SURAT

દક્ષિણ ગુજરાતના CNG પમ્પ માલિકોની હડતાળ 5 નવેમ્બર સુધી મોકૂફ

સુરત: સુરત (Surat) એન્ડ તાપી (Tapi) ડિસ્ટ્રિક્ટ પેટ્રોલ પંપ ડિલર્સ એસોસિએશન અને સાઉથ ગુજરાત CNG ફ્રેન્ચાઈઝી એસોસિએશન ની સંયુક્ત બેઠકમાં રવિવારે CNG ગેસ વેચાણના કમિશનમાં 2017 થી પેન્ડિંગ વધારો રિલીઝ કરવા અને 10 ટકા વેટ ઘટાડા મુદ્દે 1 નવેમ્બરથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના 300 સીએનજી પંપની (CNG Pump) અચોક્કસ મુદતની હળતાળની જાહેરાત પછી તંત્ર જાગ્યું છે. ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓએ કમિશન મુદ્દે 3 નવેમ્બરે બેઠક યોજી સમાધાન માટે CNG ફ્રેન્ચાઈઝી એસોસિએશનને વિનંતી કરતાં CNG પંપ માલિકો નરમ પડ્યા છે અને 1 નવેમ્બરથી શરૂ થતી હડતાળ 5 નવેમ્બર સુધી મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.

પેટ્રોલ પંપ ડિલર્સ એસોસિએશનનાં પ્રમુખ બચુભાઇ દેસાઈ અને સાઉથ ગુજરાત CNG ફ્રેન્ચાઈઝી એસોસિએશનનાં પ્રમુખ નિરજ પ્રવિણચન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાત ગેસ કંપનીના જવાબદાર અધિકારીએ 3 ઓક્ટોબરે ગેસ વેચાણના કમિશનને લઈ બેઠક માટે બોલાવતાં હડતાળ 5 નવેમ્બર સુધી મોકૂફ રાખવામાં આવી છે. રાજ્ય સરકારનાં અધિકારીઓની સાથે વાત થયા મુજબ હાલમાં મોરબી ખાતે બનેલી આકસ્મિક દુર્ઘટના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને કારણે વહીવટી તકલીફને લીધે 3 નવેમ્બર સુધી કમિશનના મુદ્દે નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવતા હડતાળ મોકૂફ રાખવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ 2017 થી ગેસ સપ્લાય કરતી કંપનીએ ગેસ વેચાણનાં કમિશનમાં વધારો કર્યો નથી.ગયા વર્ષે વધારો આપવાની સહમતી આપ્યાં પછી પણ કમિશનમાં વધારો કર્યો નથી બીજી તરફ ગુજરાત સરકારે CNG ગેસના વેટ દરોમાં 10 ટકા વેટ ઘટાડવાની જાહેરાત કરી હોવા છતાં સરકારી પેટ્રોલિયમ કંપનીઓ 10 ટકા વેટ ઘટાડા મુજબ બિલ આપવાને બદલે હજી 82.16 રૂપિયા કિલોના જુના ભાવે જ પંપ સંચાલકોને બિલ આપી રહી છે. એને લીધે 10 ટકા જેટલી વેટની રકમ જામ રહે છે. કમિશનમાં વધારો નહીં થવા ઉપરાંત પેટ્રોલિયમ કંપનીઓએ વેટ ઘટાડા મુજબનાં બિલ ઈશ્યુ નહીં કરતાં સીએનજી પમ્પ સંચાલકો પર આર્થિક ભારણ વધતાં હડતાળનો નિર્ણય લેવાયો હતો.

ગુજરાત સરકારે CNG પર વેટ 15 નો 5% કર્યો છતાં પેટ્રોલિયમ કંપનીઓ 75.02 રૂપિયાને બદલે 82.16 રૂપિયાનું બિલિંગ મોકલી બાકી 10 ટકા અલગથી સરકાર સામે ક્લેઇમ કરી સ્ક્રુટિનીમાં મેળવવાનું કહે છે.જ્યારે ગુજરાત ગેસ કંપની ફ્રેન્ચાઈઝીને 10 ટકા વેટ ઘટાડા મુજબનું બિલ મોકલી રહી છે.પણ કમિશન ચુકવવામાં ઠાગા થૈયા કરી રહી હોવાનો આક્ષેપ સીએનજી પમ્પ સંચાલકોએ કર્યો હતો. વિધાનસભાની સામી ચૂંટણીએ અચોક્કસ મુદતની હડતાળની જાહેરાતથી સરકારમાં ચેતના જાગતા 250 ઓઇલ માર્કેટિંગ કંપનીઓના સીએનજી પંપ અને 50 ફ્રેન્ચાઈઝી CNG પંપની હડતાળ 5 નવેમ્બર સુધી સ્થગિત કરાઈ છે.

Most Popular

To Top