SURAT

સુરતમાં શાકભાજીના વેપારીને રિક્શામાં બેસાડી અજાણ્યાઓ 1.10 લાખ રૂપિયા લૂંટી ફરાર

સુરત: (Surat) સુરતમાં રિક્શામાં (Rickshaw) બેસાડી રૂપિયા લૂટી (Loot) લેવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. કતારગામથી નવસારીમાં કેરીના વેપારીને 1.10 લાખ આપવા જતા શાકભાજીના વેપારીને નશીલી વિમલ ખમડાવીને બે યુવકોએ રૂા.1.10 લાખ કાઢી લીધા હતા. જે અંગે મહિધરપુરા પોલીસમાં (Police) ફરિયાદ નોંધાઇ હતી.

  • રિક્ષાચાલક ટોળકીની નવી કરતૂત : વેપારીને નશીલી વિમલ ખવડાવી 1.10 લાખ ચોરી લીધા
  • સિંગણપોર ચાર રસ્તાથી સુરત બસ સ્ટેશન જવાના રસ્તામાં બે અજાણ્યાઓએ રૂા.1.10 લાખ કાઢી ફરાર થઇ ગયા

પ્રાપ્ત વિગતો મુજબ ડભોલી કતારગામ પાસે ઘનશ્યામનગર સોસાયટીમાં રહેતા ઘુઘાભાઇ પ્રેમજીભાઇ ચુડાસમા શાકભાજીનો વેપાર કરે છે. ઘુઘાભાઇએ નવસારીથી ઉધારીમાં કેરી ખરીદી હતી, જેનું પેમેન્ટ બાકી હોવાથી તેઓએ પોતાની બોલેરો પીકઅપ વાન ઉપર લોન કરાવી હતી. આ લોનના રૂા.2.40 લાખ જમા થયા હતા. ઘુઘાભાઇએ બેંકમાંથી 2.10 લાખ ઉપાડ્યા હતા. તેમાંથી 1 લાખ મોટા પુત્ર અજયને ફોન કરીને બોલાવીને આપી દીધા હતા, જ્યારે બીજા 1.10 લાખ લઇને તેઓ નવસારીમાં કેરીના વેપારીને આપવા માટે નીકળ્યા હતા. ઘુઘાભાઇ સિંગણપોરથી સુરત બસ સ્ટેશન જવા નીકળ્યા હતા અને એક ઓટોરિક્ષામાં બેઠા હતા, થોડે દૂર બીજા બે ઇસમો પણ રિક્ષામાં બેઠા હતા. રસ્તામાં પાંતળા બાંધાના ઇસમે ઘુઘાભાઇને વિમલ ખવડાવી હતી. આ દરમિયાન તેઓ બેભાન જેવા થઇ ગયા હતા.

રિક્શા ચાલકે ઘુઘાભાઇને સ્ટેશન પાસેની મોહન મિઠાઇની દુકાન પાસે રિક્શા ઊભી રાખીને ત્યાં ઉતારી દીધા હતા, ત્યારે એક યુવકે રિક્ષાવાળાને પાંચસોની નોટ આપીને ભાડુ આપ્યું હતું પરંતુ છુટ્ટા ન હોવાથી તે નજીકમાં છૂટા લેવા માટે ગયો હતો. જ્યારે ઘુઘાભાઇએ પણ પોતાના ખિસ્સામાંથી 2 હજારની નોટ કાઢી હતી, પરંતુ રિક્ષાચાલકની પાસે છુટ્ટા ન હોવાથી ઘુઘાભાઇને છુટ્ટા લેવા મોકલ્યા હતા. તેઓએ પરત આવીને રિક્ષાચાલકને ભાડુ આપીને પોતાની થેલીની કોથળી જોઇ ત્યારે તેમાં રૂા.1.10 લાખ ન હતા. બનાવ અંગે ઘુઘાભાઇએ રિક્ષાચાલકને પુછ્યું હતું, ત્યારે રિક્ષાચાલકે કહ્યું કે, તારી સાથે બેઠેલા બંને યુવકો ચાલ્યા ગયા છે. બનાવ અંગે ઘુઘાભાઇએ મહિધરપુરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top