SURAT

યુવાનોને વેશ્યાવૃત્તિના રવાડે ચઢતા અટકાવવા સુરત પોલીસે શરૂ કર્યું આ કામ

સુરત: (Surat) ડાયમંડ અને ટેક્ટાઈલ સિટીમાં (Diamond And Textile City) ડ્રગ્સના વધતા ચલણ સામે પોલીસ કમિશનરે (Police Commissioner) ‘નો ડ્રગ્સ ઇન સિટી’ ઝુંબેશ ચલાવી ઘણાં અંશે કંટ્રોલ મેળવ્યો છે. તેવી જ રીતે હવે તેમની નજર યુવાધનને વેશ્યાવૃત્તિના રવાડે ચઢતા અટકાવવા માટે ઝુંબેશ હાથ ધરી છે. અને આ ઝુંબેશની કમાન તેમણે શહેરની ચાર મહિલા શક્તિઓને સોંપી છે. ક્રાઈમ બ્રાંચ ડીસીપીની દેખરેખમાં 3 મહિલા એસીપીની ટીમ શહેરમાં ચાલતા કુટણખાના હોય કે સ્પાની આડમાં ચાલતા દેહવેપારના ધંધા હોય તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે. જેના પરિણામે છેલ્લા દોઢ મહિનામાં પોલીસે 21 કેસ કરીને કુલ 55 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 25 વિદેશી અને 51 ભારતીય મળીને કુલ 75 મહિલાઓને મુક્ત કરાવી છે.

  • કમિશનર તોમરની મહિલા શક્તિ ટીમ યુવાનોને વેશ્યાવૃત્તિના રવાડે ચઢતા અટકાવવા સજ્જ
  • સ્પાની આડમાં ચાલતા કુટણખાના ઉપર ડીસીપી રૂપલ સોલંકી, એસીપી બિશાખા જૈન, શ્વેતા ડેનિયલ અને કે.મીની જોસેફની બાજ નજર રહેશે
  • શહેર પોલીસે અભિયાનમાં દોઢ મહિનામાં 21 સ્પા ઉપર દરોડા પાડી 55 ની ધરપકડ કરી
  • 25 વિદેશી અને 51 ભારતીય મહિલાઓને મુક્ત કરાવી

શહેરમાં છેલ્લા ઘણા સમયથી સ્પાની આડમાં ચાલતા દેહવેપારના ધંધા વધી ગયા છે. પોલીસ કમિશનર અજયકુમાર તોમર તેમની આગવી કામગીરીથી ઓળખાય છે. તેમના દ્વારા શહેરમાં ‘નો ડ્રગ્સ ઇન સિટી’ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેના કારણે શહેરમાંથી ડ્રગ્સ માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યારબાદ વ્યાજખોરોની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યાં બીજી બાજુ ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતી ગેંગની સામે ગુજસીટોકનું હથિયાર ઉગામી કાર્યવાહી કરવામાં આવી હતી. હવે તેમનું ધ્યાન શહેરમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના ઉપર પડી છે. તેમણે શહેરના યુવાધનને આ રસ્તે રોકવા તમામ સ્પાની સામે કડકરાહે કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી કરવા માટે અજયકુમાર તોમરે નારી શક્તિને કામગીરી સોંપી છે. ક્રાઈમ બ્રાંચની ડીસીપી રૂપલ સોલંકીના નેતૃત્વમાં ઇન્વેસ્ટિગેટીવ યુનિટ ફોર ક્રાઈમ અગેઈન્સ્ટ વુમન (આઈયુસીએડબલ્યુ) ની એસીપી શ્વેતા ડેનિયલ, મહિલા સેલની એસીપી કે.મીની જોસેફ અને એન્ટી હ્યુમન ટ્રાફીક યુનિટની એસીપી બિશાખા જૈન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

શહેરમાં દોઢ મહિનામાં સ્પા ઉપર થયેલી કાર્યવાહી
શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સૌથી વધારે 8 કેસ ઉમરા પોલીસ સ્ટેશનમાં કરાયા છે. આ સિવાય વરાછા, ગોડાદરા, મહિધરપુરામાં 1-1 કેસ, અઠવામાં 2, અલથાણમાં 2, અડાજણમાં 3 મળીને કુલ 21 કેસ કરાયા છે. જેમાં કુલ 67 આરોપીઓની સંડોવણી સામે આવી છે. પોલીસે તે પૈકી 55 ની ધરપકડ કરી છે. અને 12 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. આ સિવાય 25 વિદેશી અને 51 ભારતીય મહિલાઓને મુક્ત કરાઈ હતી.

સૌથી વધારે લલનાઓ ઉમરાની હદમાં પકડાઈ
પોલીસે 21 કેસ કરીને 76 લલનાઓને મુક્ત કરાવી હતી. જેમાં 25 વિદેશી અને 51 ભારતીય મહિલા છે. જેમાં ઉમરામાં સૌથી વધારે 19 વિદેશી અને 18 ભારતીય મહિલાઓને મુક્ત કારઈ છે.

યુવાનો અવળા રસ્તે ન ચઢે તે માટે પ્રયાસ રહેશે
પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં ક્યાંય પણ સ્પાના નામે જો દેહવેપારનો ધંધો ચાલતો હશે તો તેની સામે કડક કાર્યવાહી થશે. શહેરનો કોઈપણ યુવાન આવા રસ્તે ન ચઢે તે માટે અમારા પુરેપુરા પ્રયાસ રહેશે. અને હવે પછીથી જો કોઈ પોલીસ સ્ટેશનની હદમાં સ્પાની આડમાં કુટણખાના ઝડપાશે તો તેની જવાબદારી જે તે પોલીસ સ્ટેશનના અધિકારીની રહેશે.

Most Popular

To Top