SURAT

લાગે છે, તાપી માટે અત્યંત જરૂરી પ્રોજેક્ટના નિર્માણમાં સુરત મનપાને જ રસ નથી

સુરત: સુરતની સતત વધી રહેલી વસતીની પાણીની જરૂરીયાતને પુરી કરવા માટે એકમાત્ર જળ સ્ત્રોત વિયર કમ કોઝવે છે, ત્યારે તાપી નદીમાં રૂંઢ અને ભાઠાને જોડતા સુરતવાસીઓ માટે અતિ મહત્વના એવા કન્વેન્શનલ બેરેજના પ્રોજેકટને 10 વર્ષથી કાગળ પર ચલાવ્યા બાદ આખરે મનપા દ્વારા તેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રોજેકટને સૈધ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ પણ રાજકીય ખેંચતાણના કારણે જગ્યા બદલવા સુધી વાત પહોંચી ગઇ હતી. બાદમાં જેમ તેમ અંદાજો મંજૂર કરાયા પરંતુ સિંચાઇ વિભાગની આડોડાઇને કારણે હજુ સુધી પ્રોજેકટમાં સતત ફેરફારો આવી રહ્યા છે ત્યારે હવે મનપાના અધિકારીઓ દ્વારા જે રીતે આ પ્રોજેકટની કાચબાગતિએ હેન્ડલ થઇ રહી હોય હજુ પણ આ પ્રોજેકટ ટલ્લે ચડે તેવી શકયતા જણાઇ રહી છે. કેમકે માત્ર બે એજન્સીઓ દ્વારા ટેન્ડરો ભરાયા છે અને ટેન્ડર ભરાયાના દિવસો બાદ પણ હજુ ખરેખર પ્રોજેકટ કોસ્ટ કેટલી થશે તેનો કયાસ મનપાના સબંધિત વિભાગ દ્વારા કાઢી શકાયો નથી.

  • મહત્વાકાંક્ષી બેરેજ પ્રોજેક્ટ માટે બે જ ટેન્ડર આવ્યા, પ્રોજેક્ટ ટલ્લે નહીં ચડે તો સારૂં!
  • ટેન્ડર આવ્યાના દિવસો બાદ પણ કુલ પ્રોજેકટ કોસ્ટ કેટલી થશે તે નકકી નહી હોવાની તંત્રવાહકોની કેફીયત

આ પ્રોજકટ માટે પ્રાઇઝબીડની ગત તારીખ 22 મી ફેબ્રુઆરી ના રોજ ટેન્ડરની મુદત પુરી થઇ રહી હતી. તેને વધારીને 28મી તારીખ સુધી લંબાવવી પડી હતી અને પ્રાઇઝ બીડ નવમી માર્ચના રોજ ખુલી ચુકી છે. આમ છતા હજુ સુધી ટેન્ડરની રકમ શુ છે તે નકકી થઇ શકી નથી. કેમકે ત્રણ અલગ અલગ પોશનમાં બીડ ભરાવાઇ છે તેવુ કારણ સબંધિત અધિકારીઓ આપી રહ્યા છે. મતલબ કે આ પ્રોજેકટમાં શરૂઆતથી જ ગતિ અવરોધ આવી રહ્યો છે.

અત્રે ઉલ્લખનીય છે કે જેમ જેમ વિલંબ થઇ રહ્યો છે તેમ તેમ આ પ્રોજેકટ કોસ્ટમાં પણ સતત વધારો થઇ રહ્યો હોય સૌપ્રથમ બેરેજ માટે 511 કરોડના અંદાજ બનાવાયા હતા પરંતુ ગેરીની સલાહને ધ્યાન રાખીને વિયરની ક્ષમતા 10 લાખ કયુસેક પાણીની ઝીંક ઝીલવાથી વધારી 13 લાખ કયુસેક સુધીની થાય તે રીતે ડીઝાઇન વિચારાઇ હોય અંદાજોમાં વધારો કરીને 611 કરોડ કરાયા બાદ હવે ટેન્ડરની વધેલી મુદ્તમાં 698 કરોડ કરવાની નોબત આવી છે. જો કે બરાજ ખરેખર કેટલા કરોડના ખર્ચે બનશે તે તો જે તે એજન્સીનું ટેન્ડર મંજુર થાય અને તેના દ્વારા ડીટેઇલ સર્વે કરવામાં આવે ત્યાર બાદ નકકી થશે કેમકે સર્વેની કામગીરી પણ આ ટેન્ડર સાથે જ જોડી દેવાઇ છે તેવું મનપાના સિટી ઇજનેર આશીષ દુબેએ જણાવ્યું હતું.

ટેન્ડર ત્રણ પાર્ટમાં વહેંચી દેવાયું હોવા છતાં હજુ મામલો અધ્ધરતાલ
મનપાએ હવે ત્રણ પાર્ટમાં ટેન્ડર વહેંચી દીધું છે. જેમાં પ્રથમ પાર્ટમાં બેરેજ માટે તમામ સરકારી મંજૂરીઓ મેળવવાની જવાબદારી પણ ઇજારદારના શિરે મુકવામાં આવી છે. જો ટેન્ડરર જરૂરી મંજૂરી મેળવવામાં નિષ્ફળ રહે તો તે તબક્કેથી જ તેનું ટેન્ડર અટકી જાય તેવી જોગવાઇ કરાઇ છે. જયારે બીજા પાર્ટમાં આઇટમ રેઇટ અને ત્રીજા પાર્ટમાં 10 વર્ષનું ઓપરેશન મેઇન્ટેનેન્સનો સમાવેશ કરાયો છે. જો કે ત્રણ ભાગમાં ટેન્ડર હોવા છતા અને પ્રાઇઝબીડ ખુલી ગયા હોવા છતા મનપાનું તંત્ર હજુ સુધી ખરેખર કેટલામાં બેરેજ બનશે તે નકકી કરી શક્યું નથી તેથી આ પ્રોજેકટ કોસ્ટ નકકી કરવા માટે પણ જાણે એક્ષ્પર્ટ રોકવા પડશે કે શું તેવો સવાલ ઉભો થઈ રહ્યો છે.

Most Popular

To Top