SURAT

સુરતમાં ક્રાઈમ બ્રાન્ચે લાંબા સમય પછી 12 લાખનો દારૂ પકડ્યો, આ છે તેની પાછળનું કારણ

સુરત: (Surat) શહેરમાં દારૂની (Liquor) રેલમછેલ છે, તેમાં ડીસીબી (DCB) જેવી એજન્સીઓના જમાદારોનો મોટો કાફલો આ ધંધામાં સંકળાયેલો હોવાના આક્ષેપ છે. દરમિયાન ડીસીપી રૂપલ સોલંકીએ આખરે ડીસીબીનો હવાલો પોતાના હાથમાં લઇ બાર લાખનો દારૂ (Alcohol) પકડી પાડતાં વિવાદી જમાદારોમાં સોપો પડી ગયો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવતી દારૂની રેડ હંમેશાં શંકાસ્પદ રહી છે. અલબત્ત, ડીસીપી રૂપલ સોલંકીના આગમન પછી હવે શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) લાંબા સમય પછી બાર લાખનો દારૂ પકડ્યો છે.

  • ગૃહમંત્રીથી ગભરાયેલા ક્રાઇમ બ્રાન્ચે ચામડી બચાવવા માટે બાર લાખનો દારૂ પકડ્યો!
  • ડીસીપી રૂપલ સોલંકી મેદાનમાં આવતાં ક્રાઇમ બ્રાન્ચના વિવાદી જમાદારો દોડતા થઈ ગયા
  • ચોક પીઆઇ ચૌધરી ઉપર સસ્પેન્શનની તલવાર વીંઝાવાની શક્યતા

ક્રાઇમ બ્રાન્ચના ચોક્કસ જમાદારો અને એક દાયકાથી માત્ર દારૂની ખેપની સોપારી ફોડતા જમાદારોના વળતા પાણી શરૂ થયા છે. ક્રાઇમ બ્રાન્ચના ભ્રષ્ટ જમાદારોની નોંધ ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા લેવામાં આવી છે. દરમિયાન ડીસીપી દ્વારા બાર લાખનો દારૂ પકડવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે. કતારગામ ગોટાલાવાડી સર્કલ પાસે આવેલા જીતુ માલિયાના અડ્ડા પર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં 12 લાખનાં બિયર, વિદેશી દારૂ અને પાંચ લાખની આઇશર મોટર સાથે કુલ 17 લાખની મત્તા સીઝ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. આ મામલે કતારગામ પીઆઇ બી.ડી.ગોહિલ પર તપાસનાં ચક્રો ગતિમાન થયાં છે.

ગૃહ મંત્રાલયે ડીસીબી અને પીસીબી તથા એસઓજીમાં જ ફરજ બજાવતા વિવાદી કોન્સ્ટેબલોની યાદી માંગી
ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિવાદી જમાદારોને હડસેલવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. તેમાં છેલ્લા દાયકાથી જે જમાદારોએ માત્ર એસઓજી, પીસીબી અને ડીસીબીમાં જ ફરજ બજાવી છે તેવા લોકો સામે હવે કાર્યવાહીની તલવાર વીંઝાવાની શક્યતા છે. પચ્ચીસ કરતાં વધારે કોન્સ્ટેબલો એવા છે, જેણે છેલ્લા દાયકા કરતાં વધારે સમય મલાઇદાર જગ્યાઓમાં જ ફરજ બજાવી છે.

ચોક બજાર પીઆઇ ચૌધરી સસ્પેન્ડ થાય તેવાં ભણકારા
કમિ.અજય તોમર દ્વારા ચોક બજાર ખાતે નરેશના દારૂના અડ્ડા પરથી લાખોનો જથ્થો પકડવામાં આવ્યા બાદ આ મામલે ઇન્કવાયરી શરૂ કરવામાં આવી છે. તેમાં ચોક બજાર પીઆઇ ચૌધરી પર સસ્પેન્શનની તલવાર તોળાઇ રહી છે.

Most Popular

To Top