SURAT

સુરત: વેસુના તબીબનો મોબાઈલ નંબર બંધ થયો ને બેન્ક ખાતામાંથી 21 લાખ ઉપડી ગયા

સુરત: (Surat) સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા મેઘ સરમન એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ માલેગાંવ નાસિકના વતની ડો. નીતિન વિનોદ મિત્તલના બેન્ક એકાઉન્ટમાંથી હોલિવુડની ફિલ્મની સ્ટાઈલમાં લાખો રૂપિયાની ઉઠાંતરી થઈ ગઈ છે. કોઈ ભેજાબાજે ડોક્ટરનો બોગસ આધારકાર્ડ બનાવી તેની મદદથી ડોક્ટરના નામે સીમકાર્ડ લઈ તે મોબાઈલ નંબર પરથી ડોક્ટરના બેન્ક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા તફડાવી દીધા છે. આ બાબતની જાણ થઈ ત્યારે ડોકટરનું બ્લડપ્રેશર ઘટી ગયું હતું.

ઉમરા પોલીસને લખાવેલી ફરિયાદમાં ડોક્ટર નીતિન મિત્તલે જણાવ્યું કે તેઓ પોતે વેસુના ઓફિરા બિઝનેસ સેન્ટર ખાતે સત્વ મેડિકેર નામનું હોસ્પિટલ ચલાવે છે. આ હોસ્પિટલમાં ડો. નીતિન મિત્તલ સાથે ડો. દિપ મોઢ, ડો. દ્રષ્ટિ દેસાઈ અને ડો. જેનિશ શેઠ ભાગીદાર છે. સત્વ મેડિકલ નામના એચડીએફસી પીપલોદ બ્રાન્ચમાં બે કરંટ અને એક સેવિંગ એકાઉન્ટ ધરાવે છે. આ બંને એકાઉન્ટમાં ચારેય ભાગીદારોના મોબાઈલ નંબર રજિસ્ટર કરાવ્યો હતો.

દરમિયાન ગઈ તા. 30 ઓક્ટોબર 2021ના રોજ બપોરે ડો. નીતિન મિત્તલનો મોબાઈલ નંબર અચાનક બંધ થયો હતો, પરંતુ વ્યસ્ત હોવાના લીધે ધ્યાન આપ્યું નહોતું. બે દિવસ સુધી મોબાઈલ ચાલુ નહીં થતા મોબાઈલ કંપનીમાં પૂછપરછ કરી હતી ત્યારે ખબર પડી કે મારા નંબર પરથી બીજું સીમકાર્ડ એક્ટિવેટ થયું છે. પરંતુ મેં નવું સીમકાર્ડ લીધું નહીં હોય તાત્કાલિક સ્ટોર પર જઈ એક્ટિવેટ થયેલું સીમકાર્ડ બંધ કરાવી મેં નવું સીમકાર્ડ એક્ટિવ કરાવ્યું હતું. ત્યાં સુધી બેન્ક એકાઉન્ટમાંથી કોઈ ટ્રાન્ઝેક્શન થયા નહોતા.

દરમિયાન બીજા દિવસે સત્વ મેડિકેરના (Satva Medicare) એકાઉન્ટના ચેક બાઉન્સ થવા માંડતા તપાસ કરી તો ખબર પડી કે તે એકાઉન્ટ ખાલી થઈ ગયા છે. ભાગીદાર ડો. દિપ મોઢે ફોન કરી જાણ કરી કે ચેક બાઉન્સ થઈ રહ્યાં છે અને એકાઉન્ટમાં માત્ર 131 રૂપિયા જ છે. તમામ ટ્રાન્ઝેક્શન નવા મોબાઈલ નંબર પરથી થયા હતા અને તેના ઓટીપી મેસેજ મારા મોબાઈલ પર આવ્યા નહોતા. ભેજાબાજે નેટબેકિંગથી સત્વ મેડીકેરના બે એકાઉન્ટ તથા ડો. નીતિનના સેવિંગ એકાઉન્ટ એમ ત્રણ બેન્ક ખાતામાંથી કુલ 21.07 લાખની ઉઠાંતરી કરી લીધા હતા. ડો. નીતિન મિત્તલની ફરિયાદને આધારે સાઈબર ક્રાઈમ (Cyber Crime) પોલીસે તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top