SURAT

ગૌરવ કરવા જેવી વાત: ઇન્ડિયન નેવીના ભવ્ય ઇતિહાસમાં હવે સુરતનું નામ પણ જોડાશે

સુરત: ઇન્ડિયન નેવીના (Indian Navy) ભવ્ય ઇતિહાસ સાથે સૂર્યપુત્રી તાપી નદીના (Tapi River) કિનારે વસેલું શહેર સુરતનું (Surat) નામ પણ જોડાવા જઈ રહ્યું છે. સુરતનું ગૌરવ વધારતા હેવાલો જણાવે છે કે, ભારતના સૌરક્ષણ મંત્રાલયે 7400 ટન વજન ધરાવતા ચોથા અને અંતિમ યુદ્ધ જહાજ (નવા યુદ્ધ જહાજ)નું નામકરણ INS-SURAT રાખવાની જાહેરાત કરી છે. પ્રોજેકટ 15-B હેઠળ 17 મેના રોજ મુંબઈના મઝગાવ ડોકયાર્ડ ખાતે INS-SURATનું લોન્ચિંગ થશે. INS-SURAT પહેલા 3 યુદ્ધ જહાજના નામ INS વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ), INS પારાદીપ (ઓડિશા) અને INS ઇમફાલ (મણિપુર) રાખવામાં આવ્યું છે. મઝગાવ ડોકયાર્ડ લિમિટેડ નામની ભારત સરકારની કંપની 19 જુલાઈ 2018 થી મઝગાવ ડોક્યાર્ડમાં આ યુદ્ધજહાજ તૈયાર કરી રહી હતી. જેનું લોન્ચિંગ 17 મેના રોજ થશે એવી માહિતી સોશ્યલ મીડિયામાં (ટ્વીટ કરી) ઇન્ડિયન નેવીના ભૂતપૂર્વ પીઆરઓ. કેપ્ટન ડીકે. શર્માએ આઈએનએસ સુરતની તસ્વીર સાથે રજૂ કરી છે.

INS સુરત નામ શા માટે અપાયું? શું તે સુરતીઓને જોવા મળશે?
ઇન્ડિયન નેવીએ ભારતના કોસ્ટલ એરિયા અને પોર્ટ ધરાવતા શહેરોના નામે INS સિરિઝના યુધ્ધ જહાજોના નામ રાખવાની નીતિ બનાવી છે. અને એ રીતે નામકરણ કરવાનો ડિફેન્સ ડિપાર્ટમેન્ટે નવો ક્રાઇટેરિયા બનાવ્યો છે. INS-SURAT પહેલા 3 યુદ્ધ જહાજના નામ INS વિશાખાપટ્ટનમ(આંધ્રપ્રદેશ), INS પારાદીપ (ઓડિશા) અને INS ઇમ્ફાલ (મણિપુર) રાખવામાં આવ્યા હતાં. INS સુરત નેવીના પ્રોજેકટ 15- B હેઠળનું ચોથું અને અંતિમ જહાજ છે. જે વિશાખાપટ્ટનમ ખાતે તહેનાત કરવાનું આયોજન છે. સુરતના નામનું યુદ્ધ જહાજ INS સુરત સુરતીઓને અરબી સમુદ્રમાં જોવા મળશે કે કેમ એને લઈને સોશ્યલ મીડિયામાં ચર્ચા ઉપડી છે કારણ કે એ સુરતમાં તહેનાત થવાનું નથી.

શું વિશેષતાઓ છે INS સુરતની?
INS સુરત 7400 ટન વજન ધરાવતું યુદ્ધ જહાજ છે. જેની લંબાઈ 163 મીટર(553 ફૂટ), બીમ 17.4 મીટર(57 ફૂટ), ડ્રાફ્ટ 6.5 મીટર(21 ફૂટ) છે. જહાજમાં 9900 HPનું ડીઝલ એન્જિન છે. WCM-1000 જનરેટર સાથે કલાકના 56 કિલોમીટર (30 નોટિકલ) કાપવાની સ્પીડ છે. 4 ઇન્ટર સેપ્ટર બોટ સાથે 4600 મીટર સુધીની ફાયર ક્ષમતા ધરાવે છે. જહાજમાં નેવીના 50 અધિકારી અને 250 સૈનિકો તહેનાત થઈ શકે છે. લાંબો સમય રહી શકે છે. આ યુદ્ધજહાજથી સરફેસ ટુ એર બારાક -8 મિસાઈલ, બ્રહ્નમોસ મિસાઈલ છોડી શકાય છે. એ ઉપરાંત RBU – 6000 એન્ટી સબમરીન રોકેટ લૉન્ચર પણ છોડવાની સુવિધા છે. OTO મેલારા 76 MM નવલ ગન્સ,AK-630 સ્ટેબીલાઈઝ રિમોટ ગનથી ગન ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે. યુદ્ધજહાજના અપર ફ્લોર પર ફ્લાઈટ ડેક અને હેલિકોપ્ટર હેંગરની સુવિધા રાખવામાં આવી છે.

Most Popular

To Top