Dakshin Gujarat

સુરતના આ ગામમાં કાશ્મીરની જેમ બરફ પડ્યો

સુરત, વાંકલ: દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ આફત બનીને આવ્યો છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી વાતાવરણમાં આવેલા પરિવર્તનથી જાણે ચોમાસું બેઠું હોય એવો માહોલ છવાયો હતો.

  • માંગરોળ મોટા મિયાં ખાતે કડાકા ભડાકા સાથે વરસાદ, કરા પડ્યા
  • માંગરોળ અને ઉમરપાડામાં માવઠાને કારણે મગ, ચણા, ઘઉં, તલ અને કેરીના પાકને નુકસાન
  • સોનગઢમાં વીજળી પડવાથી બળદનું મોત, તો ઉચ્છલમાં વીજળી પડતાં શૌચાલયની દીવાલ તૂટી પડી

સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડામાં બુધવારે માવઠું થયું હતું, જેમાં માંગરોળ તાલુકામાં રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં મોટા મિયાં માંગરોળ ખાતે 10થી 15 મિનિટ સુધી કરા સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે નાની ફળી, વાંકલ સહિતનાં ગામોમાં પણ કડાકાભડાકા સાથે વરસાદ થયો હતો. જો કે, વરસાદનું જોર ધીમું રહ્યું હતું. જ્યારે ઉમરપાડામાં કેવડીમાં સાતથી સાડા સાત વાગ્યાના અરસામાં વરસાદ પડતાં નેવીથી પાણી વહેતા થયા હતા. માવઠાને કારણે મગ, ચણા, ઘઉં, તલ અને કેરીના પાકને નુકસાન થતાં ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. તો ઘાસચારો પણ પલળી જતાં પશુપાલકો ચિંતામાં મુકાયા છે.

જ્યારે તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ સહિતના અનેક વિસ્તારોમાં ભારે ગાજવીજ અને મિની વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. ચારેકોર પાણી પાણી થઇ જતાં ચોમાસું બેઠું હોય તેવું ઠંડુંગાર વાતાવરણ ‌સર્જાયું હતું. વીજપ્રવાહ ખોટકાઈ જવાના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બનતાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉચ્છલના કરોડ ગામે ગેનુ વળવીના ઘર પાસે વીજળી પડતાં શૌચાલયની દીવાલ તૂટી પડી હતી. જ્યારે સાગ અને નાળિયેરીનું ઝાડ સળગી ગયું હતું. આ બનાવમાં જાનહાનિ થઇ ન હતી. જ્યારે સોનગઢના ઓટા ગામે ગામઠાણ ફળિયામાં પંચાયત ઓફિસ સામે ગાજવીજ સાથે વરસાદ બાદ પુનિયા ગામીતના ઘરઆંગણે બાંધેલા બળદ ઉપર વીજળી પડતાં બળદનું મોત નીપજ્યું હતું.
ભરૂચ અને અંકલેશ્વર સહિતના ગ્રામ્ય વિસ્તારોના પણ વાતાવરણમાં પલટતાં માવઠું થયું હતું. જ્યારે અંકલેશ્વરમાં કેટલીક જગ્યાએ પતરાં ઊડ્યાં હતાં.

Most Popular

To Top