SURAT

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા: 2 લાખ દીવડા સુરતના જહાંગીરપુરા રામમઢી ઓવારાને દીપાવશે

સુરત: (Surat) સુરતમાં અયોધ્યા ખાતે રામમંદિરની (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે અનોખા કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. આ નિમિત્તે જહાંગીરપુરાના રામ મઢી ઓવારે સૂર્યપુત્રી તાપી (Tapi) મૈયાની મહાઆરતીની સાથે 2 લાખથી વધુ દીવડાઓ પ્રજ્વલિત થવાથી આખે આખો ઓવારો રોશનીથી ઝગમગી ઉઠશે. શહેરની ”તાપી નમસ્તુભ્યમ” સંસ્થા તાપી નદીના ઘાટ ઉપર વિશેષ કાર્યક્રમનું આયોજન કરશે. આ કાર્યક્રમમાં બે લાખથી પણ વધુ દીવડાઓથી તાપી આરતી ઘાટને શણગારવામાં આવશે. આ ઉપરાંત આતશબાજીનો ક્રેકર શો પણ રાખવામાં આવ્યો હોવાનું કોર્પોરેટર અને આયોજક કૃણાલ સેલારે જણાવ્યું હતું. ભાવિકો દ્વારા દીવડાઓ લઈને તાપી માતાની આરતી કરવાની સાથે સાથે આ દિવસને યાદગાર બનાવવામાં આવશે.

મહાનગર પાલિકાના સફાઈકર્મીઓ, કારસેવકોનું સન્માન કરાશે
દેશમાં સુરત શહેરને સ્વછતામાં પ્રથમ ક્રમાંક અપાવનાર સુરત મહાનગર પાલિકાના સુરત શહેરના સફાઈ કર્મચારીઓનું તેમજ સુરતથી ગયેલા રામ લલ્લાના કાર સેવકોનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત ઓવારા ઉપર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

ક્રેકર્સ શો આકર્ષણનું કેન્દ્ર બનશે
સાંજના સમયે તાપી નદીની વચોવચ બોટ મારફતે આતશબાજીનો ક્રેકર શો પણ અનેરું આકર્ષણનું કેન્દ્ર બની જશે. વધુમાં કાર્યક્રમમાં આવનારા ભાવિકો દીવડાઓ લઈને તાપી માતાની આરતી કરીને સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવશે.

દ.ગુ. યુનિ.માં રામોત્સવ યોજાયો, 100થી વધુ બહેનોએ હાથ પર પ્રભુ શ્રીરામની મહેંદી મૂકાવી
સુરત: અયોધ્યામાં પ્રભુ શ્રીરામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તે પૂર્વે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભવ્ય રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેના જ એક ભાગરૂપે ‘શ્રી રામનામ મહેંદી’ કાર્યક્રમનું આયોજન ડૉ. યશોધરાબેન ભટ્ટે કર્યું હતું. આ કાર્યક્રમમાં 100થી વધુ બહેનોએ પ્રભુ શ્રીરામની મહેંદી પોતાના હાથ પર મુકાવી હતી. મહેંદી મુકવાનું કાર્ય શ્રીમતી નિમીષાબેન પારેખ અને તેમના સહયોગીઓએ કર્યું હતું. ડો. પારૂલ વડગામાએ આ કાર્યક્રમ માટે પ્રેરણા પુરી પાડવા માટે કુલપતિ ડૉ કિશોરસિંહ ચાવડા, કુલસચિવ ડૉ રમેશદાન ગઢવી અને શ્રી સંજયભાઈ લાપસીવાળાનો આભાર વ્યક્ત કર્યો છે.

Most Popular

To Top