SURAT

સુરતીઓએ સવારે 4 વાગ્યા સુધી નાઇટ મેરેથોનનો જલસો માણ્યો, સહપરિવાર દોડ્યા

સુરત: (Surat) શહેર પોલીસ (Police) અને શહેરીજનો વચ્ચે સેતુ અને સંવાદ જળવાયેલો રહે તે હેતુથી 30મી એપ્રિલે સુરત શહેર પોલીસ દ્વારા સુરત નાઇટ મેરેથોનનું (Night Marathon) આયોજન કરાયું હતું. જેમાં 60 હજાર શહેરીજનોએ 5 કિમી, 10 કિમી અને 21 કિમીની દોડમાં ઉત્સાહપૂર્વક ભાગ લઇ સુરત શહેર પોલીસ અને શહેરીજનો (Citizens) વચ્ચે રહેલા સેતુને વધુ મજબૂત બનાવી દીધો હતો.

સુરત શહેરનાં લોકો ઉત્સવ પ્રિય છે, સુરત શહેર પોલીસ દ્વારા યોજાયેલી આ નાઇટ મેરેથોન મેરેથોન ના રહેતા એક “કાર્નિવલ”બની ગઇ હતી. વીકએન્ડની મજા માણવા નીકળેલા ઘણા લોકો મેરેથોનમાં જેટલા લોકોએ ભાગ લીધો તેથી વધારે લોકો પણ રસ્તાની બંને બાજુ ઊભા રહી મેરેથોન રનર્સને ચીઅર અપ કરી રહ્યા હતાં. સંગીતનાં જલસા સાથે વહેલી સવારે ચાર વાગ્યા સુધી શહેરીજનોએ નાઇટ મેરેથોનનો જલસો માણ્યો અને સુરતને વધુ સલામ, સ્માર્ટ, ફિટ અને ડ્રગ્સ ફ્રી બનાવવામાં શહેરીજનો સુરત શહેર પોલીસ સાથે છે એવો સંદેશો પણ પાઠવ્યો.

સુરત શહેર પોલીસ “નો ડ્રગ્સ ઇન સુરત સિટી”નું કેમ્પેઇન ચલાવી રહી છે, આ કેમ્પેઇન અંતર્ગત શહેરનાં યુવાનોને ડ્રગ્સની બદીથી દૂર રાખવા સુરત શહેરને ડ્રગ્સ મુકત બનાવવા શહેર પોલીસે કમર કસી છે ત્યારે “નો ડ્રગ્સ ઇન સુરત સિટી”કેમ્પેઇનની જાગૃતિ યુવાધન સુધી પહોંચાડવામાં મદદરૂપ નીવડી છે. આ સાથે શહેરને વધુ સલામત અને ફિટ બનાવવાનો ઉદ્દેશ પણ જન-જન સુધી પહોંચ્યો. જાણીતા ઉદ્યોગપતિઓ અને શહેરનાં પ્રોફેશનલ્સે આ નાઇટ મેરેથોનને સફળ બનાવવામાં પોતાનો સાથ-સહકાર આપ્યો એ બદલ સુરત શહેર પોલીસ કમિશનર અને પોલીસે એમનો આભાર વ્યક્ત કર્યો હતો.

સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 100 કરોડની ગ્રાન્ટ ફાળવાશે
ગૃહ રાજયમંત્રીએ જણાવ્યું હતું કે, આજે સુરતીઓ વિશ્વાસ, ઉમંગ અને શહેરને ડ્રગ્સ ફ્રી કરવાના સંકલ્પ સાથે દોડી રહ્યા છે. વિકાસ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને સ્વચ્છતામાં સુરતે દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેમણે આગામી દિવસોમાં સ્પોર્ટ્સને લગતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધા અને તાલીમ માટે ૧૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે એવી પણ જાહેરાત કરી હતી.

મેરેથોનમાં સુરતીઓ ઉત્સાહભેર સહપરિવાર દોડ્યા
મેરેથોનમાં 60 હજાર જેટલા સુરતીઓએ ભાગ લીધો હતો. જેમાં યુવાનોથી લઈ વૃદ્ધો સુધી તમામ નાઈટ મેરેથોનમાં જોડાયા હતા. તેમા એક દંપત્તિ તેમના નાના બાળકને બેબી સીટરમાં લઈને પહોંચ્યા હતા. ઘણા લોકો તેમના બાળકોને પણ આ મેરેથોનમાં લઈ આવ્યા હતા. કોરોનાકાળ પછી પહેલી વખત શહેરમાં મેરેથોન જેવી ઇવેન્ટ યોજાઈ હતી. તેમાયે પોલીસ દ્વારા યુવાધનને ડ્રગ્સ મુક્ત કરવા માટેના પ્રયાસના સ્વરૂપે આ મેરેથોન યોજાતા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Most Popular

To Top