SURAT

આ કેવું? જેનું રેગિંગ થયું તે જ અપરાધી્!: સુરતની સ્મીમેર હોસ્પિટલના ડીને કોના ઈશારે તપાસનું ફીંડલું વાળ્યું?

સુરત: (Surat) સ્મીમેરમાં (SMIMER) થોડા સમય પહેલા થયેલા રેગિંગની (Raging) ફરિયાદમાં (Complaint) ઉલટી ગંગા જેવો મામલો બહાર આવ્યો છે. તપાસ કમિટીએ એવું શોધી કાઢ્યું છે કે ખરેખર સિનીયર ડોકટરો (Doctors) દ્વારા રેગિંગ કરાયું નથી પરંતુ જુનિયર ડોકટરો દ્વારા જ રેગિંગ કરાયું હતું અને ખોટી ફરિયાદો કરવામાં આવી હતી. જે ડોકટર દ્વારા રેગિંગની ફરિયાદ કરવામાં આવી હતી તે ખુદ પણ સ્મીમેર મેડિકલ કોલેજમાંથી અમદાવાદ જતો રહ્યો છે ત્યારે હવે આ મામલે સ્મીમેરના ડીને તપાસ કમિટીના રિપોર્ટને ટાંકીને આ જુનિયર ડોકટરને હવે પછી આવી ભૂલ થવી જોઈએ નહીં તેવી ચેતવણી આપીને તપાસનું ફિડલું વાળી દેવામાં આવ્યું છે. જોકે, એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે રેગિંગ કરનારા મોટા માથાના સંતાનો હોવાથી ઉંધો રિપોર્ટ બનાવીને તેમને બચાવી લેવામાં આવ્યા છે.

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજમાં રેગિંગ પ્રકરણમાં મોટા નામ ધરાવતા વાલીઓના સંતાનો સંકળાયેલા હોવાથી તેને બચાવી લેવા પહેલા તો ઘટના જ ખોટી હોવાની વાત વહેતી કરાઇ હતી. બાદમાં ભારે વિવાદ થતાં સ્થાયી સમિતી ચેરમેન દ્વારા તેમાં તપાસ કમિટી પણ મુકવામાં આવી હતી. કમિટિએ જ્યાં રેગિંગની ફરિયાદ થઈ તેવા ઓર્થોપેડિક વિભાગમાં  તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન  જેઓએ ફરિયાદ કરી હતી તેવા ડો. યશ શેઠે  સ્મીમેર મેડિકલ  કોલેજમાંથી અમદાવાદની ડો. એમ.કે. શાહ મેડિકલ કોલેજમાં ટ્રાન્સફર લીધી હતી.  તપાસ કમિટીએ રજૂ કરેલા રિપોર્ટ પ્રમાણે  જે જુનિયર તબીબે  રેગિંગની ફરિયાદ  કરી હતી તે તબીબ જ સિનિયર તબીબોની હેરાનગતિ કરતાં હતા.

તપાસ  કમિટીના રિપોર્ટમાં જણાવાયું  છે કે, ફરિયાદ કરનાર તબીબ શિક્ષકો અને સાથી રેસિડન્સ દ્વારા સોંપવામાં આવેલી રોજિંદી કામગીરી નકારવી, અસમર્થતા દર્શાવવી, સાથી કર્મચારીઓ સાથે યોગ્ય વ્યવહાર ન કરવો જેવી વિગતો બહાર આવી છે. જેના કારણે દર્દીઓની સારવાર અને સાર સંભાળ પર સીધી અસર થતી હતી. જેથી ફરિયાદ કરનાર જુનિયર તબીબનું  કૃત્ય પાલિકાના હિતમાં નહીં હોય તે ચલાવી લઈ શકાય નહીં અને આ પ્રકારની ભૂલ બીજી વાર નહીં થાય તે માટે જુનિયર ડોકટરને તાકીદ કરવી જોઈએ. જોકે, તપાસ રિપોર્ટ જાહેર થાય તે પહેલાં જ ફરિયાદ કરનાર તબીબે ટ્રાન્સફર લીધી હોય પાલિકાએ તબીબને તપાસ રિપોર્ટ સોંપવા ઉપરાંત જ્યાં ટ્રાન્સફર લીધી છે તે મેડિકલ કોલેજને પણ તપાસ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top