Madhya Gujarat

ડાકોર સહિતના યાત્રાધામ ખાતે સંસ્કૃતમાં સાઇન બોર્ડ મૂકવામાં આવશે

આણંદ : યાત્રાધામ ડાકોર ખાતે આવેલા પ્રવાસન અને યાત્રાધામ વિકાસના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ડાકોર સહિતના યાત્રાધામો પર ગુજરાતી, અંગ્રેજી ઉપરાંત હવે સંસ્કૃતમાં પણ સાઇન બોર્ડ મુકવા સુચન કર્યું હતું. આ ઉપરાંત તેઓએ પવિત્રતા, સ્વચ્છતા, સલામતી અને સગવડતા જળવાય તેના પર ભાર મુક્યો હતો. પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે પ્રવાસન અને યાત્રાધામ  વિકાસના કેબિનેટ મંત્રી પુર્ણેશભાઇ મોદીએ રાજ્યના અન્ય આઠ પવિત્ર યાત્રાધામના જિલ્લાના ઉચ્ચ અધિકારી અને ટ્રસ્ટીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી હતી.

જેમાં પુર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, પર્યાવરણની જાળવણી માટે ઇલેક્ટ્રીક અને ગેસ આધારીત વાહનોના ઉપયોગ વધારવો જોઈએ. આ ઉપરાંત તેઓએ યાત્રાધામમાં અન્ડર ગ્રાઉન્ડ ઇલેક્ટ્રીક વાયરીંગ, ફાયર સેફ્ટી, ઓડીટ, સ્ટ્રીટ લાઇટ, યાત્રાધામોને પ્લાસ્ટીકમુક્ત બનાવવા, યાત્રાધામોમાં ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃતમાં સાઇન બોર્ડ મુકવા ભલામણ કરી હતી. સાથોસાથ યાત્રાધામોની મોબાઇલ એપ્લીકેશન ઉપર ભાર મુક્યો હતો. તેઓએ યાત્રાધામની અલગ ઓળખાણ ઉભી કરવા અને યાત્રાળુઓની સગવડતા ઉત્તમ પ્રકારની બનાવવા અને ગુજરાતના યાત્રાધામો ઉચ્ચકક્ષાનો સર્વાગી વિકાસ થાય તેમજ પ્રવાસન સ્થળોનો પણ વિકાસ થાય તે  માટે જણાવ્યું હતું.

Most Popular

To Top