SURAT

સુરતની હીરાની પેઢીનો મેનેજર કિડની વેચી રૂપિયા ચૂકવવા તૈયાર હતો, આપઘાત બાદ ઓડિયો ક્લીપ સામે આવતા મોટો ખુલાસો

સુરત: (Surat) સુરતની હીરાની (Diamond) પેઢીના મેનેજરના (Manager) આપઘાત (Suicide) કેસમાં મોટો ખુલાસો થયો છે. મેનેજરે ઝેરી દવા પી લીધા બાદ તેના સંબંધી સાથે હીરાની પેઢીના શેઠની વાતચીતની એક ઓડિયો રેકોર્ડિંગ ક્લીપ (Audio Clip) સામે આવી છે, તેમાં સ્પષ્ટ થાય છે કે હીરાની પેઢીનો મેનેજર મુકેશ સોજિત્રા માનસિક યાતનામાંથી પસાર થઈ રહ્યો હતો. તે કોઈ અનિચ્છનીય પગલું નહીં ભરે તે માટે આખો દિવસ તેનો સંબંધી તેની સાથે રહ્યો હતો. સંબંધી ઘરે જતો રહ્યો ત્યાર બાદ મુકેશ સોજિત્રાએ ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બન્યા બાદ મુકેશ સોજિત્રાના સંબંધી અને હીરાની પેઢીના શેઠ વચ્ચેની વાતચીતનો ઓડિયો ક્લીપ સામે આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ આંબા તલાવડી પાસે અક્ષરધામ સોસાયટીમાં રહેતો મગન ઉર્ફે મુકેશ કનુ સોજીત્રા મહિધરપુરામાં આવેલી હીરાની પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. ગયા અઠવાડિયે મુકેશે ઘરે આવીને અચાનક જ અનાજમાં નાંખવાનો ઝેરી પાઉડર પી લીધો હતો. મુકેશને તાત્કાલિક વેડ રોડ ઉપરની પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. આ બાબતે મુકેશના મોટાભાઇ કિશોર સોજીત્રાને માહિતી મળતાં તે તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો હતો. મુકેશ થોડો ભાનમાં હોવાથી તેને કિશોરભાઇને કહ્યું કે, મારી ઓફિસમાંથી હીરાની ચોરી અંગે મારા શેઠ વિપુલ મોરડિયાએ મારી ઉપર આક્ષેપ કરી મહિધરપુરા પોલીસમાં બોલાવ્યો હતો.

ઓડિયો ક્લીપ

મહિધરપુરાના પોલીસ કોન્સ્ટેબલ પરબત વાઢેર (આહીર)એ મને પોલીસમથકમાં લઇ જઇ માનસિક ત્રાસ આપ્યો હતો અને ચોરીની કબૂલાત કરાવડાવી રૂ.3.50 લાખ બે દિવસમાં જમા કરાવવાનું દબાણ કર્યું હતું. પોલીસ મથકમાંથી જ મુકેશે તેના પિતરાઇ ભાઇ શાંતિભાઇની સાથે પણ વાત કરી હતી અને સમગ્ર વાત મોબાઇલમાં રેકોર્ડ થઇ ગઇ હતી. બે દિવસમાં સાડા ત્રણ લાખ જમા કરાવવાનું કહી પોલીસ કોન્સ્ટેબલ પરબતે મને જવા દીધો હતો. ડિપ્રેશનમાં આવીને મુકેશે અનાજમાં નાંખવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. દરમિયાન શુક્રવારે મુકેશનું સારવાર દરમિયાન મોત નીપજતાં તેના પરિવારજનોએ સિંગણપોર પોલીસમથકમાં હોબાળો મચાવ્યો હતો. પોલીસે કિશોર સોજીત્રાની ફરિયાદ લઇ હીરાની પેઢીના માલિક વિપુલ મોરડિયા તેમજ મહિધરપુરા પોલીસના કોન્સ્ટેબલ પરબત વાઢેરની સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

દરમિયાન આ કેસમાં હવે કેટલીક ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. જેમાં કથિત રીતે મુકેશના સંબંધી અને હીરાની પેઢીના શેઠ વચ્ચે વાતચીત થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઓડિયો ક્લીપ અનુસાર મુકેશ સોજિત્રા પોતાની કિડની વેચીને પણ શેઠને રૂપિયા ચૂકવવા તૈયાર હતો. મુકેશના સંબંધીએ તેના શેઠ પાસે 15 દિવસની મુદ્દત પણ માગી હતી, પરંતુ મુદ્દત નહીં મળતા અને રૂપિયાની ઉઘરાણી માટે દબાણ વધતા મુકેશે આપઘાત કરી લીધો હતો.

સમસ્ત વિસાવદર તાલુકા પરિવાર દ્વારા ન્યાયની માંગણી
સમસ્ત વિસાવદર તાલુકા પરિવાર દ્વારા આ કેસ સંદર્ભે એક મિટીંગ કરવામાં આવી હતી. મિટીંગ બાત સમસ્ત વિસાવદર તાલુકા પરિવાર વતી પ્રવીણ ભાલાળાએ કહ્યું કે, મુકેશ સોજિત્રા આપઘાત કેસમાં જે પણ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા તે નાની માછલી છે. મોટા માથાઓને બચાવી લેવાયા છે. કસૂરવારોને સજા અને પીડિત પરિવારને ન્યાય મળે તેવી માંગણી અમે કરીએ છીએ.

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ઉચ્ચ તપાસની માગણી
હીરાની પેઢીના મેનેજરના આપઘાત કેસમાં ડાયમંડ વર્કર યુનિયનના સભ્યો મુકેશ સોજિત્રાના પરિવારને મળી સાંત્વના આપી હતી. તેમજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કેસની તપાસ કરાઈ તેવી માંગણી કરાઈ હતી.

Most Popular

To Top