Surat Main

ખરેખર છાશ ફૂંકીને પીવાના દિવસો આવ્યા: અમૂલ પછી સુમુલે છાશની કિંમતમાં આટલા રૂપિયાનો વધારો કર્યો

સુરત: (Surat) વીજળી અને ડીઝલ-પેટ્રોલના ભાવો કૂદકે ને ભૂસકે વધી રહ્યા હોવાથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવો સતત વધી રહ્યા છે. ટાંચી આવક વચ્ચે સામાન્ય ગરીબ-મધ્યમ વર્ગ માટે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યાં અમૂલ (Amul) ડેરી પછી હવે સુમુલ (Sumul) ડેરીએ 500 મીલી લીટર છાશની (Butter Milk) કિંમતમાં 2 અને લીટરના પેકમાં 4 રૂપિયા ભાવવધારો કર્યો છે.

  • કોલ્ડ સ્ટોરેજ માટે મોંઘી વીજળી, પેકેજિંગ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતાં ભાવ વધારો કરાયો
  • સુમુલે 500 ML છાશની કિંમત 2 રૂપિયા વધારી 15 રૂપિયા કરી
  • શુક્રવારથી સુમુલની છાશનો લીટરનો ભાવ પણ 30 રૂપિયામાં વેચાશે
  • સમુલ રોજ 3.20 લાખ લીટર છાશનું વેચાણ કરે છે

સુમુલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સુમુલ ડેરી નહીં નફો નહીં નુકસાનના ધોરણે છાશનું વિતરણ કરે છે. તાજેતરમાં કોલ્ડ સ્ટોરેજ માટેની વીજળીની કિંમતો વધી છે. પેકેજિંગના ભાવો પણ વધ્યા છે. ડીઝલના ભાવો પણ વધ્યા છે. જેના લીધે છાશની પડતર કિંમત 1.20 રૂપિયા વધી જતાં નુકસાન અટકાવવા સુમુલને નાછૂટકે 500 ML છાશની કિંમત 2 રૂપિયા વધારવી પડી છે. સુમુલ રોજ 3.20 લાખ લીટર છાશનું વેચાણ કરે છે. 15 દિવસ પહેલાં અમૂલ છાશના ભાવો લીટરે 4 રૂપિયા વધારતાં 30 રૂપિયા થયો હતો. આજથી સુમુલની છાશનો લીટરનો ભાવ પણ 30 રૂપિયા થયો છે. સુમુલ ડેરીએ માર્ચ મહિનામાં બે વાર પશુપાલકોને કિલો ફેટ 20 અને 10 રૂપિયાનો ભાવવધારો દૂધની ખરીદી માટે આપ્યો હતો. જો વીજ, પેકેજિંગ અને ડીઝલના ભાવો હજી વધશે તો દૂધ છાશના ભાવો વધી શકે છે.

સ્ટોરેજના અભાવે એક સમયે છાશ ફેંકી દેવાતી હતી
દાયકાઓ પહેલાં જ્યારે પશુપાલકો પાસે સ્ટોરેજ કે ચીલિંગ મશીન ન હતાં ત્યારે છાશ રસ્તાઓ પર ઢોળી દેવામાં આવતી હતી. એ પછી ટેક્નોલોજી વધવા સાથે છાશની કઢી બનાવવાથી લઈ અન્ય વાનગીઓમાં તેનો વપરાશ વધ્યો હતો. ગરમીમાં મસાલા છાશનો વેપાર વધુ રહેતો હોય છે. ઉનાળામાં બપોરના ભોજનમાં છાશ સુરતી-ગુજરાતી પરિવારો માટે અનિવાર્ય બની છે.

Most Popular

To Top