SURAT

ઓલપાડના તેના ગામમાં ઝીંગા તળાવો ભાડે આપનારાઓ સામે સુરતના કલેક્ટરની મોટી કાર્યવાહી

સુરત(Surat) : ઓલપાડ (Olpad) તાલુકાના તેના ગામની સીઆરઝેડમાં (CRZ) ગેરકાયદે (Illegal) ફાળવી દેવાયેલા ઝીંગા તળાવો (Shrimp ponds) ભાડે (Rent) ફેરવી રોકડી કરી રહેલા તત્વોની મેલી મુરાદ ઉપર કલેકટર (Collector Surat) આયુષ ઓકે પાણી ફેરવી દીધુ છે. કલેકટરે મંગળવારે ફાળવણી રદ (Allocation canceled) કરી જમીન (Land) સરકાર હસ્તક કરવા હુકમ (Order) ફરમાવી દીધો છે.

  • ઓલપાડના તેનાના બ્લોક નંબર-591 ઉપરના ઝીંગા તળાવો ભાડે અપાતા કલેકટરે ફાળવણી રદ કરી
  • ડુમસના હાદિર્ક પટેલની પચ્ચીસ હજાર રૂપિયે માસિક ભાડે તળાવ આપી રોકડી કરવાની મેલી મુરાદો ઉપર કલેકટરે પાણી ફેરવી દીધું

તેના ગામ તાલુકા ઓલપાડ માં બ્લોક નંબર ૫૯૧ વાળી જમીનમાં મત્સ્યોદ્યોગ માટે તળાવ બનાવવા જિલ્લા કલેકટર દ્વારા જમીન ફાળવણી કરવામાં આવી હતી. જે અંગે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા માસ્ટર મેપિંગ કરાયું હતું. અને આ વિસ્તાર સીઆરઝેડમાં હોવા છતાં અને ફરિયાદો હોય છતાં જિલ્લા કક્ષાની એકવાકલ્ચર સમિતિએ ફાળવણી કરી હતી. આ ફાળવણીવાળી જમીનમાં મેનગૃવના વૃક્ષો વાવેલા છે અને વધી રહેલ વૃક્ષોના પટ્ટા ડેવલપ થયા છે. જેને ભારત સરકારના સીઆરઝેડ જાહેરનામા ૨૦૧૧/૨૦૧૯ ની જોગવાઇઓ અનુસાર પર્યાવણીય રીતે સંવેદનશીલ ક્ષેત્ર CRZ1A તરીકે વ્યાખ્યાયીત કરી દીધા છે. જે મુજબ આવા વિસ્તારમાં કોઈપણ જાતની અન્ય પ્રવૃત્તિ પ્રતિબંધિત છે. આવી જગ્યાઓ ફરતે ફરજિયાત બફર ઝોન રાખવાની જોગવાઈ છે. આ મેગરુવ અને ખાડી વાળી જગ્યાઓ માટે નાયબ વન સંરક્ષક સુરત દ્વારા મેનગૃવનું ઘનિષ્ઠ જંગલ બનાવવા માંગણી કરવામાં આવી હતી.

તેના ગામ ખાતે થયેલ ઝીંગા જમીન ફાળવણી પહેલા આ ફાળવણીના લાભાર્થીઓએ અમુક ગામ બહારના લોકો સાથે મળી ભ્રષ્ટાચાર આચરી ફાળવણી, કલેકટર કચેરીમાં ખર્ચો કરી, પહેલા સોગંધનામું કરી કરાર કરી લીધેલા. જે બાબતે આ વિસ્તારના જાગૃત નાગરિકોએ ગેરકાયદેસર રીતે થયેલા કરાર બાબતે શરતભંગ કરવા જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી જે અન્વયે શરતભંગનો કેસ જિલ્લા કલેકટર કચેરીમાં ચાલ્યો હતો. જિલ્લા કલેકટર આયુષ ઓકે આધાર પુરાવાઓને ધ્યાને લઇ આ કેસમાં ક્લિયરકટ શરત ભંગ ગણી હતી. આ જમીન ફાળવણી રદ કરી તેમને જગ્યા ખાલસા કરી સરકાર હસ્તક કરવા હુકમ કરી દીધો છે. જેને લઇને ઝીંગા ઉછેરકોમાં ભારે ગભરાટ ફેલાઇ જવા પામ્યો છે. તેના ખાતે આખી ઝીંગા ઉછેર જમીન ફાળવણી ખૂબ વિવાદિત અને ગેર કાયદેસર રીતે થયેલી હોવાનું સામે આવ્યુ છે.

