Sports

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 134 રનથી હરાવ્યું, ક્વિંટન ડીકોકે સદી ફટકારી

લખનઉમાં સાઉથ આફ્રિકા (South Africa) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ કપ (World Cup) ક્રિકેટમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 134 રનથી હરાવ્યું છે. એકાના સ્ટેડિયમમાં ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી 50 ઓવરમાં 7 વિકેટે 311 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા 40.5 ઓવરમાં 177 રન પરજ ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ઓપનર ક્વિન્ટન ડી કોકે સદી ફટકારી હતી. બીજી તરફ કાગિસો રબાડાએ 3 વિકેટ ઝડપી હતી. આ મેચ સાથે જ સાઉથ આફ્રિકા ટીમ ઇન્ડિયાની બરાબર થઈ ગયું છે.

વર્લ્ડ કપની 10મી મેચમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા આમને-સામને હતા. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમની સામે એક મોટું લક્ષ્ય હતું. પીછો કરતી વખતે નસીબ તેની ટીમને અનુકૂળ નહોતું. મેચની બીજી ઇનિંગની 18મી ઓવરમાં કાગિસો રબાડા બોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન માર્કસ સ્ટોઇનિસ સ્ટ્રાઈક પર હતો. ઓવરના બીજા બોલ પર માર્કસ સ્ટોઇનિસે શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના હાથના ગ્લોવ્સ સાથે અથડાયો અને કીપર પાસે ગયો જ્યાં ક્વિન્ટન ડી કોકે બોલ કેચ કર્યો. જોકે દક્ષિણ આફ્રિકાની ટીમની અપીલ છતાં અમ્પાયરે આઉટનો નિર્ણય આપ્યો ન હતો.

અમ્પાયરે નોટ આઉટનો નિર્ણય જાહેર કર્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમે રિવ્યુ લેવાનો નિર્ણય કર્યો અને રિવ્યુમાં જોવા મળ્યું કે બોલ હેન્ડ ગ્લોવ્ઝ સાથે અથડાયો હતો, પરંતુ હેન્ડ ગ્લોવ્ઝ બેટના સંપર્કમાં હતો કે કેમ તે અંગે હોબાળો થયો હતો. નિયમો અનુસાર જો બોલ હેન્ડ ગ્લોવ્સ સાથે અથડાય છે અને હેન્ડ ગ્લોવ્સ બેટના સંપર્કમાં નથી તો ખેલાડીને નોટઆઉટ ગણવામાં આવશે, પરંતુ અંતે સ્ટોઇનિસને આઉટ આપવામાં આવ્યો હતો. જે બાદ સ્ટોઇનિસ ખૂબ જ નિરાશ દેખાતા હતા અને અમ્પાયર સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા. પરંતુ અંતે તેણે મેદાન છોડવું પડ્યું હતું.

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત શાનદાર રહી હતી. કેપ્ટન ટેમ્બા બાવુમા અને ક્વિન્ટન ડી કોક વચ્ચે પ્રથમ વિકેટ માટે 108 રનની ભાગીદારી થઈ હતી. બાવુમા 35 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ડી કોકે બીજી વિકેટ માટે રાસી વાન ડેર ડુસેન સાથે 50 રનની ભાગીદારી કરી હતી. ડુસેન પણ 26 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ડી કોકે તોફાની ઇનિંગ રમી અને 90 બોલમાં સદી ફટકારી. આ તેની ODI કારકિર્દીની 19મી સદી હતી અને આ વર્લ્ડ કપમાં સતત બીજી સદી હતી. ડી કોકે શ્રીલંકા સામે 100 રનની ઇનિંગ રમી હતી.

ડી કોક આઈપીએલમાં લખનૌ સુપરજાયન્ટ્સ તરફથી રમે છે. આ કિસ્સામાં, આ તેનું હોમ ગ્રાઉન્ડ પણ છે. ડી કોકનો આ છેલ્લો વર્લ્ડ કપ છે. આ પછી તે નિવૃત્ત થઈ જશે. આવી સ્થિતિમાં તે આ ટૂર્નામેન્ટને ખાસ બનાવવામાં વ્યસ્ત છે. ડી કોકે 106 બોલમાં આઠ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 109 રનની ઇનિંગ રમી હતી. એડન માર્કરામે 44 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 56 રનની ઇનિંગ રમી હતી. હેનરિક ક્લાસને 27 બોલમાં 29 રન બનાવ્યા હતા. ડેવિડ મિલર 17 રન બનાવીને આઉટ થયો હતો. માર્કો જેન્સેન 26 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલને બે-બે વિકેટ મળી હતી. જોશ હેઝલવુડ, પેટ કમિન્સ અને એડમ ઝમ્પાને એક-એક વિકેટ મળી હતી.

Most Popular

To Top