SURAT

સુરતમાં વરાછા વિસ્તારમાં પહોંચ્યો પોલીસનો કાફલો, આ કારણ સામે આવ્યું

સુરત: (Surat) તહેવારોને ધ્યાનમાં લઈને સુરત પોલીસ (Surat Police) દ્વારા વિવિધ વિસ્તારોમાં કોંબિંગ (Combing) હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે વરાછા વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ સાથે પોલીસ કાફલો પહોંચ્યો હતો. આજે વરાછા વિસ્તારમાં પોલીસના ઉચ્ચ અધિકારી વિવિધ વિસ્તારોમાં ટીમ (Team) લઈ પહોંચ્યા હતા. ખાસ કરીને મોટા વરાછા, એ.કે. રોડ પર પોલીસે કોમ્બિંગ હાથ થર્યું હતું.

છેલ્લા કેટલાક સમયથી વરાછામાં થઈ રહેલી અસામાજિક પ્રવૃત્તિ તેમજ લેડી ડોનના ત્રાસને લઈને લોકો પરેશાન છે. એવામાં હોળી ધૂળેટીના તહેવારોમાં શાંતિ જળવાઈ રહે તે કારણે વરાછા પોલીસની ટીમે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ થર્યું હતું. પીઆઇ એસીપી અને ઝોન વનના ડીસીપી સહિતના અધિકારીઓએ બાઇક લઈ સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. વરાછા વિસ્તારના અશ્વની કુમાર રોડ તેમજ રેલવે ટ્રેક પાસે આવેલ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતુંં. સાથે સાથે સમગ્ર વિસ્તારમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓની તપાસ કરવામાં આવી હતી.

મોટા વરાછામાં કરોડો રૂપિયાની સરકારી જમીન પર દબાણ થતાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ
સુરત: મોટા વરાછામાં કરોડો રૂપિયાની સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરી તેના પર દુકાન ઠોકી બેસાડનારા સામે લેન્ડ ગ્રેબિંગ રેવન્યુ એક્ટ અન્વયે ઉત્રાણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે દિલીપ શંકર પટેલ (ઉં.વ.61) (રહે., મોટા વરાછા, ખરી ફળિયું) સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમાં દિલીપ પટેલ દ્વારા સરવે નં.473, ટી.પી. નં.18, મોટા વરાછા, ફાઇનલ પ્લોટ નં.92માં સરકારની કુલ 25,293 ચોરસ મીટર જમીન નોંધાયેલી છે, એ જમીન પૈકી 2190 ચોરસ મીટર જમીન પર કબજો કરી તેમાં દુકાનો તાણવામાં આવી છે.

આ ઉપરાંત આ જમીન પર આવેલી દુકાનોમાંથી દિલીપ પટેલ ભાડું મેળવી રહ્યો છે. આ મામલે સરકારની જમીન પર ગેરકાયદે કબજો કરી આર્થિક નુકસાન પહોંચાડવા બદલ દિલીપ પટેલ સામે લેન્ડ ગ્રેબિંગ રેવન્યુ એક્ટ અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા હાલમાં જમીનમાં ગેરકાયદે દબાણ કરતાં તત્ત્વોને નશ્યત કરવા માટે પોલીસને આદેશ અપાયા છે. દરમિયાન આ મામલે રેવન્યુ કચેરી અને પોલીસે આક્રમક વલણ અપનાવી કાર્યવાહી શરૂ કરી છે. તેમાં પ્રતિદિન સુરત શહેરમાં ચારથી પાંચ ફરિયાદો દાખલ કરી છે.

Most Popular

To Top