ અને પતરાનાં કારણે લોકો હાડમારીમાં મુકાઇ રહ્યાં છે. હાલમાં શહેરના અલથાણ ભટાર વિસ્તારમાં પીક અવર્સમાં ટ્રાફિકની ભારે સમસ્યા થતાં લોકો ત્રાહિમામ થઈ રહ્યાં છે. જે રીતે બેરિકેટ મુકાયા છે તેના કારણે ટ્રાફિકની અવરજવરમાં એટલી બધી અડચણ ઊભી થાય છે કે વાહનચાલકોને સમજાતું નથી કે કેવી રીતે અને ક્યાંથી પસાર થાય. ખાસ કરીને ખરેખર મેટ્રોનું કેટલું કામ આગળ વધ્યું છે અને ક્યાં સુધી આ સ્થિતિ રહેશે તેની અસમંજમાં લોકો છે. આ સમસ્યા હવે કાયમી બની જતાં લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારદશાની નાળથી ડ્રીમ સીટી સુધીના આ ભાગના કામ માટે 8-01-21ના રોજ વર્ક ઓર્ડર અપાયો હતો અને ડિસેમ્બર 2024 સુધીમાં કામ પુરુ કરવાની ડેડલાઇન છે, જો કે આ કામ સમયસર પુરું થાય તેવા કોઇ આસાર હાલ જણાતા નથી. પાલિકા, પોલીસ તથા મેટ્રો કંપની દ્વારા મળીને આ શહેરની ટ્રાફિક સમસ્યા અંગે કોઈ આયોજન થતું ન હોવાથી રોજ ઠેકઠેકાણે ટ્રાફિકની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. લોકોના સમય અને ઈંધણનો સતત બગાડ થઈ રહ્યો છે. ખોદકામને કારણે ઉડતી ધૂળથી લોકોના ગળાં પકડાઈ રહ્યાં છે.

ભટાર ચાર રસ્તાથી અલથાણ કેનાલ રોડ સુધી 90 મીટરનો રસ્તો 10 મીટરનો થઈ ગયો છે
મેટ્રોના કારણે સૌથી વધુ સમસ્યા શહેરના અલથાણ ભટાર વિસ્તારમાં છે. ભટાર ચાર રસ્તા થી અલથાણ કેનાલ રોડ પર મેટ્રોના કારણે રોડ ઘણાં સાંકડા થઈ ગયાં છે. આ રસ્તા પર મોટા વાહનો પસાર થાય છે ત્યારે ભારે સમસ્યા થાય છે. પીક અવર્સમાં આ વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા થઈ રહી છે. સાંકડા રસ્તા પરથી મોટા અને નાના વાહનો પસાર થતા સતત અકસ્માતનો ભય રહેલો છે. પીક અવર્સમાં આ રસ્તા પર ભારે ટ્રાફિક થતાં લોકો કલાકો સુધી ટ્રાફિકમાં જામ રહે છે. લોકોની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતાં લોકોની હાલત કફોડી થઈ રહી છે. અને સ્થાનિક દુકાનદારો પોતાનો રોજગાર ગુમાવી રહયા છે.

મેટ્રોની ટેકનિકલ વિગત: સુરત મેટ્રો લાઈન કુલ 40.55 કિ.મી, કુલ ખર્ચ 12,012 કરોડ, 18 જાન્યુઆરી કામગીરી 2021 થી શરૂ કરાઈ, ડિસેમ્બર 2027 સુધીમાં મેટ્રોના બંને રૂટ ઓપરેશનમાં શરૂ થઈ જવાનો દાવો

1) સરથાણાથી ડ્રીમસીટી: 22.77 km
એલીવેટેડ 15.75 km
અંડરગ્રાઉન્ડ 7.02 km
કુલ સ્ટેશન 20

2) ભેંસાણથી સારોલી : 19.26 km
તમામ એલીવેટેડ
કુલ સ્ટેશન: 18

વર્ક ઓર્ડર ક્યારે અપાયા

  • 1) ભેંસાણથી મજુરા 11 સ્ટેશન: 6-09-2022
  • 2) ભેસાણ ડેપો: 20-12-2022
  • 3) સરથાણાથી અંડરગ્રાઉન્ડ રેમ્પ 4 સ્ટેશન: 1-10-2022
  • 4) મજુરાથી સારોલી ડેડ એન્ડ 7 એલીવેટેડ સ્ટેશન: 15-10-2022
  • 5) ડ્રીમસીટી ડેપો: 30-06-2021
  • 6) સુરત રેલવે સ્ટેશનથી ચોક બજાર રેમ્પ: 8-01-21
  • 7) કાપોદ્રાથી સ્ટેશન: 6-03-21
  • 8) કાદરશાની નાલથી ડ્રીમસીટી: 8-01-21

