SURAT

શેખપુરમાં સાસરિયાના ત્રાસથી પરિણિતાએ ઝેરી પાઉડર પી લીધો

સુરત: શહેરના શેખપુર (Shekhpur) ગામમાં એક ચોંકાવનારો (Shocking) બનાવ બન્યો હતો. ગામમાં એક પરિણીતાએ પોતાના મોબાઈલ ફોનમાં (Mobile Phone) ફેસબુક (Facebook), વોટ્સએપ (WhatsApp) જેવી એપ ડાઉનલોડ કરી હતી. જેના કારણે પતિ, સાસુ અને દેરાણીએ ઝઘડો (Fight) કરીને પરિણીતાને ત્રાસ આપ્યો હતો. ત્યાર બાદ આખરે પરિણીતાએ કંટાળીને અનાજમાં નાંખવાનો પાઉડર પીને આપઘાત (Suicide) કરવાની કોશિશ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ પીડિત પરિણીતા મૂળ ભાવનગર જિલ્લાના દેવણીયા ગામના વતની છે. તેમજ હાલ કામરેજના શેખપુર ગામે અક્ષરવિલા સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહે છે. પીડિત પરિણીતા ઘરતીબેનના ત્રીજીવારના લગ્ન 2022માં સાગર ડાહ્યાભાઈ વનરા સાથે થયા હતા. શેખપુર ખાતે ધરતીબેન પરિવાર સાસુ ભાવનાબેન, સસરા ડાહ્યાભાઈ ધરમસિંહ વનરા, દિયર સંદીપ, દેરાણી પાયલબેન તેમજ દાદા સસરા ધરમસિંહભાઈ કાનજીભાઈ વનરા સાથે સયુંકત પરિવારમાં રહેતી હતી.

લગ્નના બે-ત્રણ મહિના બાદ સાસુ, દેરાણી અને પતિ ઘરના કામ માટે વારંવાર બોલી એક કામ બે વાર કરાવતા હતાં આમ આ રીતે સાસરીયાઓ પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. તેમજ તેમને પોતાના માતા પિતા તેમજ ભાઈ સાથે ટેલીફોન પર વાતચીત કરવાની ના પાડતા હતાં. તેમજ બોલાચાલી કરી ઝઘડો કરતા હતા.

દસેક દિવસ અગાઉ ધરતીબેને મોબાઈલ ફોનમાં ફેસબુક, વોટસએપ, ઈન્સ્ટ્રાગ્રામ ડાઉનલોડ કરતા પતિ, સાસુ અને દેરાણીને ખબર પડી હતી. ત્યાર બાદ તેઓએ આ બધી એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો નથી તેમ કહીને તમામ એપ ડીલીટ મારી દીધી હતી. બાદમાં સોમવારે પરિણીતાએ ફરી એપ્લિકેશન ડાઉનલોડ કરતા પતિ અને દેરાણી ઝઘડો કરવા લાગ્યા હતાં.

આ સાથે જ સાસરીયાઓએ પરિણીતાને પિયરમાં જતી રહેવા માટે જણાવતા પરિણીતાએ કંટાળીને ઘરમાં અનાજમાં નાંખવાનો પાઉડર પી લીધો હતો. ત્યાર બાદ તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સમગ્ર મામલે કામરેજ પોલીસ મથકમાં સાસુ, દેરાણી અને પતિ વિરુધ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top