આ બાબતે એનજીટી (NGT) કેસ નંબર ઓએ ૮૧/૨૦૨૦ એનજીટી દિલ્હીમાં તા ૩૧-૫-૨૦૨૧ ના રોજ ચુકાદો આપવામાં આવ્યો હતો જેનું પાલન પણ હજી બાકી છે અને કોર્ટના આદેશ અનુસાર ગેર કાયદેસર તળાવો દૂર કરવાની પ્રક્રિયા હજી શરૂ કરવામાં આવી નથી. આમ અસલી ઝીંગા ઉછેર કરતાં આવા તત્વો ગામના આદિવાસીઓ માછીમારોના નામે તેમને ઉલ્લુ બનાવી સરકારી જમીનો તેમના નામે લઈ પોતાનો ધંધો કરે છે સુરત શહેર સહિત ઓલપાડમાં ઠેરઠેર લોકોએ ઝીંગા તળાવો ભાડે ફેરવી સરકારી જમીન ઉપર રોકડી શરુ કરી છે.

ઓલપાડમાં નિવૃત મામલતદારો અને નાયબ મામલતદારોએ પણ ગેરકાયદે ઝીંગા તળાવોમાં કરોડો રૂપિયા બનાવ્યા
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ગેરકાયદે ઝીંગા તળાવોનું મોટુ સામ્રાજ્ય ફેલાયુ છે. ઓલપાડ તાલુકામાં અનેક ગામોમાં ગેરકાયદે તળાવો છે. આ તળાવોમાં મોટાભાગે મોટામાથા છે. આ માથાઓમાં મહેસૂલી શાખામાં ફરજ બજાવી ગયેલા નિવૃત મામલતદાર અને નાયબ મામલતદાર સહિત સ્થાનિક સરપંચો પણ સામેલ છે. કહેવાય છે ઝીંગા તળાવોમાં આ ટોળકીએ કરોડો રૂપિયા રળી લીધા છે. સરકાર આવા માજી સરકારી અધિકારીની સંપત્તિની તપાસ કરાવે તો અઢળક કાળું નાણું બહાર આવી શકે તેમ છે.

કોન કોને તળાવો ફાળવાયા હતા

  • (૧) રાજુભાઈ બાલુભાઈ સુરતી
  • (૨) કિશોરભાઈ હસમુખભાઈ પટેલ
  • (૩) અશોકભાઈ મહાદેવભાઈ રાઠોડ
  • (૪) ગણપતભાઈ બુધાભાઈ રાઠોડ
  • (૫) રાકેશભાઈ ગણપતભાઈ રાઠોડ
  • (૬) ચંદ્રકાંતભાઈ મહાદેવભાઈ રાઠોડ
  • (૭) રમેશભાઈ મહાદેવભાઈ રાઠોડ
  • (૮) રામુભાઈ મહાદેવભાઈ રાઠોડ (ક્રમ નં.૧ થી ૮ તમામ રહે.તેના તા.ઓલપાડ જિ.સુરત)
  • (૯) હાર્દિકકુમાર પ્રવિણભાઇ પટેલ (રહે.ડુમસ રોડ, ONGC કોલોની, મગદલ્લા, સુરત)
  • (૧૦) દેવેન્દ્રભાઇ નગીનભાઇ પટેલ (રહે.કુંભારી તા.ઓલપાડ જિ.સુરત)

Most Popular

To Top