SURAT

રખડતાં કૂતરાઓના ન્યુસન્સને કાબુમાં લેવા સુરતની પાલિકાએ લીધો આ નિર્ણય

સુરત : છેલ્લા એક માસમાં શહેરની ત્રણ-ત્રણ માસુમ બાળકીઓ પર રખડતા કૂતરાઓના ધાતક હુમલાથી શહેરમાં એરરાટી મચી જવા પામી છે. ત્યારે પગ નીચે રેલો આવતા મનપાના તંત્ર વાહકો સફાળા જાગ્યા છે. મેયર હેમાલીબહેન બોઘાવાલાએ આજે બપોરે સબંધિત અધિકારીઓની તાબડતોબ મિટિંગ બોલાવી કુતરાના ન્યુસન્સમાંથી શહેરને મુકિત અપાવવા માટે એકશન પ્લાન બનાવવાના આદેશો જારી કર્યા હતા.

મેયર સાથેની મિટિંગમાં મનપાના આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ટ હોસ્પિટલ ડો.આશિષ નાયક, મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પ્રદિપ ઉમરીગર, માર્કેટ સુપ્રિટેન્ડન્ટ દિગ્વિજય રામ, એડિશનલ માર્કેટ સુપ્રિરન્ટેન્ડન્ટ ડો. રાજેશ ગેલાણી અને રવિ પટેલને હાજર રખાયા હતા. મેયર હેમાલીબહેન બોઘાવાલાએ જણાવ્યું હતું કે, આખા શહેરમાં વહેલામાં વહેલી તકે સરવે કરીને કૂતરાઓનો ત્રાસ વધુ હોય તેવા વિસ્તારો આઇડેન્ટીફાઈ કરી ત્યાં વધુ ટીમો મુકવા આદેશ આપ્યો છે.

કુતરાઓના ન્યુસન્સને નાથવા આજે અપાયેલા આદેશો

  • સમગ્ર શહેરમાં રખડતાં કૂતરાંઓ સર્વે કરી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી કૂતરાંને ડામવા ઝૂંબેશ શરૂ કરવી
  • કૂતરા પકડવાની ટીમમાં વધારો કરી આ ઝૂંબેશને તેજ બનાવવી
  • ઓપરેશન થિયેટર અને ડોકટરોની યોગ્ય વ્યવસ્થા ગોઠવવી
  • હાલમાં દરરોજ 40 કુતરાઓ પકડવામાં આવે છે, તેમાંથી ક્ષમતા મુજબ રોજ 30નું રસીકરણ/ખસીકરણ થવું જ જોઈએ
  • હાલ પાંજરાની સંખ્યા 60 છે, તેમાં વધારો કરી નવા પાંજરા મોટા બનાવવા.
  • સેવાભાવી સંસ્થાઓને ઝૂંબેશમાં જોડવા પ્રયાસ કરાશે.
  • ભેસ્તાન સહિત ત્રણ જગ્યાએ જે આધુનિક પાંજરાપોળ બનાવવાના છે, તેમાં કૂતરાઓ માટેના અલગ વિભાગનું આયોજન કરાશે
  • મનપાની હાલની કૂતરાં પકડવાની ક્ષમતા કરતા ત્રણ ગણી કરાશે.

સ્થળ પરથી ચાર કુતરા પકડી લેવાયા છે : માર્કેટ સુપરિન્ટેન્ડન્ટ
સુરત મનપાના માર્કેટ સુપરિન્ડેન્ડન્ટ દિગ્વીજય રામે જણાવ્યું હતું કે, અમારા અંદાજ મુજબ ઉધના-પાંડેસરા વિસ્તારમાં કૂતરાઓની સંખ્યા વધુ છે, આમ છતાં દરેક વિસ્તારનો સર્વે કરી સ્ટ્રેટેજી ગોઠવીશું, ગઇ કાલે જયાં કૂતરાએ બાળકી પર હુમલો કર્યો તે ખજોદ ડિસ્પોઝલ સાઇટ અને ડ્રીમ સીટીની વચ્ચેના વિસ્તારમાંથી ચાર કૂતરાઓ પકડી લઇ તેને ઓર્બઝેવેશનમાં રખાયા છે.

શહેરમાં 20 હજારથી વધુ કુતરા હોવાના અંદાજ સામે 12,500નું ખસીકરણ
મેયર દ્વારા લેવામાં આવેલી મિટિંગમાં અધિકારીઓએ રજુ કરેલી વિગતો મુજબ શહેરમાં 2019માં કરવામાં આવેલા સર્વેમાં કુલ 18,000 કૂતરાઓ હોવાની સંખ્યા સામે આવી છે. જે સંખ્યા જાન્યુઆરી 2023 સુધીમાં વધીને 20 હજાર ઉપરાંત થઈ ગઈ છે. જેની ખસીકરણ માટેની કામગીરી ચાલુ છે અને હાલમાં અત્યાર સુધીમાં ૧૨,૫૦૦ જેટલા કૂતરાઓને ખસીકરણ કરવામાં આવ્યું છે. જેથી મેયરે આગામી દિવસોમાં ખસીકરણની ઝુંબેશને વધુ સઘન બનાવવા માટે સૂચના આપી છે.

Most Popular

To Top