SURAT

સુરતમાં પોલીસના નાક નીચે મેઈન રોડની દુકાનનો કાચ તોડી પુતળાંને પહેરાવેલાં કપડા ચોર ચોરી ગયા

સુરત: સુરત શહેરમાં ચોર, લૂંટારા અને હત્યારાઓને પોલીસનો કોઈ ધાક રહ્યો નહીં હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. ગ્રીષ્મા હત્યાકાંડની શાહી ભૂંસાઈ નથી ત્યાં બે દિવસ પહેલાં ઉધના રેલવે સ્ટેશન પાસે ગર્ભવતી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બુધવારે જાહેરમાં વરરાજાને એક જણાએ ચપ્પુ હુલાવી દીધું હતું તો બીજી તરફ દિનદહાડે સ્નેચિંગ અને ચોરીની ઘટનાઓ પોલીસ પેટ્રોલિંગની પોલ ખુલ્લી પાડી રહ્યાં છે. બુધવારે સુરતના અડાજણ વિસ્તારના ટ્રાફિકથી સૌથી ધમધમતા મુખ્ય માર્ગ આનંદ મહેલ રોડ પર દુકાનનો કાચ તોડી ચોરી કરવાની ઘટના બની છે. આ એ જ રસ્તો છે જ્યાં રાતભર પોલીસ પેટ્રોલિંગ કરતી હોવાનો દાવો કરે છે.

  • ચાર અજાણ્યા ચોર 10 ટી-શર્ટ અને 6 જીન્સ સહિત 19850 રૂપિયાના કપડા ચોરી ગયા

અડાજણ પાલ ગૌરવપથ ઉપર સ્તુતિ આઈકોનમાં રહેતા 24 વર્ષીય રવિ ગુરૂમુખભાઇ દેવાણીની અડાજણ આનંદમહલ રોડ પર ગ્રીનપાર્ક કોમ્પ્લેક્ષમાં કપડાની દુકાન આવેલી છે. ગઈકાલે રાત્રે તેમની દુકાનમાંથી ચારેક અજાણ્યા ચોર દુકાનની બહાર લગાવેલા કાચ તોડી કાચ ઉપર લટકાવેલા કપડા ચોરી લીધા હતા. દુકાનના શટરથી કાચ વચ્ચે મુકેલા ડમી પુતળાને પહેરાવેલી 6 જીન્સ પેન્ટ, 10 ટી-શર્ટ મળી કુલ 19,850 રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી નાસી ગયા હતા. વેપારીએ આ અંગે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

ઉમરામાં સ્નેચરોનો આંતક, બે વિદ્યાર્થીની એક વૃદ્ધાનો મોબાઈલ ચોરાયા
સુરત : ઉમરા પોલીસની હદમાં ગત 22મી તારીખે સાંજે પોણા કલાકની અંદર અલગ અલગ જગ્યા પર બે વિદ્યાર્થિની અને એક આધેડ મહિલાના હાથમાંથી મોબાઈલ ફોનના સ્નેચિંગનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટના બાદ ઉમરા પોલીસની ટીમે બે સ્નેચરોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. શહેરમાં મોબાઈલ અને ચેઈન સ્નેચરો ફરીથી સક્રિય થઈ ગયા છે. ખાસ કરીને ઉમરા, ખટોદરા, અડાજણ પોલીસની હદમાં સ્નેચિંગના સૌથી વધારે બનાવો બનતા હોય છે. ઉમરા પોલીસની હદમાં ગત 22મી તારીખે પોણા કલાકમાં મોબાઈલ સ્નેચિંગના ત્રણ બનાવો બનતા ઉમરા પોલીસની ટીમ કામે લાગી ગઈ હતી. સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ વી.એલ.ધણગણ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે 22મી તારીખે બે જણા તંબુ કેનાલથી જી.ડી. ગોયન્કા રોડ પર રાહદારીઓના મોબાઇલ સ્નેચિંગ કરવા માટે નીકળ્યા છે. પોલીસે વોચ ગોઠવીને બંને સ્નેચરોનો તંબુ કેનાલથી પીછો કરી ફિલ્મી ઢબે પકડી પાડ્યા હતા. બંને સ્નેચરોના નામ પુછતા સુરજ ઉર્ફે સીટીલાઇટ બલ્લુસીગ રાજપુત (રહે. રૂમ નં-૪૨૦ પુનીતનગર, પાંડેસરા તથા મુળ પ્રતાપગઢ, ઉતરપ્રદેશ) તથા બીજો બાળ આરોપી હોવાની કબુલાત કરી હતી. તેમના ઘરે તપાસ કરતા પોલીસને તેમના ઘરેથી કુલ સાત મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પોલીસે કુલ 1.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Most Popular

To Top