Columns

ખુશ રહેવાનો કીમિયો

એક વિચારકને એક યુવાને આવીને પૂછ્યું, ‘તમે મહા જ્ઞાની છો અને હંમેશા ખુશ દેખાવ છો.સામાન્ય ઘર,સામાન્ય કપડાં છે.જે લોકો આવે તેમને પ્રેમથી આવકારો છો,તેમના પ્રશ્નોના જવાબ પણ વિના મૂલ્યે આપો છો.શું તમને તમારા આ અદ્ભુત જ્ઞાનની મદદથી વધુ પૈસા મેળવી વધુ ને વધુ સુખ સુવિધા મેળવવાનું મન નથી થતું?’ વિચારકે હસીને કહ્યું, ‘યુવા દોસ્ત, હું તો  જે પરિસ્થિતિમાં હોઉં ખુશ જ રહું છું.તું મારી સુખ સુવિધાની ચિંતા છોડ.બીજો કોઈ તારો પ્રશ્ન હોય તો પૂછ?’ યુવાને કહ્યું, ‘સાહેબ, મારે તમારી પાસેથી એ જ જાણવું છે કે હંમેશા ખુશ રહેવા શું કરવું જોઈએ.

ખુશી કાયમ માટે મળી જાય તેવો કોઈ કીમિયો બતાવો.’ વિચારક ફરી હસ્યા અને બોલ્યા, ‘વાહ દોસ્ત, સરસ પ્રશ્ન પૂછ્યો છે. મારી પાસે ચોક્કસ એક અચૂક કીમિયો છે જેનાથી હંમેશ માટે મન ખુશ જ રહે.’યુવાન અને બાકી હાજર રહેલા બધા જ તે કીમિયો જાણવા ઉત્સુક બન્યા. વિચારક બોલ્યા, ‘જીવનમાં ખુશ રહેવાનો કીમિયો અજમાવવા અને તેની અસર માટે તારે માત્ર ત્રણ જ કાર્ય કરવાના છે….’અધીરો યુવાન વચમાં જ બોલ્યો, ‘ત્રણ શું, ત્રીસ કામ કરી નાખીશ. આપ કીમિયો બતાવો..’

વિચારક બોલ્યા, ‘ખુશ રહેવા માટે સૌથી પહેલાં મારું જીવન આવું હોવું જોઈએ…..આવું ઘર …આવી ગાડી ….આવા મિત્રો ..આવી ફેમીલી …આવું કેરિયર ….એ જેટલા પણ વિચારો કે માપદંડ કે સપનાઓ હોય તે બધાનું જ પોટલું વાળીને દરિયામાં પધરાવી દેવાનું છે.સૌથી પહેલાં જિંદગીને લઈને શણગારેલાં બધાં મોટાં મોટાં સ્વપ્નોને જોવાનું છોડી દે અને બીજું કાર્ય છે આજુબાજુ નજર દોડાવીને સગાંવ્હાલાં, મિત્રો,પડોશીઓ,કે અન્ય બીજા પાસે છે તેના કરતાં મારી પાસે ચઢિયાતું અને વધારે હોવું જોઈએ તેવી મનની લાગણીને દિલ અને દિમાગમાંથી કાઢી નાખવી જરૂરી છે.

એટલે કે બીજા જોડે તમારા જીવનની સરખામણી કરવાનું આજથી જ બંધ કરી દે અને કદાચ આ બે કામ કરવા અઘરા છે;પણ ત્રીજું કાર્ય તો સહેલું છે.જીવનમાં જે પણ કંઈ મળ્યું છે તે બધાને પ્રેમ કર …સ્વીકાર કર …જાતને પ્રેમ કર અને તને જે કંઈ પણ મળ્યું છે તે માટે ભગવાનનો આભાર માન.જે કંઈ પાસે છે તેનો ઉત્સવ કર અને તેને ઉજ્વ.બસ, જો આ ત્રણ કાર્ય કરી લઈશ તો જીવનમાં માત્ર ખુશી જ રહેશે.ક્યારેય દુઃખનો કોઈ ભાવ મનમાં આવશે જ નહિ.નથી એનું દુઃખ ભૂલીને પાસે જે છે તેને ચાહો ..પ્રેમ કરો તેનો આનંદ લો અને મોજમાં રહો.’વિચારકે યુવાનને ખુશ રહેવાનો કીમિયો સમજાવ્યો.  
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top