SURAT

સુરત: જહાંગીરપુરા બ્રીજ પર નશાની હાલતમાં બ્લ્યુ બસનો ચાલક મળી આવતા લોકોમાં રોષ

સુરત: સુરત (Surat) સીટી બસ (City Bus) ચાલકો બેફામ થયા હોવાનો વધુ એક વિડીયો (Video) વાઇરલ થયો છે. જહાંગીરપુરા બ્રીજ પર નશાની હાલતમાં બ્લ્યુ બસનો ચાલક મળી આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. સીટી બસ સલામતની સવારીની જગ્યાએ જોખમની સવારી બનતી હોવાનું લોકો કહી રહ્યા છે. જોકે અન્ય વાહન ચાલકોએ બસ થોભાવી પોલીસ બોલાવતા પાલિકાનું BRTS વિભાગ દોડતું થઈ ગયું હતું. શનિવારની રાત્રે બનેલી ઘટના બાદ પોલીસે બસ અને તેના પીધેલ ચાલકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. જહાંગીરપુરા બ્રીજ પર બનેલી ઘટના બાદ ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળ્યા હતા.

જહાંગીરપુરા પોલીસે જણાવ્યું હતું કે, બ્રીજ ઉપરથી રાહદારી નો કોલ મળતા પોલીસ સ્થળ પર ગઈ હતી. બ્લ્યુ બસનો ચાલક બાબુભાઇ લક્ષમણ ભાઈ મચ્છાર (ઉ.વ. 45) રહેવાસી કોસાડ આવાસ નાઓ દારૂ પીધેલી હાલતમાં બસ ચલાવી રહ્યા હતા. કોઈ કારણ સર લોકોએ બસ ઉભી રાખી પીધેલ હોવાનું બહાર આવતા માર માર્યો હતો. જોકે પોલીસ સ્થળ પર પહોંચી જતા ડ્રાઇવર અને બસને પોલીસ સ્ટેશન લવાયા હતા. કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. વધુમાં જણાવ્યું હતું કે લોકોના મારથી ઘવાયેલા બાબુભાઇ ને સારવાર માટે સિવિલ મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેમની પ્રાથમિક સારવાર બાદ પરત પોલીસ સ્ટેશન લવાયા હતા. હાલ તપાસ ચાલી રહી છે.

BRTSના ખપ્પરમાં વધુ એક હોમાયો, માનદરવાજાના બાઈકચાલક યુવકનું મોત
સુરત: બીઆરટીએસ બસે આજે વધુ એક યુવકનો ભોગ લીધો હતો. ઉધનાથી કામ માટે ભેસ્તાન તરફ બાઇક પર જતા યુવકને સિદ્ધાર્થનગર પાસે બીઆરટીએસ બસના ડ્રાઈવરે અડફેટે લેતાં યુવકને ગંભીર ઇજા થઈ હતી. તેને 108માં નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. પિતાના અકાળે મોતથી તેના ત્રણ સંતાનો પિતાની છત્રછાયા ગુમાવી નોંધારા બન્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સલાબતપુરા માનદરવાજા પાસે બંબાગેટની પાસે રહેતો મનોજ બાબુભાઈ ખાડેકર (34 વર્ષ) રીક્ષા ચલાવીને પરિવારનું ભરણ-પોષણ કરતો હતો. પરિવારમાં પત્ની, માતા-પિતા, બે બહેન, એક ભાઈ અને ત્રણ સંતાન છે. સૌથી નાની દીકરી તો માત્ર 7 મહિનાની છે. આજે સવારે મનોજને ભેસ્તાનમાં કામ હોવાથી તે બાઇક લઈને ભેસ્તાન જવા નિકળ્યો હતો. તે સિદ્ધાર્થનગર પાસે પહોંચ્યો ત્યારે બીઆરટીએસ બસ સ્ટેશન પહેલા બીઆરટીએસ બસના ડ્રાઈવરે બેદરકારથી બસ ચલાવીને મનોજની બાઇકને પાછળથી ટક્કર મારી હતી. જેથી મનોજને ગંભીર ઇજા થઈ હતી. તેને 108માં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પાંડેસરા પોલીસે બસના ડ્રાઈર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. પહેલા અજાણ્યા તરીકે મેનોજને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તપાસમાં તેનું નામ મનોજ ખાડેકર હોવાનું ખુલ્યું હતું. થોડા સમય પહેલાં જ મૃતક મનોજ ખાંડેકરે પ્રેમિકા સાથે બીજા લગ્ન કર્યાં હતાં. મૃતક મનોજની બીજી પત્ની સોનીએ કહ્યું કે મનોજ ખાંડેકરે બે વર્ષ પહેલાં પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ મારી સાથે લગ્ન કર્યાં હતાં. મારે માથે દેવું હોવાથી તે માનસિક તણાવમાં રહેતા હતા. ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.

Most Popular

To Top