SURAT

‘સરનામુ જાડેજા બાપુનું છે, સરકારી કુતરાઓને આવવાની મનાઈ છે’ કહી પોલીસને ફટકારાયો

સુરતઃ (Surat) રાંદેર પોલીસ સ્ટેશનના (Police Station) હેડ કોન્સ્ટેબલ (Head Constable) ગઈકાલે સવારે એક આરોપીને સમન્સની બજવણી કરવા ગયા હતા. ત્યારે એપાર્ટમેન્ટની નીચે જ એક જણે રોકીને તને ખબર નથી કે આ સરનામુ જાડેજા બાપુનું છે, અહીં સરકારી કુતરાઓને આવવાની મનાઈ છે, જો આ એપાર્ટમેન્ટમાં કોઈના ઘરે ચઢ્યો તો પતાવી દઈશ તેવી ધમકી (Threat) આપી હતી. અને સાતેક જણા ભેગા થઈને પોલીસ કર્મીને માર માર્યો હતો. રાંદેર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી ચાર જણાની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કરાયા હતા.

  • ટોળાએ પોલીસને ઘેરીને માર મારતા જીવ બચાવી રસ્તા પર ભાગી કંટ્રોલરૂમમાં જાણ કરી
  • પીસીઆરને પણ ઘેરી લેતા વધુ પોલીસ ફોર્સ બોલાવવી પડી હતી
  • રાંદેરમાં કોર્ટનું સમન્સ બજાવવા ગયેલા હેડ કોન્સ્ટેબલને ઘેરી માર મરાયો

રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ મકવાણાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં સાત જણા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ કલ્પેશભાઈ સમન્સ બજવણીનું કામ કરતા હતા. ગઈકાલે સરકારી બાઈક ઉપર સમન્સની બજવણી કરવા ગયા હતા. પાલનપુર કાતનાકા પાસે કૃપાનિધી એપાટર્મેન્ટમાં રહેતા યશ આદિત્ય શિંદેને પાંચમા એડિશનલ સિવિલ જજ તથા જેએમએફસી સુરત કોર્ટ વતી સમન્સની બજવણી કરવા ગયા હતા. એપાટર્મેન્ટની નીચે સમન્સ લઈને ઉભા હતા. ત્યારે બ્રિજેશસિહ ભરતસિંહ જાડેજા નામનો વ્યક્તિ આવીને ‘શા માટે આવેલા છો’ તેમ પુછતા કલ્પેશભાઈએ સમન્સ બજવણી માટે આવ્યા હોવાનું કહ્યું હતું. બ્રિજેશસિંહે ‘તુ રાંદેર પોલીસ સ્ટેશનનો પોલીસ વાળો છે? તને ખબર નથી કે આ સરનામુ જાડેજા બાપુનું છે. અહી સરકારી કુતરાઓને આવવાની મનાઈ છે. તે તુ જાણતો નથી. જો આ એપાર્ટમેન્ટમાં કોઈના ઘરે ચઢ્યો તો પતાવી દઈશ’ તેમ કહીને બિભત્સ ગાળો આપી હતી. કલ્પેશભાઈએ તેને સમજાવવા પ્રયાસ કરતા બ્રિજેશસિંહે ‘આ સરકારી કુતરો માર ખાધા વગર નહી સમજે ધોકા લાવો’ તેમ કહેતા એપાર્ટમેન્ટમાં હાજર ધર્મેન્દ્રકુમાર દિનેશભાઈ વણજારા, જયરાજસિંહ ભરતસિંહ જાડેજા, સ્વેતાબા ભરસિંહ જાડેજા, બિંજલ પ્રગનેશસિંહ જાડેજા તથા પ્રગનેશસિંહ જાડેજા તથા પ્રિન્સે આવીને બિલ્ડીંગમાંથી જતા રહેવા કહ્યું હતું.

આ બધાએ પોલીસવાળો ‘અહીથી જીવતો ના જવો જોઈએ’ તેમ કહીને ઘેરી લીધો હતો. હેડકોન્સ્ટેબલને ઘેરી માર મારી કપડા ફાડી નાખ્યા હતા. બ્રિજેશે પ્લાસ્ટિકના પાઈપ વડે અને ધર્મેન્દ્રકુમારે બેલ્ટ કાઢી માર્યો હતો. બીજા બે નાસી ગયા હતા. જેથી કલ્પેશ ત્યાંથી બાઈક છોડી લોકોથી બચવા ત્યાંથી દોડી રોડ તરફ ભાગી આવ્યો હતો. અને કંટ્રોલરૂમમાં ફોન કરતા પીસીઆર વાન સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારે બ્રિજેશે તેનો ફોન લઈ લીધો હતો. પીસીઆર વાનના પોલીસ કર્મીઓને પણ ઘેરી લેતા એર મેસેજ કરી બીજો પોલીસ સ્ટાફ બોલાવવામાં આવ્યો હતો. અને બ્રિજેશસિંહ, ધર્મેન્દ્રકુમાર, જયરાજસિંહ, સ્વેતાબા અને બિંજલની ધરપકડ કરી હતી. પ્રિન્સ અને પ્રગનેશસિંહ નાસી જતા તેમને વોન્ટેડ જાહેર કરાયા હતા.

Most Popular

To Top