SURAT

પિતાએ ઘડીક છૂટી મુકતા નરાધમ અઢી વર્ષની બાળકીને ઉઠાવી ગયો, સુરત પોલીસે શોધવા આકાશ-પાતાળ એક કર્યાં

સુરત(Surat) : શહેરના ખટોદરા વિસ્તારમાંથી સોમવારે સાંજે એક બાળકી ગુમ (Missing Baby Girl) થઈ હતી. આ બાળકીને શોધવા માટે પોલીસે 40થી વધુ સીસીટીવી (CCTV) ફૂટેજ ચેક કર્યા હતા અને આખરે બાળકીને શોધી કાઢી હતી. આ સાથે જ આરોપીને (Accused) પોલીસે પકડી (Arrest) પાડ્યો હતો.

  • અઢી વર્ષની બાળકી ગુમ થતાં ખટોદરા પોલીસ દોડતી થઈ
  • પોલીસે 40થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી બાળકીને શોધી
  • બાળકીને ઉઠાવી જનાર પાંડેસરાના 48 વર્ષીય ઈસમ પકડાયો

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ખટોદરામાં રહેતી એક અઢી વર્ષની બાળકી સોમવારે ગુમ થઈ હતી. બાળકીની માતાનું અવસાન થયું છે અને તે પિતા સાથે રહેતી હતી. ભંગારનો વેપાર કરતા પિતા સોમવારે સવારે 7 વાગ્યે પોતાની સાથે લારી પર બેસાડી લઈ ગયા હતા. સવારે 10 વાગ્યાના અરસામાં પિતા પુત્રી જીત ઈન્ડસ્ટ્રીયલ સોસાયટી સામે ખાડી કિનારે રાયકા સર્કલ પાસે પહોંચ્યા હતા. ત્યારે કોઈક કામસર પિતા દીકરીને લારી પાસે મુકીને ગયા હતા. પિતા પરત પહોંચ્યા ત્યારે દીકરી ગૂમ હતી. આસપાસ શોધવા છતાં તે મળી નહોતી. આથી પિતાએ ખટોદરા પોલીસને ફરિયાદ કરી હતી.

માત્ર અઢી વર્ષની ઉંમર ધરાવતી નાની બાળકી ગુમ થવાની ફરિયાદ મળતા પોલીસે તાત્કાલિક એક સર્ચ પાર્ટી બનાવી હતી અને બાળકીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. બાળકીને શોધી કાઢવા પોલીસે જ્યાંથી બાળકી ગુમ થઈ હતી તે વિસ્તારની આસપાસના 40 સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું. બાતમીદારોને પણ કામે લગાડ્યા હતા.

દરમિયાન બાળકી પાંડેસરા પોલીસને મળી આવી હતી. પાંડેસરા પોલીસે બાળકી સાથે એક શખ્સને પકડ્યો હતો. આ શખ્સનું નામ વિક્રમ બડેલાલ યાદવ (ઉં.વ. 48, રહે પંચવટી સોસાયટી પાંડેસરા) હતું. પોલીસે આરોપીને પકડી પાડ્યો છે.
આરોપીની પૂછપરછમાં એવી હકીકત બહાર આવી છે કે બાળકી પોતાની દીકરી જેવી લાગતા આરોપી વિક્રમ બાળકીને પોતાની સાથે લઈ ગયો હતો. જોકે, તેના નિવેદન પર પોલીસને વિશ્વાસ નથી. ખટોદરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે આરોપી બાળકીના પિતાનો પરિચિત હોવાની વિગતો સાંપડી છે.

Most Popular

To Top