SURAT

સુરતની સિવિલમાં મા-કાર્ડની કામગીરીમાં શિખાઉ કર્મચારીઓને કારણે દર્દીઓને ભારે હાલાકી

સુરત : સિવિલ હોસ્પિટલમાં (Surat civil hospital) મા-કાર્ડ (Maa card) બનાવવાની કામગીરીમાં ટ્રેનિંગ વગરના કર્મચારી (without training employee)ઓ હોવાને કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ કર્મચારીઓ ટેક્નિકલ પ્રોબ્લેમનું કારણ આપીને ઓફિસમાં ગપ્પા મારીને ટાઇમ પાસ કરે છે. આ તમામ સ્ટાફ જાણે કે સિવિલ હોસ્પિટલ તંત્ર ઉપર અહેસાન કરતો હોય તેવી રીતે દર્દીઓ સાથે વર્તી રહ્યા હોવાની પણ બૂમો ઉઠી છે. આ બાબતે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવામાં આવતા તપાસના આદેશો અપાયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ બાયપાસથી માંડીને કેન્સર સહિતની બિમારીઓમાં ગરીબ અને મધ્યમ પરિવારને પાંચ લાખ સુધીની સહાય મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મા-અમૃતમ અને મા-કાર્ડની યોજના બહાર પાડવામાં આવી હતી. સુરત શહેરમાં પ્રાઇવેટ જગ્યા ઉપર મા-કાર્ડ બનાવવાની કામગીરી બંધ કરવામાં આવી હતી. હાલમાં ફક્ત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં જ આ કાર્ડ બનાવવાની કામગીરી થાય છે. ત્યારે મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મા-કાર્ડ બનાવવાની કામગીરી યોગ્ય રીતે થઇ રહી છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં વિવિધ કારણોસર દર્દીઓને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં મા-કાર્ડ બનાવવા માટેના સ્ટાફને પણ ટ્રેનિંગ અપાઇ નહીં હોવાની બૂમો ઉઠી છે. એક તરફ ઓપરેટર કાર્ડ બનાવી રહ્યો હોય છે. સાથે સાથે ફોનમાં વાત પણ કરી રહ્યો હોય છે. આ કારણોસર જ મા-કાર્ડમાં સ્પેલિંગ મીસ્ટેક સહિતની ભૂલો આવી રહી છે. છેલ્લા બે દિવસમાં જ ચારથી પાંચ કેસો આવ્યા હોવાનું ધ્યાન ઉપર આવ્યું છે. મા-કાર્ડમાં સ્પેલિંગ ભૂલ હોવાને કારણે મોટી હોસ્પિટલો કાર્ડ સ્વીકારતી નથી અને દર્દીઓને મોટા ખર્ચાનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે. શનિવારે સવારના સમયે મા-કાર્ડની ઓફિસમાં હાજર સ્ટાફ એકબીજાની સાથે મોબાઇલમાં મશગુલ હોવાની બૂમો પણ ઉઠી છે.

હું તપાસ કરાવું છુ : ડો. રાગીની વર્મા
મા-કાર્ડમાં હાજર સ્ટાફના ઉધ્ધત વર્તન અંગે જ્યારે તેમના ઉપરી અધિકારી ડો. શીતલનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ કોઇ જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રાગીની વર્મા સાથે સંપર્ક કરવામાં આવતા તેઓએ કહ્યું હતું કે, હાલમાં જે ઓફિસ છે તે નાની છે, મોટી ઓફિસ માટે અમારા પ્રયત્નો શરૂ છે. પરંતુ જો કોઇ સ્ટાફ દર્દી કે તેમના સંબંધી સાથે ઉધ્ધતાઇભર્યું વર્તન કરે તે યોગ્ય નથી. સ્પેલિંગમાં મીસ્ટેક આવે તે પણ યોગ્ય નથી અને આ બાબતે હું તપાસ કરાવી લઉ છું.

સ્પેલિંગ મીસ્ટેકથી કાર્ડ સ્વીકારવામાં નહીં આવે તો આરોગ્ય મિત્રનો સંપર્ક કરવા સ્ટાફનો બચાવ

‘ગુજરાતમિત્ર’ દ્વારા તપાસ કરવામાં આવી તો મા-કાર્ડની ઓફિસમાં એક યુવક બેઠો હતો. મા-કાર્ડમાં થયેલી સ્પેલિંગ મીસ્ટેક બાબતે આ યુવકને ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે હાજર યુવકે જવાબ આપ્યો કે, તમે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરી દો, ત્યાં આરોગ્ય મિત્ર નામની ઓફિસ હશે. ત્યાં જે યુવક બેઠો હોય તેની સાથે સમગ્ર સુરતના આરોગ્ય મિત્ર વિજય વાળાની સાથે વાત કરવા કહી દેજો. આ યુવકનો મોબાઇલ નંબર તેમજ તેનું નામ પુછતા હાજર યુવકે જવાબ જ આપ્યો ન હતો. દરરોજ અનેક લોકો આવી રીતે હેરાન થતા હોવાની બૂમો વચ્ચે મા-કાર્ડના સ્ટાફની સામે એક્શન લેવાય તે જરૂરી બની ગયું છે.

Most Popular

To Top