SURAT

સુરત: હજીરામાં આ કંપનીની બહાર રસ્તા પર 4 ફૂટ પાણી ભરાઈ જતા ટ્રેક્ટરમાં બેસાડી લોકોને બહાર કાઢ્યા

સુરત(Surat): સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હજીરા (Hazira) પટ્ટીના ગામોમાં વરસાદની (Rain) ગંભીર અસરો પડી છે. હજીરા વિસ્તારમાં ઠેરઠેર સરોવર જેવો માહોલ જોવા મળ્યો હતો. ચોર્યાસી તાલુકામાં ધોધમાર વરસાદને પગલે હજીરાના મુખ્ય માર્ગ (Road) પર ચાર ફુટ જેટલા પાણી ભરાઇ જતા સેંકડો લોકો ફસાઇ જવા પામ્યા હતા. જેને કારણે લોકોને ટ્રેકટરમાં (Tractor) લઈ જવાની નોબત આવી હતી.

ગુરૂવારે ચોર્યાસી તાલુકામાં પડેલા વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાઇ ગયા હતા. ચોર્યાસી તાલુકામાં ૧૨ કલાકમાં જ ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. બપોરે ૧૨ વાગ્યાથી ૨ વાગ્યા સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને પગલે હજીરા પંથકમાં પાણી ફરી વળ્યા હતા. હજીરા ગામ અને આર્સેલર મિત્તલ કંપની (Arcelor Mittal) પાસે રસ્તા પર ચાર ફુટ જેટલા પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પડી હતી. બાઇક ચાલકોએ આ રસ્તા પરથી પસાર થવું અઘરૂં થતા તેમણે વરસતા વરસાદમાં ટપરીઓ પર આશરો લેવો પડ્યો હતો.

જ્યારે કંપનીના કારીગરો અને કર્મચારીઓને બહાર કાઢવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ચાર વર્ષ પહેલા બનાવવામાં આવેલી રેલ્વે ટ્રેક ઉંચી હોવા ઉપરાંત આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન હોવાના કારણે પાણી ભરાઇ ગયા છે. નવસારીમાં જળસંકટને ધ્યાને રાખીને ભાટીયા ટોલનાકું બંધ કરી દેવામાં આવ્યું હતું. હજીરાથી નવસારી જતા રોડ પરના ઓવરબ્રિજ ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવતા હજીરા વિસ્તારમાં ભારે વાહનોની લાઇનો લાગી ગઇ હતી.

નવસારીના પુર અસરગ્રસ્તોને હેલિકોપ્ટરથી બચાવી સુરત લાવી નવી સિવિલ હોસ્પિ.માં રાખવામાં આવ્યા
સુરત: નવસારીમાં હાલ પૂરની પરિસ્થિતિને પગલે સેંકડો લોકોનું સ્થળાંતરણ કરવામાં આવી રહ્યું છે. પૂરના ઘણા અસરગ્રસ્તો માટે નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં ચોથા માળે ડી-વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. નવી સિવિલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવસારીમાં પૂર અસરગ્રસ્તોને બપોરે સુરત નવી સિવિલ હોસ્પિ.માં લાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માહિતી આપવામાં આવી હતી. નવી સિવિલમાં આરએમઓ કચેરીમાંથી મેડિકલ ઓફિસર ડો.ભરત ચાવડા અને ડો.ભરત પટેલને બે મેડિકલ ટીમમાં સુરત એરપોર્ટ મોકલ્યા હતા. આ ઉપરાંત મનપાના આરોગ્ય વિભાગના બે ડોક્ટરોની મેડિકલ ટીમ પણ એરપોર્ટ પર પહોંચી હતી. બાદમાં નવી સિવિલના કિડની બિલ્ડીંગમાં ચોથા માળે આવેલા ડી-વોર્ડમાં નવસારી પુર અસરગ્રસ્તો માટે તૈયાર કરવામાં આવ્યો હતો. આ વોર્ડમાં મેડિસિન વિભાગના ડોકટરો અને નર્સીંગ સ્ટાફ સહિત અન્ય પેરામેડિકલ સ્ટાફને તહેનાત કરાયા હતા.

Most Popular

To Top