SURAT

જમ્મુમાં થયેલા માર્ગ અકસ્માતના કેસમાં સુરતના પરિવારને 2.17 કરોડનું વળતર ચુકવવાનો હુકમ

સુરત: (Surat) જમ્મુ ફરવા ગયેલા કાપડ વેપારીનું (Textile Traders) માર્ગ અકસ્માતમાં (Road Accident) મોત થવાના કેસમાં પરિવારે કરેલી અકસ્માત વળતર અરજી કોર્ટે મંજુર કરી હતી. પરિવારની 10 કરોડની વળતરની માંગણી સામે રૂ.2.17 કરોડનું વળતર ચુકવવા કાર માલિક અને વીમા કંપનીને (Insurance Company) આદેશ કર્યો હતો.

આ કેસની વિગત અનુસાર રીંગરોડ ટેક્ષટાઇલ માર્કેટમાં કાપડનો વેપાર કરતા અને ઘોડદોડ રોડ ખાતે પ્રીન્સ સોસાયટીમાં રહેતા હરીશ અરોરા સને 2013માં તેમના મિત્રો સાથે જમ્મુ ફરવા ગયા હતા. અમૃતસર પહોંચ્યા બાદ હરીશ અરોરા ભાડેથી કાર કરાવી જમ્મુ જઇ રહ્યા હતા દરમિયાન તેમની કાર અમૃતસરના કાતરા પરજા વિસ્તારનાં હિરાનગર હાઈવે નં.૧ ઉપરથી પસાર થતી હતી તે સમયે કારના ચાલકે સ્ટેયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર પલટી મારી ગઈ હતી અને સામેના રોડ ઉપર અન્ય ટ્રક સાથે ભટકાઈ હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં કાપડ વેપારી હરીશ અરોરા અને ભાડેથી કરેલી કારના ચાલક સંદીપ કિશન ખન્ના(રહે. કતરા પારજા, અમૃતસ)નુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકની પત્ની અક્સી અરોરા તેમજ સંતાનો દ્વારા એડવોકેટ કમલ અસારાવાલા મારફતે સુરત કોર્ટમાં અકસ્માત વળતરની અરજી કરી હતી. અરજી કોર્ટમાં ચાલી જતા કોર્ટે મૃતક વેપારીના પરિવારને રૂ.2.17 કરોડનું વળતર ચુકવવા કાર માલિક તેમજ વીમા કંપનીને આદેશ કર્યો હતો.

મુંબઇના કાપડના 2 વેપારીને 10.75 લાખના ચેક રિટર્ન કેસમાં 1-1 વર્ષની સજા
સુરત : સુરતના કાપડ વેપારી પાસેથી રૂ.10.75 લાખનું ફિનિશ્ડ કાપડ ખરીદ્યા બાદ તેના પેમેન્ટ પેટે આપેલો ચેક રિટર્ન કરાવનાર મુંબઇની કાપડની ભાગીદારી પેઢીના બે ભાગીદારોને કોર્ટે 1-1 વર્ષની સજાનો હુકમ કર્યો હતો.
આ કેસની વિગતો અનુસાર રિંગરોડની કોહીનૂર ટેક્ષટાઇલ માર્કેટમાં સ્તુતી ફેબ્રિક્સના નામે ફિનિશ્ડ કાપડનો વેપાર કરતી પેઢીના ચેતન વલ્લભ કાકડીયા (રહે. મેરીગોલ્ડ રેસીડેન્સી, સરથાણા જકાતનાકા)એ 2019માં મુંબઇનાં કાલબાદેવી ખાતે મૌલી ક્રિએશનના નામે કાપડનો વેપાર કરતા પિયુષ ગોરધન પટેલ (રહે. ભુલાપાર્ક સોસાયટી, કતારગામ) અને વિકાસ મહિપતિ જયગડે (રહે.કાલબાદેવી, મુંબઇ)ને રૂ.10.75નો કાપડનો જથ્થો આપ્યો હતો. જેના પેમેન્ટ પેટે ભાગીદારી પેઢીએ આપેલો રૂ.10.75 લાખનો ચેક રિટર્ન થયો હતો. જેથી વેપારી ચેતન કાકડીયાએ એડવોકેટ વિપુલ એમ. રૂપારેલીયા મારફતે કોર્ટમાં કેસ કર્યો હતો. કોર્ટે બંને પક્ષની દલીલો બાદ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઇ બંને આરોપીને 1-1 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. આરોપીઓ કોર્ટમાં હાજર નહીં હોય તેમની સામે કોર્ટે ધરપકડ વોરંટ પણ ઇશ્યુ કરવા આદેશ કર્યો હતો.

Most Popular

To Top