Surat Main

SMC BUDGET 2021-22: પાલિકા કમિશનરે રજૂ કર્યું 6534 કરોડનું ડ્રાફ્ટ બજેટ, વિકાસના કામો માટે 3009 કરોડની ફાળવણી

સુરત મહાનગર પાલિકાનું વર્ષ 2021-22 (SMC BUDGET 2021-22)નું ડ્રાફ્ટ બજેટ ગુરુવારે પાલિકા કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. કમિશનરે 6534 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. જેમાં વિકાસ કામો (DEVELOPMENT WORK) માટે 3009 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ વર્ષે પણ પાલિકા કમિશનર દ્વારા કર અને દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી જે આ કોરોનાકાળમાં શહેરીજનો માટે રાહતના સમાચાર કહી શકાય. સુરત મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને મેયરની હજી નિમણૂંક થઈ નથી ત્યારે નિમણૂંકની રાહ જોયા વગર શહેર હિતમાં પાલિકા કમિશનરે બજેટનો થાળ તૈયાર કરી દીધો છે. હવે નવનિયુક્ત પદાધિકારીઓ આ થાળમાંથી શું મંજૂર કરે છે અને કયા કામ બાકાત રાખે છે તે જોવું રહ્યું.

પાલિકા કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં મોટા ભાગની જોગવાઈ ગત બજેટમાંથી જ લેવાઈ છે. પાલિકા કમિશનરે કોઈ સોનેરી સપનાઓ ન દેખાડતા વાસ્તવિકતા પર વધુ ભાર મુક્યો છે. તેમણે પાછલા વર્ષોના બાકી કાર્યોને આ વર્ષે આગળ ધપાવવાને વધુ પ્રાધાન્ય આપી વાસ્તવિક બજેટ રજૂ કર્યું છે. જો કે માળખાકીય સુવિધાઓની વાત કરવામાં આવે તો નવા સમાવિષ્ટ વિસ્તારો (NEW AREA DEVELOPMENT) માટે 140 કરોડની ફાળવણી થઇ છે. 2050 સુધીની વસ્તીને ધ્યાને રાખી બહુહેતુક બેરેજનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આઉટર રિંગરોડ માટે કુલ રૂ. 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ શહેરમાં જુદી જુદી જગ્યાએ એર ક્વોલિટી મોનીટરીંગ સિસ્ટમ લાગશે. સુરતની હેરિટેજ (HERITAGE) સાઈટ બ્રિટિશ સિમિટ્રી અને ક્લોક ટાવર જેવી ઇમારતો માટે જાળવણી માટે આ બજેટમાં પ્રથમ વખત જોગવાઈ કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગ માટે 393 કરોડની જોગવાઈ

ગત વર્ષના કોરોના સમયગાળાને ધ્યાને રાખી આ વર્ષે આરોગ્ય ક્ષેત્ર(HEALTH DEPT)ને મજબૂત બનાવવા હેતુથી આરોગ્ય વિભાગ માટે 393 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં સ્મીમેરમાં હોસ્પિટલમાં 150 બેડની જગ્યાએ 250 બેડ ઉપલબ્ધ થશે. ઉપરાંત નવા 42 ક્લિનિક કાર્યરત થશે. સ્મીમેર માટે પણ નવું ટ્રસ્ટ બનશે. શહેરમાં કુદરતી આફતોમાં લોકોને સહાય કરી શકે તે માટે પણ ટ્રસ્ટનું નિર્માણ થશે.

સુરત મનપાઆ વર્ષથી સુએજનું ૫૦ ટકા પાણી ટ્રીમેન્ટ કરીને રિયુજ કરતું દેશનું પહેલું શહેર બનશે. રોબોટથી ગટરની સફાઈનું આયોજન કરવામાં આવશે જેના માટે દરેક જોનમાં રોબોટ મુકાશે. ગટરની ફરિયાદોના નિકાલ માટે સેનીટેશન ઇમરજન્સી રિસ્પોન્સ યુનિટ તૈયાર થશે. ટ્રી ટેડ પાણી ઉધોગોને આપીને મનપા 140 કરોડની આવક કરશે.

શહેરમાં લોકોની સુવિધા હેતુ નવા 6 ગાર્ડન બનશે અને જૂના 21 ગાર્ડનનો વિકાસ કરાશે. સાથે જ શહેરમાં ઠેર-તેહર નોંધનીય 2.5 કરોડ વૃક્ષોનું પ્લાંટેશન થશે. તળાવોના વિકાસ માટે 192 કરોડની જોગવાઇ કરાય છે. નવા 20 હજાર આવાસો બનશે અને આવાસો માટે 453 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે 300 કરોડનું આયોજન

શહેરીજનોને સરળતાથી પરિવહન (TRANSPORTATION) હેતુ શહેરમાં 300થી વધુ ઇલેક્ટ્રિક બસો દોડતી થશે. તેમના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે વધુ 10 કરોડ પબલિક બાઈસીકલ પ્રોજેક્ટ હાથ ધરાશે. અને 1000 પિન્ક રીક્ષા થકી મહિલાઓને આત્મનિર્ભર કરાશે. એસ.વી.એન.આઈ.ટી અને કતારગામ રતનમાલા પાસે ફ્લાય ઓવર બ્રિજ બનશે. જૂના વાહનો ની અવેજી માં હવે ઇલેક્ટ્રિક વાહનો જ લેવાશે.

શહેરમાં શિક્ષણ હેતુ સ્માર્ટ સ્કૂલ બનશે, જેના માટે 25 કરોડની જોગવાઈ છે. ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્કૂલને મદદ કરવા માંગે તો અલગથી એકાઉન્ટ બનશે વિદ્યાર્થી દ્વારા અપાતી સહાયની ડબલ રકમ મનપા ભરશે અને તમામ શાળા ઓમાં અલુમની કમિટી બનશે. ફાયર વિભાગ માટે 43 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેના ઉપયોગથી નવા 13 ફાયર સ્ટેશન ઉપલબ્ધ થશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top