સ્થાનિક તંત્રવાહકો મજબુર , પ્રજાની હાલાંકી વિશે અવાજ ઉઠાવનાર કોઇ નથી
સુરત મેટ્રો રેલ કોર્પોરેશનની રચના થઇ તેમાં સ્થાનિક સ્તરે સુરત મનપા કમિશનર સિવાય કોઇ મહત્વનો હોદ્દો કે અઘિકાર ધરાવતા કોઇ અધિકારી નથી. ચુંટાયેલા પ્રતિનિધિઓમાં કોર્પોરેટર, ધારાસભ્યો કે સાંસદો સુધ્ધાને મેટ્રો રેલ કોર્પોરેશનની કામગીરી સાથે સીધા કે આડકતરા સાંકળી લેવાયા નથી. તેના કારણે પ્રજાને પડતી હાલાકી મેટ્રો રેલ કોર્પોરેશનના બહેરા કાને અથડાતી નથી, કેમકે તેમાં મોટા ભાગના પરપ્રાંતિય અધિકારીઓ ડિસીઝન મેકર છે અને સ્થાનિક સ્તરે જે અધિકારીઓ બેઠેલા છે તે ગાંધીનગર વાત કરો તેમ કહી હાથ ઉંચા કરી દે છે.

જો સમયસર જીએમઆરસી નહીં જાગે તો પ્રજારોષનો વિસ્ફોટ થશે
સુરતની પ્રજા શાંત અને સહકારની ભાવના વાળી છે. એટલે જ તો મેગા વિકાસના કામો માટે થતા મેગા ડિમોલીશનો માટે સુરતની પ્રજાએ બાપદાદાના વખતની મિલકતો દિલ પર પથ્થર મુકીને પ્રજાહિતમાં સર્મપિત કરી છે. પરંતુ આવી સહનશિલ પ્રજાની પણ જાણે પરીક્ષા થઇ રહી હોય તેવી સ્થિતિ છે, ખાટલે મોટી ખોટ એ છે કે ચુંટાયેલા પ્રતિનિધિઓ પણ મોન ધરીને બેઠા છે. ત્યારે સુરતની પ્રજાની ધીરજ ખુટે અને લોકરોષનો વિસ્ફોટ થાય તે પહેલા જીએમઆરસી નકકર આયોજન કરી પ્રજાને ઓછામાં ઓછી હાલાકી સહન કરવી પડે તેવું પ્લાનિંગ કરે તે જરૂરી છે.

ખાણીપીણીનો ધીકતો ધંધો છોડી, પાનનો ગલ્લો ચાલુ કરવો પડયો : મહેશ પટેલ
ભટારચારથી અલથાણ રોડ પર ગરીબ મધ્યમવર્ગના લોકો અને શ્રમીજીવી વર્ગ વધુ છે તેથી મારા પિતાએ 20 વર્ષ પહેલા આ રોડ પર ખાણી-પીણીની લારી ચાલી કરી હતી, જો કે બાદમાં ધંધો સભાળ્યો ત્યારે મહેનત કરીને જમાવટ કરી હતી, શ્રમજીવી લોકો પરવડે તેવા ભાવે શાકપુરી- દાળભાત વગેરેની સારી ધરાકી હતી, મે ઘર પણ્ન લીધુ લોનના હપ્તા ચાલુ છે પરંતુ પહેલા કોરોના અને હવે મેટ્રોના બેરીકેટના કારણે બધુ બંધ થઇ ગયું અને હાલમાં પાન-બીડીનો ગલ્લો ચાલુ કરવો પડયો છે.

મેટ્રોના અધિકારીઓની નફફટાઇ, લોકો ને શું તકલીફ પડે છે ? લેખીતમાં મોકલો
સુરત મેટ્રો રેલના પ્રોજેકટ માટે જવાદબરા તરીકે કોઇ લોકલ અધિકારી નથી બધા બહારના છે, તેથી તે સુરતવાસીઓની સંવેદના પીડાને સમજી શકવા સમર્થ લાગતા નથી. મેટ્રોના સીઇઓ સત્યપ્રકાશજીએ કહયું હતું કે, તમે મેટ્રો રેલ કોર્પોરેશનના જનસંર્પક વિભાગમાં વાત કરી લો, તો જનસંપર્ક વિભાગના એપીઆરઓ સુનિત મહેતાએ પહેલા તો સુરતવાસીઓની મુશ્કેલી બાબતે વાત કરવાનો જ ઇન્કાર કરી રજા સિવાયના દિવસે સંપર્ક કરવા જણાવ્યું હતું, તેમજ એવો પણ સવાલ કર્યો હતો કે સુરતવાસીઓને શું શું મુશ્કેલી પડે છે ? તે લેખીતમાં અમારી ગાંધીનગર સ્થિત ઓફિસે મોકલો અમે તેનો જવાબ આપીશું, ઉપરાંત ક્ન્સ્લટિંગ અધિકારીઓના નંબર પણ મેટ્રો રેલ કોર્પોરેશન જેવી માતબર સંસ્થાના એપીઆરઓ પાસે નથી તેવું કહી જવાબદારીમાંથી છટકવા પ્રયાસ કર્યો હતો.

Most Popular

To Top